પાયમાલ પાકની ભારતને ‘દાન’ની હાસ્યાસ્પદ ડંફાશ
પાકિસ્તાનનું ફોરેન રીઝર્વ માત્ર ૧.૩૩ લાખ કરોડ રૂપિયા જેની સામે દેશભરની ખાદ્ય ૫.૫૫ લાખ કરોડ રૂપિયાની
આપણા પૂર્વજો ઘણી ખરી ઉકિતઓ કહેતા હતા જેમાની એક કીડીએ હાથીને લોહી આપવાનું જણાવ્યું તેવો જ ઘાટ હાલ પાકિસ્તાને ભારતને આર્થિક મદદ કરવા જણાવ્યું હતું. હાલનાં તબકકે પાકિસ્તાન સંપૂર્ણરીતે જાણે બોખલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને પણ પાકિસ્તાનને આર્થિક રીતે સઘ્ધર કરવામાં નિષ્ફળ નિવડયા છે. કોઈપણ દેશનો વિકાસ ત્યારે જ શકય બની શકે જયારે જે-તે દેશનું ફોરેન રીઝર્વ વધુ હોય. ભારત દેશની વાત કરવામાં આવે તો દેશનું ફોરેન રીઝર્વ ૩૬.૪૮ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે તેની જ સામે પાકિસ્તાનનું ફોરેન રીઝર્વ માત્રને માત્ર ૧.૩૩ લાખ કરોડ રૂપિયા છે સામે દેશ પરની જે ખાધ ઉદભવિત થયેલી છે તે પણ ૫.૫૫ લાખ કરોડ રૂપિયાની છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ પાયમાલ પાકિસ્તાને ભારતને આર્થિક રીતે મદદ કરવા માટે હાસ્યાસ્પદ ડંફાશ માર્યો છે.
આ ડંફાશનાં પ્રતિઉતરપે ભારતે જણાવતા કહ્યું હતું કે, પાકિસ્તાનનું જે વાર્ષિક બજેટ હોય તે ભારત દેશનું રાહત પેકેજ છે જેથી આ પ્રકારનાં ડંફાશ પાકિસ્તાન ન મારે અને વ્યકિતગત દેશનાં આર્થિક વિકાસ તરફ આગેકુચ કરે. હાલ ૬૮ વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાનનો વિકાસદર શૂન્યથી પણ ઓછો જોવા મળ્યો છે. પાકિસ્તાનનાં આર્થિક સલાહકાર અબ્દુલ હફીઝ શેખે જાહેરાત કરી છે કે, વર્ષ ૨૦૧૯-૨૦માં પાકિસ્તાનનાં આર્થિક સર્વેમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેનું મુખ્ય કારણ કોવિડ-૧૯ છે. હાલ કટોકટીનાં કારણે સર્જાયેલી આર્થિક અસંતુલિત પરિસ્થિતિમાં પાકિસ્તાનનું અર્થતંત્ર -૦.૩૮ ટકાએ પહોંચ્યું છે અને તેની વિપરીત અસર પણ જોવા મળી રહી છે. ૧.૨૦ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થતા સરકારને આર્થિક રીતે ખુબ જ મોટો ફટકો પડયો છે. ૬૮ વર્ષના સમયગાળામાં પ્રથમ વખત પાકિસ્તાનનું અર્થતંત્ર શૂન્યથી પણ ઓછું જોવા મળ્યું છે.
અર્થતંત્રને પૂન: સ્થાપિત કરવાની નીતિઓમાં પાકે ઔધોગિક ક્ષેત્રે વિકાસ કરવો હવે અનિવાર્ય બન્યો છે. પાક.માં માત્રને માત્ર ખેતી સિવાય અન્ય કોઈ ક્ષેત્રનો શૂન્યથી વધુનો નથી જયારે બીજી તરફ દેશનું મુડી ભંડોળ ડોલરના હિસાબે ૧.૩૬ અંકના નીચલા સ્તરે પણ નોંધાયું છે પરંતુ રૂપિયાની ગણતરીનાં હિસાબે રૂ૨૧૪.૫૩નો વધારો પણ થયો છે. વૈશ્ર્વિક મહામારી વચ્ચે આઈએમએફ દ્વારા વિકસિત દેશોને કોરોનાની આ કટોકટી દરમિયાન નિકાસ ઘટાડા અને માલ મોકલવાની ચેતવણી ઉચ્ચારી હતી ત્યારે વૈશ્ર્વિક માંગમાં ઘટાડો થતાની સાથે જ નિકાસ સંપૂર્ણપણે ઘટી ગઈ છે ત્યારે બીજી તરફ પાકિસ્તાને પણ ભારતને આ મહામારીના સમયમાં મદદરૂપ થવા જણાવ્યું હતું પરંતુ આ ખોટી વાતથી ભારતે સ્વયંમ પાકિસ્તાનને ચેતવ્યું છે અને પોતાની અર્થવ્યવસ્થાને સાચવવાનું પણ જણાવ્યું છે.
વિકાસ આત્મનિર્ભર અને સ્વનિર્ભર માટે દેશનું ફોરેન રિઝર્વ અત્યંત મદદરૂપ: આનંદ મહિન્દ્રા
ભારત દેશનું ફોરેન રીઝર્વ ૪૯૩ બિલીયન ડોલરે પહોંચવા પામ્યું છે જે ભારતીય પિયામાં ૩૬.૪૮ લાખ કરોડે પહોંચ્યું છે. આ ફોરેન રીઝર્વથી દેશનો આર્થિક વિકાસ દર પુરઝડપે આગળ વધશે અને ઉધોગો માટે પણ નવી રાહ ખુલશે. ફોરેન રીઝર્વમાં વધારો થતાની સાથે જ મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ તાકિદ કરતા જણાવ્યું હતું કે, આ જ ફોરેન રીઝર્વને જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો દેશનાં ઉધોગોને બુસ્ટર ડોઝ મળી શકશે અને નવા આયામો સર કરવામાં પણ મદદરૂપ સાબિત થશે. ૩૦ વર્ષ પહેલા ભારતનું વિદેશી હુંડિયામણ નહિવત જેવું થઈ ગયું હતું પરંતુ હાલની સ્થિતિમાં ભારત દેશ સૌથી વધુ ફોરેન રીઝર્વ ધરાવતો ત્રીજો દેશ બન્યો છે. આ પહેલા પ્રથમ ક્રમે રશિયા, બીજા ક્રમે સાઉથ કોરીયા અને ત્રીજા ક્રમ પર ભારત છે. ૪૯૩ બિલીયન ડોલરનું ફોરેન રીઝર્વમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અને તે ૫૦૦ બિલીયન ડોલર સુધી ખુબ જ નજીકનાં સમયમાં પહોંચી જશે તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે.
આવી જ રીતે જો દેશનાં વિકાસ રથને આગળ ધપાવવો હોય તો દેશનું ફોરેન રીઝર્વ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને તેના યોગ્ય ઉપયોગથી દેશનાં ઉધોગોને પણ વિશાળ તક મળશે અને તે અર્થવ્યવસ્થામાં પણ અત્યંત કારગત નિવડશે.