અદાલતે મૃતકનું પોલીસ અને તબીબ સમક્ષનું નિવેદન, સાંયોગિક અને દાર્શનિક પુરાવા ધ્યાને લઇ સજા અને દંડ ફટકાર્યો: પાંચ શખ્સોને શંકાનો લાભ અપાયો
સરધારના ભંગડા ગામે અઢી વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણના કારણે યુવકની હત્યાના ગુનામાં ઝડપાયેલા નવ શખ્સો પૈકી ત્રણ શખ્સોને તકસીરવાન ઠેરવી દસ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. પાંચ શખ્સોને શંકાનો લાભ આપવામાં આવ્યો છે. જ્યારે એક શખ્સની ટ્રાયલ દરમિયાન હત્યા થઇ હતી.સરધાર નજીક આવેલા ભંગડા ગામની શ્રધ્ધા હકાભાઇ મુંધવા અને ઉમેશ રણછોડ શેલડીયા નામના પટેલ યુવાન વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી બંને પોતાના પરિવારની મરજી વિધ્ધ ભાગી ગયા હતા. પરિવારજનોની ભીસ વધતા બંને પ્રેમીપંખીડા પરત આવી ગયાબાદ બંનેના પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. આમ છતાં યુવતીના ભાઇઓ વૈભવ ઉર્ફે વિભો હકા મુંધવા સહિતના શખ્સોએ ઉમેશશેલડીયાનું ૩જાન્યુઆરીએ અપહરણ કરી સરધારની વીડીમાં લઇ જઇ ઢોરમાર મારતા દેવીપૂજક યુવાને ઉમેશ શેલડીયાના પિતા રણછોડભાઇ વેલાભાઇને જાણ કરતા તેઓ સરધારની વીડીમાં દોડી ગયા હતા અને પોતાના પુત્રને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારે ઉમેશ શેલડીયાએ પોતાના પર વૈભવ ઉર્ફે વિભા હકા મુંધવા, વેજા ઉર્ફે દુદો વશરામ ગમારા અને ગોપાલ ઉર્ફે વિપુલ વસ્તા ગમારા સહિત નવ જેટલા શખ્સોએ પાઇપ અને ધોકાથી માર માર્યાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેમજ હોસ્પિટલના ફરજ પરના તબીબને પણ ઉમેશે ઉપરોકત બ્યાન આપ્યું હતું. સારવાર દરમિયાન ઉમેશ શેલડીયાનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આજી ડેમ પોલીસે વૈભવ ઉર્ફે વિભા મુંધવા, વેજા ઉર્ફે દુદો ગમારા, ગોપાલ ઉર્ફે વિપુલ વસ્તા ગમારા, સંગ્રામ ભીખા મુંધવા, જગા ભીખા મુંધવા, રામ અરજણ મુંધવા, મનોજ ખેંગાર મુંધવા, પરબત ભીખા મુંધવા અને કાળા હીરા સરસીયા નામના શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન પરબત ભીખા મુંધવાનું ગોંડલ નજીક ખૂન થતા તેની સામેનો કેસ પડતો મુકાયો હતો જ્યારે અન્ય આઠ શખ્સો સામે ચાલી રહેલી સુનાવણીમાં મૃતક ઉમેશ શેલડીયાએ પોતે જ ફરિયાદ નોંધાવી છે. પોલીસ અને તબીબ સમક્ષ ત્રણ શખ્સોને ઓળખતો હોવાથી નામ આપ્યા હતા સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાઓમાં આ પ્રકારના ઓનર કીલીંગ જેવો કેસ ગણી બનાવની ગંભીર ધ્યાને લઇ આકરી સજા કરવા સરકાર પક્ષે રજૂઆત થઇ હતી. આ કેસમાં કુલ ૨૮ સાહેદની જુબાની લેવામાં આવી હતી. તપાસ કરનાર પોલીસ અધિકારી અને સારવાર કરનાર તબીબ દ્વારા અપાયેલા કેસને સમર્થન આપતી જુબાની આપી હતી.
અધિક સેશન્સ જજ વી.વી.પરમારે વૈભવ ઉર્ફે વિભા, વેજા ઉર્ફે દુદો અને ગોપાલ ઉર્ફે વિપુલને આઇપીસી ૩૦૪ પાર્ટ-૨માં તકસીરવાન ઠેરવી પાંચ વર્ષ, આઇપીસી ૩૬૪ પાર્ટ-૨માં દસ વર્ષ અને આઇપીસી ૧૨૦(બી)માં દસ વર્ષની સજા અને ત્રણેય શખ્સોને રૂ.૧૫-૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો. તમામ સજા એક સાથે ભોગવવા હુકમ કર્યો હતો. જ્યારે અન્ય પાંચ શખ્સોને શંકાનો લાભ આપી છુટકારો કર્યો છે. સરકાર પક્ષે એડવોકેટ તરીકે રક્ષિત કલોલા અને મુળ ફરિયાદી વતી એડવોકેટ તરીકે અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, ધીરૂભાઇ પીપળીયા, અંશ ભારદ્વાજ અને અમૃતા ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા હતા.