રાજયસભાની ત્રણ બેઠકની ચૂંટણીના ૯ દિવસ અગાઉ રાજસ્થાનમાં ચૂંટણી ધમસાણ શરૂ થઇ ગયું છે. અને ગેહલોત સરકાર ઉથલાવવાના ડરથી રિસોર્ટમાં પહોંચી ગયા છે. અપક્ષો સહિત ૧૧૦ ધારાસભ્યોને જયપુરથી દિલ્હી રોડ પર એક રિસોર્ટના ભેગા કરી લેવાયા છે અને કેદ કરી લેવાયા છે.
દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે અમારા પક્ષના ધારાસભ્યો સંગઠીન છે અને તેઓ કોઇપણ પ્રકારની લાલચ કે લોભમાં આવે તેમ નથી. તેમણે ભાજપ પર એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને રૂ.૨૫ કરોડ સુધીની ઓફર કરાઇ છે.
જયપુર દિલ્હી હાઇવે પર જે રિસોર્ટમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે ત્યાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે બેઠક યોજવાના છે.
મુખ્યમંત્રી ગેહલોત કહે છે કે અમારા તમામ ધારાસભ્યો સંગઠીત છે અને ગુરૂવારે યોજાનારી બેઠકમાં પક્ષના રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડે ઉ૫સ્થિત રહેવાના છે. બીજી બાજુ કોંગ્રેસ નેતા અને પર્યટન મંત્રી વિશ્ર્વેન્દ્રસિંહે ટવીટ કરી આ મામલે જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો લોકઅપમાં છે. ગેહલોટ કહે છે કે અમારા ધારાસભ્યો બહુ સમજદાર છે અને એ બધું સમજી ગયા છે તેમને લોભ અને લાલચ આપવાની કોશિષ કરાઇ છે પણ રાજસ્થાન દેશનું એકમાત્ર રાજય છે જયાં એકપણ પૈસાનો સોદો થતો નથી. મને આ ધરતીના મુખ્યમંત્રી હોવાનો મને ગર્વ છે જેના લાલ કોઇપણ સોદાબાજી કે લોભ લાલચ વિના સરકારને સાથ દઇ રહ્યા છે એ સરકાર રાજયમાં સ્થિર જ રહેવાની છે. દરમિયાન ભાજપ પ્રદેશાઘ્યક્ષ સતિષ પુનીયાએ જણાવ્યું હતું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પોતાને અસુરક્ષિતા અનુભવે છે. અને ભલે ભાજપ પર આક્ષેપો કરે પણ તેમનું પોતાનું ઘર જ સુરક્ષિત નથી અને ધારાસભ્યો પર જ ભરોસો નથી.
રાજસ્થાન રાજયના રાજયસભાની ત્રણ બેઠકો માટે ૧૯ જુનના રોજ ચુઁટણી થવાની છે આ ચૂંટણીમાં કોંગ્રેસે કે.સી. વેણુગોપાલ તથા નિરજ ડાંગીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.