કોંગ્રેસ ખોટા આક્ષેપો કરી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે: ભરત પંડયા
કોંગ્રેસ આખો પક્ષ વેન્ટીલેટર પર છે: પ્રદેશ ભાજપ પ્રવકતા
કોંગ્રેસના નેતાઓએ પોતાના ધારાસભ્યો સાથે સંપર્ક સંવાદ રાખ્યો હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત તેમ પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના આક્ષેપો સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોને ક્યાં લઈ જવાં ? કયાં રાખવા ? કેવી રીતે સાચવવા ? તે વિષયને લઈને કોંગ્રેસના નેતાઓનો અંદરો-અંદરનો કકળાટ, રઘવાટ અને અંસતોષ દેખાય રહ્યો છે. પોતાના ધારાસભ્યોને મિડીયા અને જનતાથી બચાવવા અને છૂપાવવા માટે સાત ઘર ફરી રહી છે એટલે કે, અલગ અલગ રીસોર્ટમાં ફરી રહી છે. તે ગુજરાતની જનતા જોઈ રહી છે. પંડયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાના સમાચારને ડાયવર્ટ કરવા માટે કોંગ્રેસના નેતાઓ ભાજપ ઉપર અલગ અલગ પ્રકારના જૂઠ્ઠા આક્ષેપો કરે છે. એકબાજૂ તેના ધારાસભ્યો પોતાના નેતૃત્વ સામે આક્રોશ વ્યકત કરીને રાજીનામાં આપી રહ્યાં છે અને ધારાસભ્યો તુટી રહ્યાં છે તેનો આક્ષેપ કોંગ્રેસ ભાજપ ઉપર લગાવી રહી છે અને બીજીબાજૂ કોંગ્રેસના નેતાઓ ઓફિશીયલ રીતે કહે છે કે, અમે ભાજપના ધારાસભ્યોના સંપર્કમાં છીએ. એટલે કે, ભાજપના ધારાસભ્યો તોડી નાખવાનો પ્રયાસ કરીએ છીએ. કોંગ્રેસ પહેલાં પોતાનું ઘર સંભાળે. ભાજપના ધારાસભ્યના સંપર્કમાં રહેવાને બદલે પોતાના ધારાસભ્યો સાથે સંપર્ક-સંવાદ રાખ્યો હોય તો રાજીનામાં આપ્યાં ન હોત અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ન હોત.
ભાજપના નેતાઓ, ધારાસભ્યો કે ભાજપના તમામ કાર્યકર્તાઓની એકતા, ધીરજ, સમર્પણ અને નિષ્ઠાની કોંગ્રેસ ઈર્ષ્યા ન કરે. કોંગ્રેસ સી.એમ.ફંડ અને પી.એમ.ફંડમાંથી ધારાસભ્યોને ખરીદવાનો જૂઠ્ઠો આક્ષેપ કરે છે. આવા આક્ષેપો કરીને કોંગ્રેસ પોતાની બુદ્ધિનું દેવાળું ફુંકે છે. આ હાસ્યાસ્પદ આક્ષેપ છે. શું તમે તમારા ધારાસભ્યોના ફંડમાંથી કોર્પોરેટર, તાલુકા-જીલ્લા પંચાયતના ડેલીગેટ કે ધારાસભ્યોને ખરીદી શકો છો ? આવા મોં-માથા વગરના, ઢંગધડા વગરના જૂઠ્ઠા આક્ષેપો કરવાનું કોંગ્રેસ બંધ કરે. કોંગ્રેસ આખી પાર્ટી વિદેશી નેતૃત્વના વેન્ટીલેટર ઉપર છે અને એટલા માટે તેનું વિખેરાવું, તુટવું અને હારવું એ નિશ્ચિત છે. પોતાની નિષ્ફળતા છૂપાવવા બીજા ઉપર આક્ષેપ ન કરવો જોઈએ. તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.