ચીનના ઈનોવેશનના કારણે આગામી સમયમાં વાહનના ઈંધણની દિશા અને દશા પલ્ટાઈ જશે
ઈલેકટ્રીક કારનું ચલણ ઓછું હોવા પાછળ સૌથી મોટુ કારણ બેટરીની આવરદા ઓછી હોવાનું છે. કાર ખરીદ્યા બાદ અમુક સમય સુધી બેટરી સારી રીતે ચાલે છે પરંતુ સમયાંતરે બેટરી બદલવી પડતી હોય છે. બેટરીની કિંમત એટલી હોય છે કે, સોના કરતા ઘડામણ મોંઘુ પડ્યું હોય તેવો ઘાટ રચાય. અલબત ચીનની એક કંપનીએ એવી બેટરી બનાવી છે જેનાથી આખા વિશ્ર્વનું ઈલેકટ્રીક કારને ધમધમાવવાનું સ્વપ્ન સાકાર થશે. આ બેટરી ૨૦ લાખ કિ.મી. અને ૧૬ વર્ષની આવરદાવાળી હશે. એકંદરે બેટરીનું આયુષ્ય કારથી પણ વધી જશે !
વર્તમાન સમયે ચીનમાં ઈનોવેશન ખુબ ઝડપથી થઈ રહ્યું છે. કંપનીઓ સંશોધનો પાછળ ધોમ ખર્ચ અને મહેનત કરી રહી છે. જેના મીઠા ફળ ચીનને ચાખવા મળે છે. ચીનની સફળતા પાછળનું મુખ્ય કારણ કંપનીઓ દ્વારા થઈ રહેલું ઈનોવેશન છે. આવું ઈનોવેશન ભારતમાં પણ કરવાની ખુબજ આવશ્યકતા છે. હાલ તો ચીનની કંપની દ્વારા તૈયાર થયેલી બેટરી આગામી સમયમાં વાહન વ્યવહારની દિશા અને દશા પલ્ટી નાખશે તેવી પુરેપુરી શકયતા છે.
ટેસ્લા અને ફોક્સવેગન જેવી કંપનીઓ માટે મોટા પાયે ઇલેક્ટ્રિક કાર બેટરી બનાવતી કંપની એમ્પેરેક્સ ટેક્નોલોજીએ દાવો કર્યો છે કે ૧૬ વર્ષ અને ૨૦ લાખ કિલોમીટર આયુષ્ય ધરાવતી બેટરી બનાવી છે. કંપનીના અધ્યક્ષ ઝેંગ યુક્યુનએ આ દાવો કર્યો હતો. આ કંપની હાલમાં ૨.૪ લાખ કિલોમીટરની લાઈફ ધરાવતી બેટરીઓ બનાવે છે. તે વિશ્વની સૌથી મોટી બેટરી ઉત્પાદક પણ છે. ટેસ્લા સિવાય કંપનીના ગ્રાહકોમાં બીએમડબલ્યુ અને ટોયોટા મોટર પણ શામેલ છે.
ઇલેક્ટ્રિક કાર ઉદ્યોગ માટે બેટરીનું જીવન વધારવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી એક બેટરીનો ઉપયોગ બીજી ગાડીઓમા પણ થઈ શકે છે. અને ઇલેક્ટ્રિક વાહનના જાળવણી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. કોરોનાવાયરસ રોગચાળા પહેલા, વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધી રહ્યું હતું. પરંતુ, છેલ્લા ત્રણ મહિનાથી તે લગભગ અટકી પડ્યું છે. આવી સ્થિતિમાં, ઉદ્યોગનો મોમેન્ટમ બેટરીના જીવનમાં વધારો થવાના સમાચાર સાથે પાછા આવી શકે છે. ઝેંગે જણાવ્યુ હતું કે, જો કોઈ ઇલેક્ટ્રિક કાર કંપની આ બેટરી માટે ઓર્ડર આપે છે, તો અમે તેને માટે તૈયાર છીએ. જોકે, તેણે કહ્યું નથી કે કોઈ કંપનીએ હજી સુધી તેનો સંપર્ક કર્યો છે.
ઝેંગે કહ્યું કે આ બેટરીની કિંમત હાલમાં ઇલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગમાં લેવામાં આવતી બેટરી કરતાં ૧૦% વધારે હશે. બેટરીની ક્ષમતામાં ઘટાડો અને તેને થોડા વર્ષોમાં બદલવાની જરૂરિયાત એ અમુક અવરોધો છે જે ઇલેક્ટ્રિક વાહનોના વિકાસ પર અસર કરે છે. ટેસ્લાએ ગયા વર્ષે કહ્યું હતું કે, તેની બેટરી ૧૦ લાખ માઇલ (૧૬ લાખ કિલોમીટર) ચાલવાની આશા છે. તે જ સમયે, જનરલ મોટર્સે ગયા મહિને કહ્યું હતું કે તે આ લક્ષ્યની ખૂબ નજીક છે. ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં ઝડપથી રિકવરીની અપેક્ષા રાખતા, એમ્પેરેક્સ ટેક્નોલોજીએ તાજેતરમાં બેટરી તકનીકી પર ખર્ચમાં વધારો થયો છે. અધ્યક્ષ ઝેંગે જણાવ્યું હતું કે, આ વર્ષે વેચાણ ઓછું થશે પરંતુ, ૨૦૨૧ સુધીમાં માંગમાં વધારો થશે. તેમણે કહ્યું કે ઘણી કંપનીઓ તેમના પ્રીમિયમ મોડેલ્સને બજારમાં લાવવાની છે.