કલેક્ટર રવિશંકરે ડેન્ગ્યુ-મલેરીયા જેવા રોગો અટકાવવા અંગે જનજાગૃતિ ફેલાવવા પત્રકારો સાથે વીડીયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજી પત્રકાર પરિષદ

કલેક્ટર રવિશંકર દ્વારા આજે સંચારી રોગ અટકાયત માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી  પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

સંચારી રોગ એટલે કે પાણી અથવા તો પ્રાણીથી થતા રોગો જેવાકે ટાઈફોડ, મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા રોગોને અટકાવવા માટે  વહીવટી તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે વર્ષાઋતુના આરંભથી જ જામનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ  ન ફેલાય  તે માટે પત્રકારોને આ જનજાગૃતિ માટેની લોકઝુંબેશ ચલાવવા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગત વર્ષ પુષ્કળ વરસાદના કારણે જામનગરમાં ડેન્ગ્યુના કેસમાં ખુબ વધારો જોવા મળ્યો હતો ત્યારે આ વર્ષે પણ હવામાન વિભાગની આગાહી મુજબ સારા વરસાદની શક્યતાને ધ્યાને રાખી કલેકટરએ પત્રકારોને અપીલ કરી હતી કે, રોગને અટકાવવા માટેની ઝુંબેશમાં લોકો માત્ર એક કલાક  આપી પોતાના ઘરની આજુબાજુમાં ક્યાંય પણ પાણી ભરાય તો તેનો નિકાલ કરી વિસ્તારને સાફ રાખવા માટે  પોતાનું યોગદાન આપે અને આ માટે જનમાધ્યમો દ્વારા લોકોને આ ઝુંબેશમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવે તો આ વર્ષે આ પ્રકારના રોગોને અટકાવવામાં ચોક્કસથી જામનગર સફળ થશે.

આ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીએ પત્રકારોને સંચારી રોગ વિશે અને જામનગરની તેની સ્થિતિ વિશે વધુ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.