સૌરાષ્ટ્રમાં આઠ જિલ્લામાં ૧૯ કોરોનાગ્રસ્ત : ૧નું મોત
અમરેલીમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ, વાયરસે એકનો ભોગ લીધો : પોરબંદરમાં ઈજનેર વિદ્યાર્થી કોરોનાની ઝપટે
રાજકોટ કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ જુદા જુદા ચાર વિસ્તારોમાથી એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીઓની આઉટ સાઈડ ટ્રાવેલિંગ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે.શહેરના મવડી, રૈયા રોડ, રેલનગર અને ૮૦ફૂટ રોડ પર રહેતા ચાર દર્દીઓ કોરોનાની ઝપટે ચડતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આઠ જિલ્લામાં એક દિવસમાં વધુ ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી જિલ્લામાં વધુ ૩ કોરોનાગ્રસ્ત કેસ અને એક દર્દીઓનો વાયરસે ભોગ લીધાનું જાણવા મળ્યું છે. જ્યારે પોરબંદરમાં પણ ઇનજનેરનો વિદ્યાર્થી કોરોનાની ઝપટે ચડયાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લામાં ગઈ કાલે ગોંડલ તાલુકાના દંપતી કોરોનાં પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદમાં અઢી માસ ફસાયા બાદ પરત ગોંડલ આવતા તેઓએ આરોગ્ય વિભાગથી પોતાની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છુપાવી હતી. ત્યાર બાદ ઉમંગભાઈ અને ભારતીબેન બન્નેની તબિયત લથડતા તેઓએ ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા તબીબને કોરોનાની શંકા જણાતા આરોગ્ય વિભાગમાં જાણ કરતા તેઓના સેમ્પલ મેળવતા દંપતીને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ આવેલા દંપતીની રાધાકૃષ્ણ નગર શેરી નમ્બર ૨ ને પતરાની આળસ મારી ક્લોઝ કોન્ટેક્ટને ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા હતા.
જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ગઈ કાલે આઠ જિલ્લામાં વધુ ૧૯ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. અને એક દર્દીનું કોરોનાએ ભોગ લીધો હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ચોરવાડ, અમરેલી, પ્રભાસપાટણ સહિત આઠ જિલ્લામાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમરેલીમાં ગઈ કાલે ચિતલ રોડ ઓર અન્ધશાળાની નજીક રહેતા ૮૦ વર્ષના વૃદ્ધાને ગઈ કાલે અમરેલી હોસ્પિટલમાં દાખલ કરી કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેઓને વાયરસનો ચેપ હોવાનું જાણવા મળ્યું હતું. તે દરમિયાન ચાલુ સારવારમાં વૃદ્ધએ દમ તોડતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અમરેલી જિલ્લામાં ગઈ કાલે વધુ ત્રણ લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે મૂળ પોરબંદરના કાટેલા ગામનો વતની અને હાલ બિલડી સીમશાળા પાસે રહેતા યુવાનની તબિયત લથડતા બખરલા ગામે પીએચસી ખાતે દવા લેવા જતા તેમને કોરોનાના લક્ષણ જણાતા તેઓને આઇશોલેશન વોર્ડમાં દાખલ કરી રિપોર્ટ મેળવતા ઇજનેરના અભ્યાસ કરતા યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વિદ્યાર્થી ગત ૩જી તારીખે બંગાળથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ચોરવાડમાં પણ ગઈ કાલે રામદેવપીર મંદિર પાસે એકતા બંગલોમાં રહેતા રોહિત વેદ્યના ઘરે અમદાવાદથી મહેમાન બનીને આવેલા મિલનભાઈ શાહ નામના ૫૬ વર્ષના પ્રૌઢ તેની પત્ની મીનાક્ષીબેન અને પુત્ર જય ત્રણેયને રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા મિલનભાઈ ના ભાઈ અને તેમના બીજા પુત્રને પણ કોરોનાનો ચેપ લાગતા તેઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાવનગરમાં પણ કોરોનાં વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. અને જામનગરમાં ચા ના ધંધાર્થીના સંપર્કમાં આવેલા એકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને મોરબી જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ ના બે કેસ નોંધાયા છે. જેમાં રવાપર ગામના ૪૭ વર્ષના પુરુષ અને હળવદના ૬૦ વર્ષના વૃદ્ધ કોરોનાની ઝપટે ચડયાનું નોંધાયું છે.