‘એશિયન પ્રાઇડ’: સાવજની ‘ડણક’ ગરજી !
આફ્રિકાના સાવજોની સરખામણીમાં ગીરના સિંહોની અનેરી વિશેષતા
હિંસક પ્રાણી નહીં પરંતુ માનવ સાથે રહેવા ટેવાયેલો છે ‘જંગલનો રાજા’
પૃથ્વી પર અનેકવિધ પ્રકારનાં પશુ-પક્ષીઓ વસવાટ કરે છે પરંતુ આ સર્વેમાં જો કોઈ દેવીરૂપ તરીકે પશુની જો પુજા કરવામાં આવતી હોય તો તે સાવજ છે. સાવજો મુળ આફ્રિકા તથા ભારતમાં જોવા મળે છે ત્યારે ગુજરાત રાજય માટે એશિયન પ્રાઈડ ગણાતા સાવજોનું મહત્વ અનેરું છે. પહેલાના સમયમાં સાવજોનો શિકાર કરવામાં આવતો હતો પરંતુ જુનાગઢનાં નવાબ દ્વારા શિકાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તે સમયગાળા દરમિયાન માત્રને માત્ર બે જ સાવજો વસવાટ કરી રહ્યા હતા પરંતુ તેની સંખ્યામાં હવે અનેકગણો વધારો થયો છે અને સાવજ માત્ર ગીર જ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ બન્યા છે. પહેલાના સમયમાં સાવજો તેમનાં અસ્તિત્વ માટે ઝઝુમતા હતા પરંતુ હવે સાવજ ૩૦ હજાર સ્કવેર કિલોમીટરમાં પથરાયા છે. દરેક વન્યપ્રાણીઓની અલગ જ ટેરેટરી નકકી કરવામાં આવતી હોય છે સાથો સાથ તેમની વિશેષતાઓ પણ અત્યંત અલગ જ જોવા મળે છે.
સાવજોની વાત કરવામાં આવે તો તે અન્ય પ્રાણીઓની સરખામણીમાં તે સ્ટ્રેટેજી બનાવવામાં માહિર છે. સાવજોની ત્રાડ જ એકમાત્ર આહલાદક લાગણીની અનુભુતી થતી હોય છે. ગીરમાં વસતા સાવજોની સારસંભાળ વન્ય વિભાગની સાથો સાથ નેસડામાં વસતા લોકો પણ લેતા હોય છે. તેમના માટે સાવજ કોઈ પ્રાણી નહીં પરંતુ રાજા માનવામાં આવે છે. જે કોઈ સાવજ માલધારીનાં માલનું મારણ કરતા હોય તો પણ તેઓને હર્ષની લાગણી અનુભવાઈ છે. સાવજની માનસિકતા છે કે, તે નબળા પ્રાણીનો શિકાર કે તેનું મારણ કોઈ દિવસ નથી કરતો અને તે તેની ટેરેટરી માટે કોઈપણ રસ્તે અને ગમે તે કરી શકવા સક્ષમ છે. આફ્રિકાના સાવજોની સરખામણીમાં જે એશિયાટીક સાવજો ગીર વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે તેનું મહત્વપણ અલગ છે. સરકાર દ્વારા સિંહોની જાળવણી કરવામાં આવે તે માટે ઈકો સેન્સેટીવ ઝોનને પણ અમલી બનાવવામાં આવ્યો હતો પરંતુ બીજી તરફ ગીરના સાવજોને અન્ય રાજયમાં પણ મોકલવા માટેની ચર્ચાનો દોર આગળ વઘ્યો હતો પણ સિંહને દેવી પ્રાણી તરીકે પુજવામાં આવતા હાલ તે મુદાને મુલત્વી રાખવામાં આવ્યો છે.
સાવજોની લાક્ષણીકતા અન્ય પ્રાણીઓ કરતા સાવ જુદી છે. જયાં માનવ વસવાટ જંગલ વિસ્તારમાં જોવા મળે ત્યાં સાવજો અવર-જવર કરતા પણ નજરે પડે છે. જે સમયે નેસડાઓ હતા તે સમયગાળા દરમિયાન સાવજોની અવર-જવર પણ ખુબ જ વધુ જોવા મળતી હતી. સાવજને કોઈપણ શારીરિક તકલીફ પડે તો નેસડામાં વસતા માલધારીઓ તેની જાળવણી કરી તેની સારસંભાળ પણ લેતા હતા પરંતુ દિન-પ્રતિદિન નેસડાઓ હટતાની સાથે જ સાવજોની અવર-જવરમાં પણ રોક મુકાઈ છે. બીજી તરફ હવે સાવજો શહેરી વિસ્તાર તરફ પણ આગળ વધી રહ્યા છે. હાલ વન્ય વિભાગ દ્વારા જે અવલોકન હાથ ધરવામાં આવ્યું છે તેનાથી એ વાતની સ્પષ્ટતા થઈ છે કે, સાવજોની ડણક પણ હવે ગર્જી છે. સાવજ એકમાત્ર એવું પ્રાણી હશે કે જે તેની વિશાળકાય ટેરેટરીમાં વસવાટ કરશે જેને લઈ ૩૦ હજાર સ્કવેર કિલોમીટરનાં એરીયામાં તે પથરાયા હોવાનું પણ સામે આવ્યું છે.
દેવી પ્રાણી તરીકે પૂજાતા સિંહ અન્ય પ્રાણીઓ કરતા સ્ટ્રેટેજી બનાવવામાં માસ્ટર
આફ્રિકાના જંગલમાં વસતા સાવજોની સરખામણીમાં ગીરમાં જે સાવજો વસવાટ કરી રહ્યા છે તેનું મહત્વ પણ અનેરું છે. સાવજ એકમાત્ર એવું પ્રાણી છે કે જે સ્ટ્રેટેજી બનાવવામાં માસ્ટર છે. સાવજ હિંસક પશુ તરીકે પણ તેની છાપ પ્રસ્થાપિત થઈ છે પરંતુ ખરાઅર્થમાં તે માનવ સાથે રહેતું પ્રાણી છે અને સાવજને માત્ર પ્રાણી જ નહીં પરંતુ લોકો તેને રાજા પણ માને છે. અન્ય પ્રાણીઓની સરખામણીમાં સાવજ જે કોઈ શિકાર કરે છે તે સ્ટ્રેટેજીના ભાગરૂપે જ કરવામાં આવતું હોય છે. વાઘ, દિપડા જેવા પ્રાણીઓ પર વિશ્ર્વાસ કરવાના બદલે લોકો મુખ્યત્વે સાવજ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને વિશ્ર્વાસ પણ એટલો જ રાખે છે.