રઘુવંશી તથા અન્ય જ્ઞાતિના જરૂરિયાતમંદોને અપાયુ અનાજ
જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણાત્રા ફાઉન્ડેશન (યુ.કે.) ના આર્થિક સહયોગથી લોહાણા તેમજ અન્યજ્ઞાતિના આશરે ૧૭૫ જરૂરિયાતમંદ પરિવારોને કોવિડ ની આ મહામારીમાં અનાજની કીટ તેમજ મસાલાની કીટ વિના મૂલ્યે આપવામાં આવી.
ઉક્ત કાર્યક્રમની શરૂઆત ખંભાળિયાના અગ્રણી દાતા અને વયોવૃદ્ધ એવા શેઠ મુળજીભાઈ વલ્લભદાસ પાબારીના વરદ હસ્તે જલારામ બાપાના આશીર્વાદ લઈને દીપ પ્રાગટય કરવામાં આવ્યું. આ તબક્કે રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ જેવી કે શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રઘુવંશી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓએ ખભે ખભા મિલાવીને આ કાર્યક્રમ ખૂબ જ સુપેરે પાર પાડવામાં આવેલ તેમજ માર્ચથી અત્યાર સુધીમાં જરૂરિયાતમંદ એવા કોઈ પણ જ્ઞાતિના હોય તેમને આશરે આ ૭ મી કીટ ઉપરાંત શેઠ નીતિનભાઈ લાલના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને પ્રતિ પરિવાર દીઠ ૧૧૦૦/- રૂપિયા આપવામાં આવ્યા અને તેમને આ સમયમાં તેમનો જઠરાગ્નિ ઠરે તે માટે વિવિધ દાતાઓના સહકારથી આ યજ્ઞ કરવામાં આવ્યો.
આ સંસ્થાના પાયાના પથ્થર કહી શકાય એવા મૂળ ખંભાળીયાના તેમજ હાલ યુ.કે.સ્થિત એવા શેઠ દિનેશભાઇ વિઠ્ઠલદાસ ગણાત્રા તેમજ શેઠ જગદીશભાઈ વિઠ્ઠલદાસ ગણાત્રા દ્વારા ૧૯૮૨માં લોહાણા યુવક પરિવારના નેજા હેઠળ લોહાણાના જરૂરીયાતમંદ પરિવારો માટે અનાજ વિતરણ તેમજ અન્ય જ્ઞાતિ સેવાના કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને હાલમાં સાર્વજનિક સંસ્થા તરીકે વિવિધ જ્ઞાતિઓની સેવા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવા કરવામાં આવે છે. આમ છેલ્લા ૩૮ વર્ષથી આ સેવાયજ્ઞ અવિરતપણે ચાલુ જ છે. છેલ્લા ઘણા વર્ષોથી માતૃભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા તેમજ જરૂરિયાતમંદ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને લીધે આ સેવાયજ્ઞ વર્ષોથી કાર્યરત છે અને હજુ પણ વધુ ને વધુ આવા કાર્યો કરવાની નેમ પણ તેમના દ્વારા લેવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રાકેશભાઈ પંચમતીયા, ચિરાગભાઈ મોટાણી, નિશીલભાઈ કાનાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. આ તબક્કે શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ સર્વે દાતાઓ તેમજ વિવિધ સંસ્થાઓનો આભાર વ્યકત કરે છે.