વ્હીલબરો, ડસ્ટબીન ખુલ્લા મેદાનમાં રાખવામાં આવતા વરસાદમાં પલળી કટાઈ ગયા: પ્રામાણિક કરદાતાઓને મફતમાં આપવાની ડસ્ટબીનનો સ્ટોરમાં ભરાવો: થેલીઓ પણ સડી ગઈ
સ્વચ્છતામાં રાજકોટને દેશનું નંબર વન શહેર બનાવવાની જવાબદારી જેના શીરે છે તે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ એન્ડ મેનેજમેન્ટ શાખાની ઘોર બેદરકારીનાં કારણે લાખો રૂપિયાનો સામાન ભંગારમાં ફેરવાઈ ગયો છે. શહેરનાં ભાવનગર રોડ પર આવેલા ક્ધઝર્વન્સી ડેપોમાં ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલી ડસ્ટબીનઅને વ્હીલબરો પલળીને કટાઈ ગઈ છે જયારે પ્રામાણિક કરદાતાઓને મફતમાં આપવાની થતી ડસ્ટબીનનો પણ સ્ટોરમાં ભરાવો જોવા મળ્યો હતો. પ્લાસ્ટીક મુકત રાજકોટ અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી થેલીઓ પણ સડી ગઈ હોવાનું માલુમ પડયું હતું.
કોંગ્રેસના કોર્પોરેટરોએ ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ સ્ટોરની મુલાકાત લીધી હતી જેમાં મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત મિશન અને સોલીડ વેસ્ટ વિભાગની અનેક ખામીઓ અને વાસ્તવિકતા સામે આવેલ છે. હજ્જારોની સંખ્યામાં નવેનવા ડસ્ટબીનો વણવપરાયેલા અને ભંગાર હાલતમાં જોવા મળેલ હતા સફાઈ કામદારો ને આપવાના માસ્ક, હેન્ડ ગ્લોવ્સ અને મેલેથીયોન પાઉડર પણ ક્ંડમ હાલતમાં પડ્યા હતા. રાજકોટના અમુક વિસ્તારોને બાદ કરતા કોઈપણ જગ્યાએ કોર્પોરેશન દ્વારા ભીનો અને સુકો કચરો અલગ કરવા માટેના ડસ્ટબીન આપવાના હતા જે આપેલ નથી.
જાહેર રસ્તાઓ ઉપર પાનના ગલ્લાઓ, ખાણી પીણાની રેકડીઓ અને હોકર્સ ઝોનની આસપાસ વગેરે જેવા સ્થળોએ મુકવામાં આવતા મોટા લીલા અને બ્લુ કલરના ડસ્ટબીન કે જે લોખંડના બાસ્કેટની અંદર રાખી લોખંડ પાઈપના સ્ટેન્ડ ઉપર ઉભા કરવાના હતા જે પણ હજ્જારોની સંખ્યામાં આ સ્ટોરના વંડામાં નવે નવા વણવપરાયેલ હાલતમાં પડ્યા છે જે દરેકને કાટ લાગી ગયેલ છે અને આ એક વર્ષે વરસાદ પડશે તો બિલકુલ સડી જશે તો મનપાના અધિકારીઓની સંપૂર્ણ જવાબદારી બનશે તેમજ લોખંડના બાસ્કેટ તેની ઉપર પડ્યા પડ્યા કાટ ખાઈ ગયેલ છે લોખંડના બાસ્કેટ ઉપર અનેક વિધ છોડવા અને વેલા ઉગી નીકળેલ છે તેમજ આ લીલા અને બ્લુ કલરના નવે નવા ડસ્ટબીનો સુર્યના તાપથી ઓગળી ગયેલા સ્ટોરમાં નજરે પડે છે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખરીદવામાં આવેલ અંદાજે ત્રણ સ્વ ત્રણ ફૂટના પ્લાસ્ટિકના ડસ્ટબીન કે જે સ્પેશિયલ ૧૫૦ ફૂટ રીંગ રોડ અને બીઆરટીએસના વિસ્તારમાં મુકવાના હતા જે પણ હજારોની સંખ્યામાં નવેનવા સીલપેક હાલતમાં ધૂળ ખાઈ અને ઉનાળાના તડકાના હિસાબે પ્લાસ્ટિકની કેપેસીટી ઓછી થતા આ ડસ્ટબીનને દબાવતાં તૂટી જાય છે આની ખરીદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ રાજકોટના લોકોના માથે આવેલ છે આ ખરીદીમાં કરોડો રૂપિયાનું ગોલમાલ થયું હોય તેવું દેખાય રહ્યું છે.
આ અંગે ખુલાસો કરતા સોલીડ વેસ્ટ શાખાનાં પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ડસ્ટબીન અને વીરબરો રોડ ઉપર જ રાખતા હોઈએ છીએ અને તે વરસાદમાં પલળતા જ હોય છે અને સ્ટોરમાં જે વસ્તુ બહાર પડી છે તેનો આગામી ૧૧ મી જુનનાં રોજ કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરાયેલી એજન્સી દ્વારા જાહેર હરાજી કરવામાં આવનાર છે. રાજકોટ કચરાપેટી મુકત બની ગયું છે આવામાં જે ૨૦૦ ડસ્ટબીન હતી તે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ડસ્ટબીન સ્ટોરમાં મેદાનમાં પડી છે જે પૈકી ૧૬૨ ડસ્ટબીન રૂડાએ ઉપાડી લીધી છે બાકીની ડસ્ટબીન પણ ટુંક સમયમાં ઉપાડી લેશે. જોકે તેઓએ ભંગાર અંગે સ્પષ્ટતા કરી હતી પરંતુ સ્ટોરરૂમમાં પડેલી ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્રિકરણ માટેની ડસ્ટબીન શા માટે છેલ્લા ચાર વર્ષથી પડી છે તે અંગે કોઈજ ખુલાસો કર્યો ન હતો.