રૂ.૪૪,૬૦૦નો દંડ વસુલાયો: ૧૮ ટીમો ૧૮ વોર્ડમાં ફરી વળી
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. હાલમાં લોકડાઉનમા આંશિક મુક્તિ અપાયેલી છે, જોકે સાથો સાથ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વધુ સંખ્યામાં લોકોને એકત્ર નહી થવા વિનતીસહ સૂચનાઓ આપવામાં આવેલી છે. આમ છતાં કેટલાક લોકો બેદકારીપૂર્ણ રીતે વર્તતા હોવાનું ધ્યાને આવેલ છે. આવા લોકોને કારણે પણ ચેપ પ્રસરવાનો ભય રહે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર વોર્ડ વાઈઝ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આજ રીતે આજે તમામ ૧૮ વોર્ડમાં અધિકારી અને કર્મચારીઓની ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન શહેરમાંથી માસ્ક પહેર્યા વિનાના કુલ ૨૨૩ નાગરિકો પાસેથી રૂપિયા ૪૪,૬૦૦/- ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી. માસ્ક નહી પહેરનારા કે પછી નાક અને મ્હો સરખું ઢંકાય નહી તેવી રીતે માસ્ક નહી પહેરનારા લોકો અન્ય નાગરીકોમાં ચેપ ફેલાવી શકે તેવી દહેશત રહે છે, તેમ જણાવી મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે સમગ્ર બાબતને ગંભીરતાી ધ્યાને લઈ આવા નાગરિકો પાસેથી પેનલ્ટી વસૂલ કરવા સમયાંતરે ઝુંબેશ ચલાવવા આદેશ આપાયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો આશય લોકોને દંડિત કરવાનો નહી પણ માસ્ક પહેરવા જાગૃત રહે તે માટેનો છે. માસ્ક નહી પહેરનાર લોકો પોતાના અને સામેવાળા લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની રહે છે. સૌ જાહેર સ્વાસ્થ્યના હિતમાં માસ્ક પહેરે, વખતો વખત હાથ ધોવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ વખતો વખત તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનો ચુસ્તપણે અમલ કરે તે જરૂરી છે.