૩૦મી જુન સુધી વિદ્યાર્થીઓને શાળાએ આવવાનું રહેશે નહીં: ઘરે બેઠા અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃતિઓ મળી રહે તે મુજબ હોમ લર્નીંગની પ્રક્રિયા શરૂ કરાશે: આર. ટી. ઈ. હેઠળ પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ પણ હોમ લર્નિંગથી વંચિત ન રહી જાય તે માટે સાહિત્ય પહોંચાડવાની વ્યવસ્થાપણ શાળાઓએ કરવાની રહેશે
કોરોના વાયરસ અને દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉનનાં કારણે છેલ્લા બે માસથી રાજયની સ્કુલો બંધ છે. હજુ એક મહિનો સ્કુલો ખુલશે નહીં તેમ રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું પરંતુ ૮મી જુનથી એટલે કે સોમવારથી તમામ શિક્ષકોએ સ્કુલે હાજર રહેવું પડશે અને ધો.૧ થી ૯માં ઓનલાઈન પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે અને ૩૦મી જુન સુધી વિદ્યાર્થીઓને શાળાએ આવવાનું રહેશે નહીં. વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ શિક્ષણની પ્રવૃતિ મળી રહે તે મુજબની પ્રક્રિયા એટલે કે હોમ લર્નીંગ શરૂ કરવામાંઆવશે.
ઉલ્લેખનીય છે કે, રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સરકારનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં તમામનો મત એવો હતો કે, અગાઉ સ્કુલો જુનમાં ખોલવાનું નકકી કર્યું હતું તે આ પરિસ્થિતિને જોતા હવે નહીં કરી શકાય. મીટીંગમાં હાજર તમામનાં અભિપ્રાય પછી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલીઓ સહિત સૌને તેમની રજુઆતમાં લેખિતમાં સુચન આપવાનું જણાવ્યું હતું. રાજય સરકારે માર્ચ મહિનામાં લીધેલા નિર્ણય મુજબ શાળાઓ ૮ જુન સુધી બંધ રહેવાની હતી જોકે શાળાઓમાં સોમવારથી વેકેશન પૂર્ણ થઈ જશે જોકે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે પરંતુ શિક્ષકો અને અન્ય સ્ટાફ મેમ્બરોને ફરજ પર હાજર થવું પડશે. શિક્ષકોને જરૂર પ્રમાણે બોલાવવાની સતા મુખ્ય શિક્ષકને સોંપવામાં આવી છે.
ધો.૧ થી ધો.૯ની પ્રવેશ પ્રક્રિયા સોમવારથી શરૂ કરવામાં આવશે. બીજી તરફ ૧૩ મી જુનથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા ભણાવવાનું શરૂ કરાવવામાં આવશે. કોરોનાને કારણે વાલીઓને બાળકોને કઈ રીતે સ્કુલે મોકલવા તેની ચિંતા છે જોકે સરકારે વિદ્યાર્થીઓને સ્કુલે નહીં મોકલવાનું ફરમાન કરતા વાલી વર્ગમાં રાહત જણાય છે.
હોમ લર્નીંગ માટે તમામ સ્કુલોને જાણ કરાઈ છે. વિદ્યાર્થીઓની ડાયેસમાં ડેટા એન્ટ્રીની કામગીરી તેમજ આ કામગીરી માટે આવશ્યક શિક્ષકોને જરૂરીયાત પ્રમાણે શાળામાં હાજર રાખવાના રહેશે. ૩૦મી જુન સુધી વિદ્યાર્થીઓ એ શાળામાં આવવાનું રહેશે નહીં પરંતુ તેઓને ઘરે બેઠા અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃતિઓ મળી રહે તે માટે હોમ લર્નિંગની પ્રક્રિયા આરંભાશે. હોમલર્નિંગનાં સમયગાળા દરમિયાન મધ્યાહન ભોજન માટે કુકિંગ કોસ્ટ અને અનાજ વિતરણની વ્યવસ્થા રાજય સરકાર તરફથી કરવામાં આવશે. આરટીઈ હેઠળ પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ પણ આવા શિક્ષણથી વંચિત ન રહી જાય અને તેઓ માટે પણ છાપેલું સાહિત્ય પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
રાજયભરમાં હોમ લર્નીંગ પ્રક્રિયા ચાલુ થશે.
૮ થી ૧૩ જુન સુધી વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ સાહિત્ય મળી જશે.
વિદ્યાર્થીઓ ઘરે બેસી અભ્યાસ કરી શકે તે માટે ઓનલાઈન, ટેલીવિઝન, મોબાઈલથી અભ્યાસ કરાવવામાં આવશે.
હવે રાજયની પ્રાથમિક શાળાઓમાં ૬ વર્ષની ઉંમર ધરાવનાર બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.