‘નો વન લેફ્ટ બિહાઈન્ડ’ મિશન હેઠળ રાજકોટ જિલ્લાના ૩૩૭ ગામોમાં ૫ હજાર શૌચાલય બનાવાશે
‘નો વન લેફ્ટ બિહાઇન્ડ’ મિશન હેઠળ એક પણ ઘર પાછળ ના રહી જાય તે વિચાર સાથે ઘરે-ઘરે શૌચાલયની મુહિમ શરુ કરવામાં આવી છે. એક પણ ઘર હવે શૌચાલય વગર નહિ રહે તે માટે રાજકોટ જિલ્લામાં પણ ખાસ સર્વે કરવામાં આવ્યો છે અને શૌચાલય વિહોણા પરીવારોને આ સુવિધા પ્રાપ્ત થનાર છે.
જિલ્લા પંચાયત અને ડીસ્ટ્રીકટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ૩૩૭ ગામોમાં ૪૯૪૫ શૌચાલયના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૩૫ ગામોના ૯૩૭ શૌચાલયોનું કામ પૂર્ણ થયું છે. હાલ ૨૧૭ ગામોના ૨૦૩૮ શૌચાલયોની કામગીરી પ્રગતિ હેઠળ છે. આવનારા સમયમાં ૩૯૮૭ શૌચાલય ઘર દીઠ પૂર્ણ કરવામાં આવશે.
રાજ્યમાં શૌચાલયના નિર્માણ માટેલાભાર્થીને ૧૨ હજાર રૂ. સહાય કરવામાં આવે છે, જેમાં ૬૦ % કેન્દ્ર સરકાર દ્વારા તેમજ ૪૦ % રાજ્ય સરકાર દ્વારા આ સહાય ચુકવવામાં આવે છે. બી.પી.એલ કેટેગરીમાં આવતા અને જેમણે એકપણ વાર આ યોજનાનો લાભના લીધો હોઈ તે તમામ લાભાર્થીઓ સહિત નાના સીમાંત ખેડૂતો, એ.પી.એલ કેટેગરીના એસ.સી., એસ.ટી, જમીન વિહોણા ખેત મજુર, શારીરિક વિકલાંગ અને કુટુંબના મહિલા વડા હોય તેવા લાભાર્થીઓનું ગામના સરપંચ અને તલાટી દ્વારા યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી પરથી સર્વે કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને શૌચાલય બનાવવા જણાવવામાં આવે છે. શૌચાલય નિર્માણ બાદ તેનું ઇન્સ્પેકશન થાય છે. તેનું જીઓ ટેગિંગ બાદ સર્ટિફિકેટ મળે છે તેમજ તેમને ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવે છે તેમ ડી.આર.ડી.એ.ના નિયામક જે. કે. પટેલ જણાવે છે.