પ્રમુખ, મંત્રી સહિતની ૩૧ સદસ્યોની કારોબારી સમિતિને એક વર્ષ પૂર્વે ચેરીટી કમિશનરે ગેરબંધારણીય ઠેરવી હતી
જામનગરના રણજીતનગરમાં આવેલી લેઉવા પટેલ સમાજની વાડીનું સંચાલન કરતા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ, મંત્રી સહિતની હાલની ૩૧ સદસ્યોની કારોબારી સમિતિને ગેરબંધારણીય ઠરાવી ચેરીટી કમિશ્નરે છ મહિનામાં ચૂંટણી કરવી તેવો આદેશ ફરમાવી બે વહીવટદારોની નિમણૂક કરી દેતા પટેલ સમાજમાં ચર્ચા જાગી છે.
આ કિસ્સાની વધુ વિગત મુજબ વર્ષ ૧૯૬૭માં જામનગરમાં કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજની સ્થાપના કરવામાં આવ્યા પછી હાલમાં ૪૦૦૪ સભ્યો ધરાવતી આ સમિતિ દ્વારા રણજીતનગરમાં પટેલ સમાજની વાડી ઉપરાંત રણજીતસાગર રોડ પર સેટેલાઈટ પાર્કમાં જ્ઞાતિની વાડી તેમજ રણજીતનગરમાં એ.બી. વિરાણી કન્યા વિદ્યાલય અને એક છાત્રાલયનું સંચાલન કરવામાં આવે છે. સંસ્થાના બંધારણ મુજબ સંસ્થાના વહીવટ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી મળી પાંચ હોદ્દેદારો મળી કુલ ૨૧ સભ્યોની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજવાની હોય છે. આ પ્રકારની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ગઈ તા. ૧૮-૦૩-૧૮ના દિને વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. તેમાં ચૂંટણી કરવાના બદલે કારોબારી સભ્યોની નિમણૂક કરવા એક પંચ બનાવવામાં આવ્યું હતું જેમાં ૧૫ કારોબારી સભ્યોની નિમણૂકના બદલે ૩૧ની નિમણૂક કરી દેવામાં આવી હતી.! તે વેળાએ સભ્યોમાંથી કુલ ૩૧ની બોડીની પંચ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી.
સદસ્યોમાંથી પ્રમુખપદે મનસુખભાઈ રાબડીયા, ઉપપ્રમુખપદે અરજણભાઈ સોજીત્રા, મનસુખભાઈ દેવાણી તથા મંત્રીપદે અશોક મોહનભાઈ ચોવટીયા, સહમંત્રી પદે રમેશ વેકરીયા અને ખજાનચી તરીકે લવજીભાઈ નારણભાઈ વાદીની નિમણૂક કરવા ઉપરાંત અન્ય ૨૫ કારોબારીની પણ નિમણૂક થઈ ગઈ હતી.
ઉપરોક્ત પ્રક્રિયાી ટ્રસ્ટનું હિત અને અધિકાર જળવાતા ન હોવાથી ટ્રસ્ટના સભ્ય ધુતારપરના આશિષ મનસુખભાઈ હરસોડા અને કાલાવડના મોટીભગેડીના જયેશ કરશનભાઈ તારપરાએ રાજકોટ સ્થિત ચેરીટી કમિશ્નરની કચેરીમાં તા. ૧૮-૦૩-૧૮ની કાર્યવાહી રદ કરવા માટે કેસ કર્યો હતો. જેમાં તેઓએ તમામ ટ્રસ્ટીઓની નિમણૂક ગેરકાયદે ઠેરવવા, હિસાબોની તપાસ કરાવવા વિગેર માંગણી કરી હતી. કચેરીએ ટ્રસ્ટી ગોરધનભાઈ જેરામભાઈ રાબળીયા, મેઘજીભાઈ ભોજાભાઈ કોઠીયા, મનસુખભાઈ કરશનભાઈ તેમજ વર્ષ-૨૦૧૫ી બન્ને પ્રમુખ રામજી આંબા ગઢીયા, મંત્રી અશોક મોહન ચોવટીયા સહિત ચૌદ સામે ફરિયાદ અરજી કરાતા કમિશ્નરે તમામને નોટીસ પાઠવી હતી.
તે પછી ગઈ તા. ૧૭-૩-૨૦૨૦ના દિવસે ચેરીટી કમિશ્નરે હાલના પ્રમુખ, મંત્રી સહિતના તમામ ૩૧ કારોબારી સભ્યની બોડીને ગેરબંધારણીય ઠરાવી આગામી ૬ મહિનામાં કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજની ચૂંટણી યોજવા આદેશ કર્યો છે અને હાલની બોડીને સસ્પેન્ડ કરી તેમની જગ્યાએ બે વહીવટદારોની નિમણૂક કરી છે. જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી-જામનગરના સિનિયર ક્લાર્ક એસ.એન. ચાવડાને ચૂંટણી અધિકારી નીમી આ જ કચેરીના ઈન્ચાર્જ નિરીક્ષક કે.બી. વરૃને મદદનીસ ચૂંટણી અધિકારી તરીકે નીમી વહીવટદાર તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. ચેરીટી કમિશ્નરના ઉપરોક્ત હુકમથી નગરના લેઉવા પટેલ સમાજમાં ચર્ચાની સાથે ખળભળાટ મચ્યો છે.
કમિશ્નરે ઉપરોક્ત હુકમ ઉપરાંત પીટીએ ફંડમાં રૂ. ૬૦,૦૦૦ જમા કરાવવાનો અને બન્ને ચૂંટણી અધિકારીને રૂ. ૧૫,૦૦૦ મહેનતાણુ ચૂકવવાનો હુકમ કરવા ઉપરાંત ચેરીટી કમિશ્નરની પરવાનગી વગર ટ્રસ્ટની કોઈપણ મિલકત ભાડે કે વેચાણ કે અન્ય કોઈ રીતે તબદીલ નહીં થઈ શકે તેમ જણાવી નવા ચૂટાયેલા ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો કાયમી ધોરણે રૂ. ૧૦૦૦ કરતા વધુ રકમ એકાઉન્ટ પેનો ચેક આપી તેની ચૂકવણી કરશે તેમ ઉમેર્યુ છે.