હળવદમાં ૩॥ ઈંચ, મોરબીમાં ૩ ઈંચ, બોટાદમાં ૨॥ ટંકારામાં ૨, ચોટીલા-માળીયા મિયાણામાં ૧॥ ઈંચ, વાંકાનેર-જસદણ-ભાવનગરમાં ૧ ઈંચ વરસાદ: રાજકોટમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો
પ્રિ-મોન્સુન એક્ટિવીટીની અસરતળે સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે મેઘકૃપા વરસી હતી. સૌરાષ્ટ્રના ૧૧ પૈકી ૮ જિલ્લાઓમાં ગઈકાલે હળવા ઝાપટાથી લઈ ૩॥ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે અને આવતીકાલે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. સીબી ફોર્મેશનના કારણે અમુક વિસ્તારમાં ૨ થી ૩ ઈંચ સુધી પણ વરસાદ વરસી શકે છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૩૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.
ગઈકાલે બપોરબાદ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રના ૧૧ પૈકી ૮ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત કચ્છમાં પણ મેઘરાજાએ મહેર ઉતારી હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૩૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. ચોટીલામાં પણ તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. તો સાપરમાં પણ વરસાદ ખાબકતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પડ્યો છે. હળવદમાં ૩॥ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત મોરબીમાં ૩ ઈંચ, બોટાદમાં ૨॥ ઈંચ, ટંકારામાં ૨ ઈંચ, ચોટીલામાં ૧॥ ઈંચ, માળીયા મિયાણામાં ૧॥ ઈંચ, વાંકાનેર-ગઢડા-જસદણ-ભાવનગર-ચુડા-મહુવામાં ૧ ઈંચ, બાબરા, મુળી, વઢવાણ, ઘોઘા, ધ્રાંગધ્રા, સાયલા, જોડીયા, તળાજા, રાપર, થાનગઢ, વિંછીયા, ઉના, લાઠી, બરવાળા, અમરેલી તથા ખાંભામાં અડધાથી લઈ પોણો ઈંચ સુધી વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં હાલ પ્રિ-મોન્સુન એક્ટિવીટીના લીધે વરસાદ વરસી રહ્યો છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સીબી ફોર્મેશનના કારણે અમુક વિસ્તારોમાં ૨ થી ૩ ઈંચ સુધી પણ વરસાદ વરસી શકે છે. હાલ રાજ્યમાં ચોમાસા માટે સાનુકુળ પરિસ્થિતિ સર્જાય છે. આગામી ૨૦ કે ૨૧ જૂન આસપાસ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
રાજકોટમાં પણ ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યા આસપાસ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો.