શહેરના અનેક બેરોજગારોને રોજગારી મળશે માલિક બદલાયા, બ્રાન્ડને ફરી ટોચ પર લઈ જવાશે
જામનગરનું નામ વુલન ટેક્સટાઈલ ક્ષેત્રે ભારતભરમાં તેમજ વિદેશોમાં ગૌરવવંતુ કરનાર દિગ્જામ વુલન મીલ પુન:શરૂ થઈ રહી છે.
જામનગરમાં એસ.કે. બિરલા ગ્રુપ દ્વારા ૭૦ વર્ષથી દિગ્જામ વુલનમીલ કાર્યરત હતી. જેને કારોબારમાં નુકસાની થતા નાણાંકીય કટોકટીના કારણે લગભગ અઢી વર્ષથી બંધ કરવાની ફરજ પડી હતી. આ મીલ એન.સી.એલ.ટી. હેઠળ તા. ર૬-૪-ર૦૧૯ થી સમાધાનની પ્રક્રિયામાં હતી.
હવે તાજેતરમાં જ કંપનીના રીસોલ્યુશનનો ઓર્ડર એન.સી.એલ.ટી. દ્વારા કરવામાં આવ્યો છે. અને જાણીતા ઉદ્યોગપતિ તથા એક એન.બી.એફ.સી. કંપનીના માલિક ભરતભાઈ પટેલ ગ્રુપ દ્વારા દિગ્જામ વુલનમીલની માલિકી જાહેર કરવામાં આવી છે.
હાલ છેલ્લા અઢી વર્ષ જેટલા સમયથી દિગ્જામ મીલમાં પ્રોડકશન કામ સદંતર બંધ છે, પણ હવે નજીકના ભવિષ્યમાં આ નવા ગ્રુપની માલિકી હેઠળ કંપનીની પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવશે અને પ્રોડકશન શરૂ કરવા સાથે દિગ્જામ મીલને ફરીથી ધમધમતી કરવા યોગ્ય કરવામાં આવશે. એટલું જ નહીં વિશ્વભરમાં “દિગ્જામ બ્રાન્ડ” નું નામ જે રીતે પ્રતિષ્ઠા સાથે સુપ્રસિદ્ધ છે તે બ્રાન્ડને ફરીથી દેશ-વિદેશમાં ટોચ પર લઈ જવા માટે પણ નવા માલિકો ખૂબ જ ઉત્સુક છે.
દિગ્જામને પુન: ધમધમતી કરવા માટે થોડા ફેરફારો પણ અવશ્ય કરવામાં આવે તેવી શક્યતા છે, પણ ત્યાર પછી કંપનીની જરૂરિયાત અને શરતો પ્રમાણે કર્મચારીઓ માટે રોજગારીની વિશાળ તકોનો લાભ મળશે.
એન.સી.એલ.ટી.ના નિર્ણય અને ફીનક્વીસ્ટ ગ્રુપના સાહસથી દિગ્જામ મીલનું દિગ્જામ બ્રાન્ડનું કાપડ ફરીથી જામનગરથી દેશ-વિદેશમાં પ્રકાશમાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં દિગ્જામ વુલનમીલની સૌપ્રથમ મહાકાય ઉદ્યોગ તરીકે ગણના થતી હતી. બિરલા ગ્રુપ દ્વારા તેનું નામકરણ બદલીને વીએક્સએલ પ્રા.લિ. કરી નાખવામાં આવ્યું હતું. તેમ છતાં દિગ્જામ બ્રાન્ડ ચાલુ જ રાખી હતી. વુલન ફેબ્રીક્સમાં શુટીંગ, શાલ, બ્લેન્કેટ્સ વિગેરેમાં દિગ્જામ બ્રાન્ડની જબરદસ્ત ડીમાન્ડ હતી. તેમાંય એક્સપોર્ટ ક્વોલિટીના કાપડ માટે લોકો પડાપડી કરતાં હતાં.
હવે ફરીથી દિગ્જામ બ્રાન્ડ સાથે નવા માલિકો સાથે કંપની શરૂ થઈ રહી છે. ત્યારે જામનગરના અનેક બેરોજગારોને રોજગારી મળવાની તક સર્જાશે તેમજ મીલના હયાત કર્મચારીઓને પણ તેમની જુની કંપની સાથેના કોર્ટ મેટરને ધ્યાનમાં રાખી તેમની માતૃસંસમાં પુન: નોકરી કરવાનો અવસર મળશે. દિગ્જામ મીલના ઉચ્ચ અધિકારી અજય અગ્રવાલે દિગ્જામ મીલના પુન:શરૂ થવા અંગેની વિગતોની જાણ કરી છે.