લૂંટ, ચોરી અને ચીલ ઝડપના અનેક ગુનામાં સંડોવાયેલા શખ્સ સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલા બાલાજી હોલ નજીક પૈસાની ઉઘરાણી મુદ્દે પરપ્રાંતિય યુવકને નામચીન શખ્સો સહિત ત્રણે છરીના ઘા ઝીંકી દેતા તાલુકા પોલીસ ધટના સ્થળે દોડી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ બાલાજી હોલ પાછળ બાંધકામ સાઇટમાં રહેતા અને કડીયાકામ કરતા સુરેશ સુનીલકુમાર જંગી નામના ૩પવર્ષીય નેપાળી યુવાન પાસે રાત્રીના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ રૂ. ૧૫૦૦ ની ઉઘરાણી મુદ્દે નામચીન પરેશ ઉર્ફે પરીયો તથા બે સાગરીતે ઝઘડો કરી ઢીકાપાટાનો માર માર્યા બાદ પરેશે નેફામાંથી છરી કાઢી નેપાળી યુવકને ઝીંકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણ શખ્સોના કરેલા હુમલામાં ઘવાયેલા શખ્સે રાડારાડી કરતા સ્થાનીકો દોડી આવતા હુમલાખોરો નાસી છુટયા હતા. ઘવાયેલા નેપાળી યુવકને ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખસેડાયો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જી.એસ. ગઢવીની ટીમે ઘવાયેલા નેપાળી યુવકની ફરીયાદ પરથી ત્રણ શખ્સો સામે મારા મારી જાહેરનામાના ભંગનો ગુનો નોંઘ્યો છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં લોકડાઉનના પ્રથમ તબકકામાં લીધેલા રૂ. ૧૫૦૦ની ઉઘરાણી મુદ્દે જાહેરમાં ત્રણ શખ્સોએ યુવકને માર માર્યા બાદ છરીના ત્રણ ઘા ઝીંકી દઇ કર્યાનું ખુલ્યું.