આપાતકાલીન સમયને પહોંચી વળવા કર્ણાટક, મેંગલોર અને આંધ્રપ્રદેશમાં સરકારે ૫.૩૩ મિલીયન ટન ક્રુડનાં જથ્થાનો સંગ્રહ કર્યો
મહામારીના સમયમાં અનેકવિધ દેશ આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં કયાંકને કયાંક ભારતને પણ તેની અસર પહોંચી છે પરંતુ આજ સમયગાળા દરમિયાન ક્રુડનો ભાવ ખુબ જ નીચે જતા ભારતે તેનો ખુબ મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કર્યો છે ત્યારે હાલ આ સંગ્રહથી ભારતને આશરે ૫ હજાર કરોડ રૂપિયાનું હુંડિયામણ પણ બચાવ્યું છે બીજી તરફ આપાતકાલીન સમયમાં ક્રુડનો જથ્થો ઉપયોગમાં લેવાય તે માટે કર્ણાટક, મેંગલોર અને આંધ્રપ્રદેશમાં સરકારે ૫.૩૩ મિલીયન ટન ક્રુડના જથ્થાનો સંગ્રહ કર્યો છે જેમાં મેંગલોરમાં ૧.૫ મિલીયન ટન, કર્ણાટકનાં પાદુરમાં ૨.૫ મિલીયન ટન અને વિશાખાપટ્ટનમમાં ૧.૩૩ મિલીયન ટનનો જથ્થાનો સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા બે દાયકામાં વૈશ્ર્વિક સ્તર પર ક્રુડનાં ભાવમાં ઘટાડો થતા ભારતે આ તકને ઝડપી લીધી હતી અને દિર્ઘદ્રષ્ટિ રાખી ખુબ જ મોટા પ્રમાણમાં હુંડિયામણને પણ બચાવ્યું હતું. મેંગલોર અને પાદુરની સંગ્રહશકિતમાં કયાંકને કયાંક ઘટાડો નોંધાયો હતો જે હવે પૂર્ણત: સંગ્રહહિત થઈ ચુકયું છે. આ તમામ જગ્યાએ સંગ્રહ થયેલું ક્રુડ સાઉદી અરેબીયા, યુએઈ અને ઈરાકથી લેવાયું છે.
સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ ક્રુડ ઓઈલ ભારતને ઉર્જા ક્ષેત્રે અનેકગણી મજબુતાઈ પણ આપશે. વર્ષ ૨૦૧૯-૨૦માં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને યુ.એસ. સાથે લાંબા સમય સુધી ક્રુડ ઓઈલનાં સોર્સીંગ માટેનાં કરારો કર્યા હતા. સાથો સાથ સૌપ્રથમ વખત બે મિલીયન ટન યુરલ ગ્રેડનાં ક્રુડ ઓઈલની આયાત રોઝનેફટ કંપની કે જે રશિયાની છે તેની પાસેથી ૨ મિલીયન ટનનો જથ્થો લેવા માટેનો પણ કરાર કરવામાં આવ્યો હતો કે જે ૮ એપ્રિલનાં રોજ આઈઓસી ખાતે પહોંચી પણ ગયો છે.
મેંગલોર, આંધ્રપ્રદેશમાં સંગ્રહિત થયેલા ક્રુડ ઓઈલથી સપ્લાયને સહેજ પણ માઠી અસરનો સામનો નહીં કરવો પડે અને ભાવમાં પણ કોઈ જ પ્રકારની અસર જોવા નહીં મળે. આ તમામ જગ્યાઓ જે ક્રુડ ઓઈલનો સંગ્રહ કરવામાં આવ્યો છે તે સરકારથી હસ્તગત છે.
ભારત ૮૩ ટકા ક્રુડ ઓઈલની આયાત વિશ્ર્વમાંથી કરી રહ્યું છે ત્યારે રિફાઈનરો દ્વારા ૬૫ દિવસનાં ક્રુડ સ્ટોરેજ કરવામાં આવતું હતું પરંતુ આ હવે ૮૭ દિવસ સુધી સંગ્રહ કરવામાં આવશે ત્યારે બીજીતરફ સરકાર દ્વારા દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે આ પગલું અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને સરકારે જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે તેને પૂર્ણ કરવા માટે ક્રુડ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. બચાવવામાં આવેલા નાણાથી સરકાર અનેકવિધ વિકાસલક્ષી પરીયોજનાને પણ અમલી બનાવવી વિકાસને વેગવંતુ બનાવવા ઉપયોગી સાબિત થશે.