સરકાર આગામી ૬ માસથી એક વર્ષ સુધી નવા નાદારીનાં કેસોની કાર્યવાહી નહીં કરે
દેશની અર્થવ્યવસ્થાને જે અસર પહોંચી છે તેને દુર કરવા સરકાર અત્યંત પ્રયત્નશીલ છે ત્યારે બજારમાં તરલતા લાવવા અને ઉધોગોને બેઠા કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સરકારે નાદારી કાયદામાં પણ ફેરબદલ કરવાનો વિચાર પણ કર્યો છે જેમાં મહામારીનાં સમયમાં અને લોકડાઉનમાં ધંધા-રોજગારો બંધ રહેતા જે કંપનીઓ આર્થિક જવાબદારી નિભાવવામાં નિષ્ફળ પુરવાર થઈ છે તે કંપનીઓને નાદાર જાહેર નહીં કરાય અને સરકાર તે તમામને વધુ સમય પણ આપશે. કેબિનેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારા ૬ માસથી લઈ એક વર્ષ સુધી નાદારીનાં નવા કેસો માટે કંપનીઓને નાદાર જાહેર નહીં કરાય અને તેનાં પર કોઈપણ પ્રકારની કાર્યવાહી પણ નહીં કરવામાં આવે.
નાદારી કાયદામાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ૨૫ માર્ચ પહેલા નાદાર થયેલી કંપનીઓને આ યોજનાનો લાભ નહીં મળે આ માત્ર એજ કંપનીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે કે જે કંપનીઓ તેની આર્થિક જવાબદારી નિભાવવા ૨૫ માર્ચ બાદ નિષ્ફળ નિવડી હોય. સુત્રોનાં જણાવ્યા મુજબ બેન્ક ઈનસોલ્વન્સી અને બેંક કરપ્સી કોડમાં ફેરબદલ પણ કરવામાં આવશે અને આગામી ૧ વર્ષ સુધી કંપનીઓને નાદાર જાહેર નહીં કરાય તેવું પણ જણાવવામાં આવ્યું હતું. મહામારીનાં સમયમાં ઘણી કંપનીઓ તેમનાં આર્થિક વ્યવહારો કરવામાં નિષ્ફળ નિવડી છે જેનું એકમાત્ર કારણ એ પણ છે કે, ધંધા-રોજગારોની સ્થિતિ અત્યંત દયનીય અને કફોડી બની હતી. કારણકે વૈશ્ર્વિક સ્તર પર લોકડાઉન થતા કંપની તેનો ધંધો-રોજગાર ચલાવવા માટે નિષ્ફળ નિવડી હતી જેથી જે ચુકવણું થવું જોઈએ તે થઈ શકયું ન હતું. સરકાર ઉધોગોને બેઠા કરવાની સાથોસાથ ઉધોગોની ખેવના પણ કરી રહ્યું છે જેને લઈ કંપની નાદારી કાયદા હેઠળ આવી જતી હોય છે પરંતુ સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે, આવનારા સમયમાં આ પ્રકારની કંપનીઓને નાદાર જાહેર નહીં કરાય અને તેઓનો નાદારી કાયદામાં સમાવેશ પણ કરવામાં નહીં આવે.