ટેકાના ભાવો ખેડુતોની મશ્કરી સમાન
રાજકોટ યાર્ડમાં કિસાન સંઘે વ્યકત કર્યો ઉગ્ર વિરોધ
સરકારે જાહેર કરેલા ખેત ઉપજના ટેકાના ભાવ સામે ભારતીય કિસાન સંઘે ઉગ્ર વિરોધ કરી જણાવ્યું છે કે ટેકાના ભાવથી ખેડુતોને કોઈ ફાયદો નથી. ટેકાના ભાવો અપૂરતા છે. રાજકોટ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે સંઘ દ્વારા આજે સવારે સરકારના આ ટેકાના ભાવો અંગે અમે વિરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતુ કે સરકાર ખોટી અને મોટી જાહેરાત કરી ખેડુતોને ગુમરાહ કરી રહી છે.સરકારના આ ટેકાના ભાવથી ખેડુતોને કોઈ ફાયદો થતો નથી.
એક તરફ સરકાર આવા નીચા ટેકાના ભાવ જાહેર કરે છે. હકિકતમા આ ભાવ કરતા વધારે ખેડુતોને પડતર કિમંત થાય છ. વળી સરકાર દ્વારા પૂરતી ખરીદી પણ થતી ન હોય ખેડૂતોને કોઈ ટેકો મળતો નથી. નોંધણી કરાવ્યા પછી પણ ખેડુતોનો મહામૂલો માલ ખરીદાતો નથી અને ખેડુતો સાથે ઉઘાડી લૂંટ થાય છે.
સંઘે વધુમાં જણાવ્યું હતુ કે અગાઉ ખેડુતો પાસેથી ખેડુત દીઠ ૧૨૫ મણ ચણાની ખરીદી કરાતી હવે માત્ર ૨૭ મણની ખરીદી કરાય છે. આટલા ચણા યાર્ડો લાવવા પણ મોંઘા પડે છે. અને ચણાના ભાવ કરતા ચણા યાર્ડ લાવવાનો ખર્ચ વધી જાય છે. ખેડુતદીઠ ૨૭ મણ ચણા ખરીદવાનું નકકી કરાયા પછી પણ માંડ ૨૫ મણ ચણા ખરીદાય છે. વળી ખેડુતો ચણા લઈ આવે ત્યારે નમુના પેટે એક એકથી સવા કિલો ચણા લેવાય છે. જે એકદમ ગેરવ્યાજબી છે. તેમ કિશાન સંઘે જણાવ્યું હતુ.