મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં ૧૧૦ કિ.મી.ની ઝડપે પવન: ભારે વરસાદની આગાહી લોકોને ઘરની બહાર ન નિકળવા મહારાષ્ટ્ર સરકારની અપીલ: કલમ ૧૪૪ લાગુ
ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ફંટાયેલા વાવાઝોડાના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાયગઢ અને પાલગઢ ઉપરાંત વિરાર સહિતના વિસ્તારોમાં તંત્ર ખડેપગે રહ્યું છે. નિસર્ગ વાવાઝોડાના કારણે એનડીઆરએફની ૨૦ ટીમ તૈનાત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલા ચક્રવાતના કારણે મુંબઈમાં ભારે તારાજી સર્જાય નહીં તે માટે કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત નિસર્ગના કારણે મુંબઈથી આવતી ૧૯ ફલાઈટ પણ રદ્દ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં એનડીઆરએફની ૨૦ ટીમો. જેમાંથી મુંબઈમાં ૮, રાયગઢમાં ૫, પાલઘરમાં ૨, થાણેમાં ૨, રત્નાગિરીમાં ૨ અને સિંધુદુર્ગમાં ૧ ટીમ રાહત અને બચાવનું કામ કરશે. નૌસેનાએ મુંબઈમાં ૫ ફ્લડ રેસ્ક્યૂ ટીમ અને ૩ મરજીવાઓની ટીમ તહેનાત કરી દીધી છે. પાલઘર જિલ્લાને પુરી રીતે બંધ કરી દીધો છે. તો બીજી તરફ એનડીઆરએફની ૧૬ ટીમોને મોકલવામાં આવી છે. અહીંયાના કાંઠાના જિલ્લામાં ૮૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. બન્ને રાજ્યોના ૧૧ જિલ્લામાં એલર્ટ છે. મુંબઇમાં કાંઠાળા વિસ્તારમાં હજારો લોકોને સુરક્ષીત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. સમુદ્રની લહેર બે મીટર સુધી ઉંચી ઉઠી હતી. મુંબઇ અને આસપાસના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. તોફાનોને ધ્યાનમાં રાખીને નૌસેનાની ટુકડીઓને પણ સાબદી કરાઇ છે.