કાલે વર્લ્ડ બાઈસિકલ ડે
સાયકલ વીરોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન થાય તેવી લોકલાગણી
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા જૂન ૦૩ને ‘વર્લ્ડ બાઈસિકલ ડે’ તરીકે જાહેર કરાયો છે. આ અવસરે — આજથી ૩૦ વર્ષ પૂર્વે — ૧૯૮૮-૮૯માં અરૂણાચલથી ઓખા સુધી ૯૦૦૦ કિ.મી. ‘ભારત જોડો સાયકલ-યાત્રાનું યાદગાર સંભારણું અત્રે પ્રસ્તુત છે. પાંચ મહિનામાં ૧૫ રાજ્યોમાંથી પસાર થયેલી આ સાયકલ-યાત્રામાં દેશનાં ૮૭ યુવા ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતમાંથી આઠ યુવક-યુવતીઓ પણ રાષ્ટ્ર-ભાવનાથી પ્રેરાઈને જોડાયાં હતા. જેમાં રાજેશ ભાતેલીયા (રાજકોટ), વિજય ભારતીય (અમદાવાદ), વંદના ગોરસીયા (જૂનાગઢ, હાલ જામ ખંભાળીયા), નયના પાઠક (જામ ખંભાળીયા, હાલ રાજકોટ), પરીષા પંડ્યા (જામનગર), દેવેન્દ્ર ખાચર (સણોસરા-ચોટીલા), મુસ્તુફા કોટવાલ (રાજકોટ), સ્વ. મહેરાઝ મીરઝા (જેતલસર જંકશન)ને સમાવેશ થાય છે.
ભારત જોડો યાત્રા દરમિયાન સાયકલ-યાત્રીઓ વહેલી સવારે ૪ વાગે જાગે. નિત્ય-ક્ર્મ પતાવીને પોતપોતાની સાયકલ લઈને સવારે ૬ વાગે તો નીકળી પડે. સૂર્યાસ્ત સુધી આશરે ૮૦-૧૦૦ કિ.મી.નો પંથ કાપે. પહાડી અને દુર્ગમ વિસ્તારમાં તો માંડ ૨૫-૩૦ કિ.મી. જ કાપી શકાય. પહાડ, જંગલ, નદી તેમનાં સંગી. હિંદી, અંગ્રેજી તથા સ્થાનિક ભાષામાં લખેલાં પ્રેરક સંદેશનાં પ્લે-કાર્ડ સાયકલ પર આગળ રાખે. રસ્તાની બન્ને બાજુ સ્વાગતમાં ઊભેલાં ગ્રામજનોનું અભિવાદન ઝીલતાં જાય. સ્થાનિક લોકો સાથે હળે-મળે, તેમની સાથે ગોષ્ઠી કરે તથા તેમની સંસ્કૃતિ, રીત-રીવાજો, કલા, સાહિત્ય, અને જીવન-શૈલી વિશે જાણે. ગ્રામજનો ભાવથી ભોજન કરાવે. તરસ લાગે ત્યારે વચ્ચે આવતાં નદી-ઝરણાંનું પાણી પણ પી લે. રાત્રે ગામમાં પડાવ થાય ત્યારે પણ મેળાવડો જામે. આમ ભરતભરનાં ભિન્ન-ભિન્ન પ્રદેશોનું વિરાટ દર્શનનો લ્હાવો આ સાયકલ-યાત્રીઓને મળ્યો. અનેકતામાં એકતાનું સૂત્ર જાણે સાર્થક થયું હતું.
નવી પેઢીને દેશપ્રેમ, એકતા અને અંખડતા, ભાઈચારો, સમાનતા, સ્વચ્છતા, વ્યસનમુક્તિની પ્રેરણા મળે તે આશયથી, ૨૦૧૮માં, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે પિનાકી મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા ‘ભારત ગૌરવ સાયકલ-યાત્રાનું આયોજન કરાયું હતું. પરિભ્રમણ માટે ઝવેરચંદ મેઘાણી સાયકલનો ઉપયોગ પણ કરતા જે ખાસ ઉલ્લેખનીય છે.
ભારત જોડો સાયકલ-યાત્રાનાં સાયકલ-વીરો રાજેશ ભાતેલીયા, વિજય ભારતીય, વંદના ગોરસીયા, નયના પાઠક, પરીષા પંડ્યા, દેવેન્દ્ર ખાચર, મુસ્તુફા કોટવાલ, સ્વ. મહેરાઝ મીરઝાનું ગુજરાત સરકાર દ્વારા સન્માન થાય તેવી લોક લાગણી છે.