ઓણસાલ મેઘરાજા ગુજરાત સહિત ભારતભરમાં ‘સોળ આની’ વર્ષ માટે સજ્જ
સીઝન દરમિયાન દેશમાં સરેરાશ ૧૦૨ ટકા વરસાદની આગાહી: જુલાઈમાં ખરીફ પાક માટે સૌથી સારા વરસાદની અપેક્ષા
દેશના આર્થિક વિકાસમાં ઉદ્યોગોનો જેટલો ફાળો છે તેનાથી ઘણો વધુ ફાળો કૃષિ ક્ષેત્રનો રહ્યો છે. દેશના અર્થતંત્રમાં ૬૫ ટકા જેટલો હિસ્સો કૃષિ અથવા તો કૃષિ આધારિત ક્ષેત્રોનો જોવા મળે છે. મહામારીના કપરા સમયે ફરીથી દેશને કૃષિ ક્ષેત્ર જ સંતુલીત કરી શકશે તેવી અપેક્ષાઓ છે. કોરોનાની મહામારી વચ્ચે પણ મેઘરાજાની મહેરના કારણે દેશની ઉન્નતિ થશે. ચાલુ વર્ષે મેઘરાજા ગુજરાત સહિત દેશભરમાં સોળ આની વર્ષ આપશે તેવું વર્તમાન હવામાનના પરિબળો પરથી ફલીત થાય છે. નાણાની તરલતા માટે ખેડૂતોનું સદ્ધર બનવું જરૂરી છે. આ વાત સરકાર પણ સારી રીતે જાણે છે. જો ખેડૂત પાસે રૂપિયા હશે તો બજારમાં રૂપિયા આવશે. નાણાની સાયકલ અટકે નહીં તે માટે ખેડૂતોની આવક વધારવી જરૂરી છે. જેથી સરકારે અનેક નીતિ વિષયક પગલા લીધા છે. સાથો સાથ કુદરતી મહેર પણ ચાલુ વર્ષે સારી રહેશે તેવી શકયતા છે.
ચાલુ વર્ષે કેરળમાં મેઘરાજાની વહેલી એન્ટ્રી થઈ છે. હવે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ જેવા ખેતી આધારિત રાજ્યોમાં સામાન્ય વરસાદ રહેશે તેવું હવામાન ખાતાનું કહેવું છે. જૂન અને સપ્ટેમ્બર દરમિયાન મેઘમહેર સારી રહેશે. પં.બંગાળ, બિહાર, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં અન્ય રાજ્યો કરતા સરેરાશ ઓછો વરસાદ રહેશે પરંતુ ઋતુ દરમિયાન વરસાદની ઘટ જોવા મળશે નહીં. જૂનથી સપ્ટેમ્બરની ચોમાસુ સીઝન દરમિયાન થનારા વરસાદનો સીધો ફાયદો અનાજ ઉત્પાદનને મળશે. ચાલુ વર્ષે દેશનો સરેરાશ વરસાદ ૧૦૨ ટકા થશે. ચાલુ વર્ષે દેશના કોઈપણ ભાગમાં દુકાળની પરિસ્થિતિ ઉદ્ભવશે નહીં તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે. અલબત દેશના અમુક ભાગોમાં સરેરાશ કરતા ૫ ટકા ઓછો વરસાદ રહે તેવી પણ દહેશત વ્યકત કરવામાં આવી છે.
બિહાર, ઝારખંડ અને પં.બંગાળમાં સામાન્ય વરસાદ રહેશે. સાઉથ ઈન્ડિયામાં સામાન્ય કરતા વધુ સારો વરસાદ રહે તેવી પણ શકયતા છે. જુલાઈ મહિનામાં સૌથી વધુ પ્રેમ મેઘરાજા વરસાવશે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મેઘરાજાની મહેર સારી રહેશે તો દેશમાં રેકોર્ડ બ્રેક ૨૯૮ મીલીયન ટન અનાજનું ઉત્પાદન થશે તેવો આશાવાદ ગત એપ્રિલ મહિનામાં જ કૃષિ મંત્રાલયે વ્યકત કર્યો હતો. ચાલુ વર્ષે મહામારીની સ્થિતિમાં મેઘરાજા દેશનો ઉદ્ધાર કરશે.
દશકાઓથી ભારતને કૃષિ પ્રધાન દેશ ગણવામાં આવે છે. ભારતના મોટાભાગના સેકટર કૃષિ આધારીત છે. અર્થતંત્રમાં ૬૫ ટકા હિસ્સો કૃષિનો છે. આવા સંજોગોમાં એક તરફ મહામારીના પગલે આર્થિક કટોકટી જેવી સ્થિતિ આખા વિશ્ર્વમાં છે. ઈમ્પોર્ટ-એક્ષપોર્ટને ઘેરી અસર પહોંચી છે. ઉદ્યોગોને કમરતોડ ફટકો પડતા ક્યારે બેઠા થશે તેના પર શંકા છે. આવી સ્થિતીમાં દેશને ઉગારવા કૃષિ સેકટર મહત્વનું પાસુ બની રહેશે. એક રીતે કહીએ તો ખેતી દેશની તારણહાર બની જશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા તુટશે નહીં. આલ કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અનેક પ્રયત્નો કર્યા છે પરંતુ આગામી સમયમાં વધુને વધુ પ્રોત્સાહનો ખેડૂતોને મળે તેની જરૂર છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણીના સંકેતો મળી રહ્યાં છે. આજે ભીમ અગીયારસ નિમિત્તે ખેડૂતોએ વાવણીના મુહૂર્ત મુજબ તૈયારીઓ કરી દીધી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં મેઘરાજાની અમી દ્રષ્ટિ થતાં વરસાદ વરસ્યો છે. હજુ નજીકના ભવિષ્યમાં વધુ વરસાદ વરસે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે. હાલ ખેડૂતોને વધુને વધુ પ્રોત્સાહિત કરવા સરકારની ઈચ્છા છે.
બીજી તરફ કુદરતનો પણ સહકાર મળી રહ્યો હોય તેમ વરસાદ સામાન્ય સંજોગો કરતા વધુ વહેલો અને સારો રહે તેવા એંધાણ થઈ રહ્યાં છે. કોરોના મહામારીના પગલે દેશને પડેલા આર્થિક ફટકાથી બચાવવા માટે હવે કૃષિ સેકટરને પ્રાધાન્ય આપવા સીવાય વધુ મજબૂત વિકલ્પ જણાતો નથી. લાંબા સમયથી કૃષિને અપાતા પ્રોત્સાહનને વધુ તિવ્ર બનાવવું પડશે. આ ઉપરાંત ઈન્ફાસ્ટ્રકચર વિકસાવવા સહિતના દુરંદેશીના પગલા પણ સરકારને લેવા ખુબજ આવશ્યક બની ગયા છે.
ખેડૂતો આનંદો!!!
યુરીયાના ભાવમાં ધરખમ ઘટાડો થશે
ખેતી માટે વર્તમાન સમયે આવશ્યક એવા યુરીયાના ભાવમાં ધરખમ ઘટાડો થાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. હાલ ગેસ સસ્તો હોવાથી યુરીયાના સબસીડી બેલમાં રૂા.૧૨૦૦૦ કરોડ બચશે તેવી આશા છે. યુરીયાના ઉત્પાદકોને ગેસના ભાવ ઓછા ચૂકવવા પડતા હોવાથી ઉત્પાદન પાછળનો ખર્ચ પણ ઘટશે. જેના અનુસંધાને સરકાર લોકોને સસ્તા ભાવે યુરીયા મળી રહે તે માટેનો તખતો ગોઠવશે. વર્તમાન સમયે કોરોનાની મહામારી બાદ આખા દેશનું આર્થિક ભારણ ખેતી ક્ષેત્ર ઉપાડશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે. ત્યારે ભરપુર પાણીની સાથો સાથ યુરીયા પણ રાહત ભાવે મળે તો ખેડૂતોની આવક પણ બે ગણી કરવામાં ઘણા અંશે સફળતા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
ખેતીની સાથે પશુધનને વેગ આપવા દોઢ કરોડ દૂધ ઉત્પાદકોને ક્રેડિટ કાર્ડ અપાશે
કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બેગણી કરવા માટે લઘુતમ ટેકાના ભાવ વધારવા સહિતના પગલા તો લીધા જ છે. આ સાથો સાથ દૂધ ઉત્પાદકોના વિકાસ માટે પણ સરકારે કવાયત હાથ ધરી છે. જેના અનુસંધાને સરકાર ૩૧ જુલાઈ સુધીમાં દૂધ ઉત્પાદકોને ૧.૫ કરોડ કિશાન ક્રેડિટ કાર્ડ આપશે. રાજ્ય સરકારોને દૂધ ઉત્પાદકો માટે કાર્ડ ફાળવવાની યોજનાની અમલવારી કરવા ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસ્બન્ડરી દ્વારા સુચન કરવામાં આવ્યું છે. સહયોગી દૂધ ઉત્પાદક મંડળ અંતર્ગત દેશમાં ૨૩૦ દૂધ યુનિયન સાથે ૧.૭ કરોડ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. જે દૂધ ઉત્પાદકો પાસે અગાઉથી જ કિસાન ક્રેડીટ કાર્ડ છે તેની લીમીટ પણ વધારી દેવામાં આવશે. દૂધ ઉત્પાદકોને આપવામાં આવનાર કિસાન ક્રેડિટકાર્ડ વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર પેકેજના અનુસંધાને રહેશે. એકંદરે લાભાર્થીઓને રૂા.૫ લાખ કરોડ આપવામાં આવશે.
ખેત ધીરાણની મુદત લંબાવી ૩૧ ઓગષ્ટ કરાઈ: સમયસર ચૂકવણું કરનારને ફાયદા હી ફાયદા
કેન્દ્ર સરકાર દ્વારા જગતનાં તાતને રીઝવવા માટે ખેડુતો દ્વારા લેવામાં આવેલી લોનની ચુકવણીની સમય મર્યાદા ૩૧ મે સુધી કરવામાં આવી હતી પરંતુ તેને હવે વધારી ૩૧ ઓગસ્ટ કરવામાં આવી છે. સરકાર પાસેથી ખેડુતો દ્વારા જે લોન લેવામાં આવતી હોય છે તે ૯ ટકાનાં વ્યાજદર ઉપર અપાય છે પરંતુ સરકાર તેમાં ૨ ટકા સબસીડી આપતા તે લોન ખેડુતને પ્રતિ વર્ષ ૭ ટકાનાં દરે મળે છે. સરકાર દ્વારા જે લોન ચુકવણી માટેની જે સમયમર્યાદામાં વધારો કર્યો છે તેમાં હવે જે ખેડુત ૩૧ ઓગસ્ટ સુધી તેની લોનની ચુકવણી કરશે તો તેને માત્ર વાર્ષિક ૪ ટકા જ વ્યાજ લેવામાં આવશે ત્યારે હવે ખેતધિરાણની મુદતમાં વધારો પણ થયો છે અને સાથો સાથ સમયસર ચુકવણું કરનાર ખેડુતોને ફાયદો પણ પુરતા પ્રમાણમાં મળશે. કોરોનાને લઈ ખેડુત દ્વારા પાક ધિરાણ માટે લેવામાં આવેલી લોનની ચુકવણી સમયસર ન કરતા અનેકવિધ પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા હતા. આ તકે સરકારે પ્રથમ વખત લોન ચુકવણીની તારીખ ૩૧ મે નિર્ધારીત કરી હતી પરંતુ સ્થિતિ થાળે ન પડતા ૩૧ ઓગસ્ટ સુધી મુદત લંબાવાઈ છે જેથી ખેડુતોને પૂર્ણત: ફાયદો મળી રહે.
મુંબઇમાં કાલથી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને લઇ ‘રેડએલર્ટ’ પર!
‘નિસર્ગ’ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના મુંબઈ સહિતના જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ હતી. મુંબઈમાં ૩, પાલઘરમાં ૨ અને થાણેમાં ૧ એમ ૬ એનડીઆરએફની ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાયગઢમાં ૧, રત્નાગીરીમાં ૧ અને સિંધુ દુર્ઘમાં ૧ એનડીઆરએફની ટુકડી તૈનાત છે. નિસર્ગ ચક્રવાતમાં પવનની ગતિ ૯૦-૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની રહે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ચક્રવાતના જોખમના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાય છે. આગામી ૩૬ કલાક સુધી મહારાષ્ટ્રના મુંબઈ સહિતના કેટલાક જિલ્લાઓ પર ચક્રવાતની અસર રહેશે તેવું જાણવા મળે છે.
આર્થિક આપત્તિમાં ખેતી સિવાય ઉદ્ધાર નથી
જહા ડાલ ડાલ પે…
ખરીફ પાકોના ભાવમાં ૫૦ ટકાથી લઈ ૮૫ ટકાનો વધારો ખેડૂતોની આવક બમણી કરી દેશે
કોરોના પહેલા પણ દેશની આર્થિક સ્થિતિ નબળી જોવા મળતી હતી અને કોરોના બાદ પણ દેશની અર્થવ્યવસ્થાને ઘણી ખરી અસરનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આર્થિક આપતિમાં દેશને ઉગાડી શકે તેમ હોય તો તે ખેતી છે. ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં પણ ખેતીને જે પ્રાધાન્ય મળવું જોઈએ તે મળી શકતું નથી જેને લઈ ઘણી તકલીફનો સામનો ખેતીએ કરવો પડયો છે ત્યારે જગતનાં તાતને રીઝવવા અને ખેડુતની આવક બમણી કરવા માટે સરકારે ખરીફ ટેકાનાં ભાવમાં ૫૦ ટકાથી વધુ ૮૩ ટકા સુધીનો વધારો કર્યો છે. સરકાર દ્વારા ૧૪ ચોમાસું પાકનાં ટેકાનાં ભાવમાં અનેકગણો વધારો કર્યો છે જેમાં ચોખામાં પ્રતિ કિવન્ટલ ૧૮૧૫ જગ્યાએ ૧૮૬૮ રૂપિયાનો ભાવ નકકી કરવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ખેડુતોને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે. બાજરો, જુવાર, અડદ સહિત તમામ ઉપજોમાં સરકારે ટેકાનાં ભાવમાં અનેકગણો વધારો કર્યો છે જે ખેડુતો માટે અત્યંત લાભદાયી નિવડશે. ખેડૂતો માટે સરકાર તરફથી આ મોટી જાહેરાત છે.
મકાઈના સમર્થન મૂલ્યમાં ૫૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તુવેર અને મગમાં ૫૮ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના ૧૪ એવા પાક છે કે જેમા ખેડૂતોને ૫૦ ટકાથી ૮૩ ટકા સુધી વધારે સમર્થન મૂલ્ય આપવામાં આવશે. વર્તમાન સમયમાં સરકાર ૩૬૦ લાખ મેટ્રીક ટન ઘઉંની પ્રાપ્તિ કરે છે. આ સાથે ૯૫ લાખ મેટ્રીક ટન ઘઉં અને ૧૬.૦૭ લાખ મેટ્રીક ટન દાળની પ્રાપ્તિ કરવામાં આવી છે. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ચોખાનું લઘુત્તમ સમર્થન મૂલ્ય ૧૮૬૮ છે.
‘નિસર્ગ’ વાવાઝોડા સામે સૌરાષ્ટ્ર એલર્ટ
‘નિસર્ગ’ આજે સાંજે સિવિયર સાયકલોનમાં ફેરવાશે: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં બુધ, ગુરૂ ભારે વરસાદની આગાહી: કંટ્રોલ રૂમ શરૂ કરાયા
અરબી સમુદ્રમાં ઉદ્રભવેલું ‘નિસર્ગ’ વાવાઝોડુ આવતીકાલે સાંજે અથવા રાત્રે ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી સંભાવના રહેલી છે. ત્યારે વાવાઝોડા ના સંભવીત ખતરાને ઘ્યાનમાં રાખી સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓ એલર્ટ થઇ ગયા છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપી દેવામાં આવી છે. વાવાઝોડામાં નીચાણવાળા કે દરિયા કાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્યળાંતર કરવાની જરૂરીયાત ઉભી થાય તો તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે બુધવારે સાંજ અથવા મધરાતે ટકરાશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું નિસર્ગ નામનું વાવાઝોડુ આજ સાંજ સુધીમાં સાયકલોનમાં પરિવર્તીત થશે જેની અસર તળે આગામી બુધવાર તથા ગુરૂવારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન અને વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાજકોટમાં પણ મઘ્યમ વરસાદ પડી શકે છે. ગીરસોમનાથ જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં ભયજનક હોડીંગ દુર કરી કેટલા હોડીંગ દૂર કરવામાં આવ્યા હોય તેના ફોટોગ્રાફ, લો-લાઇન વિસ્તારના ગામોમાં
આવેલ આશ્રયસ્થાનો સાફ-સફાઇ કરી સેનીટાઇઝ કરવા, તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરી તમામ આનુષાંગિક વ્યવસ્થા ગોઠવવી, મામલતદાર કચેરીની વ્યારા જરુરીયાત પ્રમાણેના માસ્ક તૈયાર રાખવા, માર્કેટ યાર્ડ, ગોડાઉનમાં અનાજનો જથ્થો વરસાદના કારણે પલળી ન જાય તે માટે તકેદારીના ભાગરુપે સંબંધીતોને જાણ કરવી, સંભવિત વાવાઝોડાના કારણે રોડ રસ્તા બંધ ન થાય તે સારૂ સંબંધીત વિભાગે ટીમ બનાવી વિસ્તાર વાઇઝ જવાબદારી સોંપવી અને કચેરીના કંટ્રોલ રૂમ ચાલુ રાખવો, કચેરીના તમામ કર્મચારીઓ હેડકવાર્ટર પર હાજર રહે તે મુજબ અમલવારી કરવી, વાવાઝોડાના કારણે વીજળીના થાંભલાઓની જાન માલને હાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવાયું છે.
રાજુલા-જાફરાબાદના દરિયા કાંટાના વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી વચ્ચે તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજુલા મામલતદાર ગઢીયાએ જણાવ્યું હતું કે, હાલમા વાવાઝોડુ આ વિસ્તારમાં આવવાની શકતાઓ ઓછી છે. પરંતુ વરસાદ પડી શકે છે તેવા હવામાન વિભાગ તરફથી સમાચાર આપેલ છે. આ અંગે ગ્રામ્ય કક્ષાએ ફલ્ટર ટીમો બનાવવામાં આવેલ છે. જેમાં સ્કુલના આચાર્ય, તલાટી મંત્રી અને સરપંચ તથા નાયબ મામલતદાર ને જવાબદારી સોંપવામાં આવેલ છે જેમાં કોઇપણ આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવાના થાય તો સ્થાનીક કક્ષાએ સ્કુલોમાં સોશ્યલ ડીસ્ટસીંગ ઘ્યાને લઇને વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ અંગે પીપાવાવ પોર્ટમાં પણ તકેદારીના પગલાઓ ભરવામાં આવેલ હોવાનું પોર્ટ અધિકારી જનરલ મેનેજર સંજયસીંગ દ્વારા જણાવવામાં આવેલ છે કે, હાલમાં પોર્ટ પર બે નંબરનું સીગ્નલ લગાવવામાં આવેલ છે જો કે આ સીગ્નલ નો દર વર્ષે ચોમાસાની સીઝનમાં લગાવવામાં આવે છે. આ બે નંબરના સીગ્નલમાં દરિયામાં મોજા ઉંચા ઉછળશે અને સામાન્ય કરતા હવા વધારે તેજ હોય છે. ઇમરજન્સીમાં ફેન એન્કર ઉપર લઇ જઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ક્ધટેન્રો તેમજ લોકોને બહાર સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જો કે આ વાવાઝોડા અંગે પાકી માહીતી આવતીકાલ સુધીમાં મળી જશે તેમ સંજયસીંગે જણાવેલ છે.
આ અંગે ફીશરીંગ વિભાગના જાફરાબાદના ટોપરાણીએ જણાવેલ છે કે, જાફરાબાદમાં માછીમારોની બોટો પરત આવી ગયેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘નિસર્ગ’વાવાઝોડા તથા કોરોના વાયરસના સંક્રમણને ઘ્યાને રાખી નિચાણવાળા વિસ્તારમાં રહેતા તથા દરિયા કાંઠે રહેતા લોકોને સ્થળાતર કરવા માટે આશ્રમસ્થ્ાનો નકકી કરવા સુચના આપી. સંભવિત સ્થળાંતર કરવામાં આવનાર લોકો માટે ખોરાક, પીવાનું પાણી તથા અન્ય આવશ્યક સેવાઓ મળી રહે તે માટે સ્વયં સેવી સંસ્થાઓ સાથે સંકલનમાં રહી જરૂરી આયોજન કરવા સંબંધીત વિભાગના અધિકારીઓને સુચના આપી, વાવાઝોડા દરમ્યાન વિજ પુરવઠો અવિરતપણે જળવાઇ રહે, વાહન વ્યવહાર ખોરવાય નહીં, માચ્છીમારો દરિયામાં પ્રવેશે નહી વગેરે બાબતની કાળજી લેવા જણાવ્યું, જિલ્લામાં આપત્તિના સમયે કોઇપણ જાનહાની ન થાય તેની તકેદારી રાખવા તમામ વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
આગામી વર્ષાઋતુ ૨૦૨૦ અન્વયે તમામ તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ ૨૪+૭ ક્ધટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. પોરબંદર જીલ્લા વહીવટીતંત્ર ધ્વારા સંભવિત વાવાઝોડાને લઈને તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહયા છે. સંભવિત વાવાઝોડા ને લઈ પોરબંદર નુ વહીવટી તંત્ર સજજ બન્યુ છે પોરબંદર જીલ્લામા આગામી ૪૮ થી ૭ર કલાક માં વાવાઝોડા અને ભારે વરસાદી ની શકયતા રહેલી છે જેને પગલે જીલ્લા કલેકટરે સંબધિત તમામ વિભાગના અધિકારી સાથે એક મીટીગ નુ આયોજન કયુ હતુ અને કલેકટર ડી એન મોદી એ વિગતો આપતા જણાવ્યુ હતુ કે પોરબંદર જીલ્લા ના ૩૧ ગામો ને સર્તક કરવામા આવ્યા છે તેમજ લો લાઈન ના ૮૦ ગામો ને પણ સાવચેત રહેવા જણાવામા આવ્યુ છે તેમજ ખેડુતો અને માછીમારો ને સાવચેતી દાખવા જણાવામા આવ્યુ છે.તંત્ર દવારા ખાસ કરી ને ખડુતો ને ઉનાળુ પાક માં મગ અને તલ સહીત ના જે પાથરા છે તે સલમત સ્થળે લઈ જવા પણ સુચના આપવામા આવી છે. તેમજ માછીમારો ને દરીયો નહી ખેડવા સુચના આપવામા આવી છે
સૌરાષ્ટ્રને ધમરોળવા મેઘરાજા સજ્જ: ભાવનગર, ધારી અને લીલીયામાં ૧ ઈંચ વરસાદ
મેઘરાજાની વહેલી પધરામણીની આશાઓ વચ્ચે ખેડૂતોમાં વાવણી કરવાનો થનગનાટ
રાજયનાં ૨૯ જિલ્લાઓમાં વરસાદ પડયો મુખ્યમંત્રીએ NDRFની ૧૦ ટુકડી કરી તૈનાત
કેરલમાં નૈઋત્યનાં ચોમાસાનું આગમન થઈ ચુકયું છે. વાવાઝોડું નિસર્ગ અને પ્રિ-મોનસુન એકટીવીટીનાં ભાગરૂપે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૨૯ જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળવા સજ્જ બની ગયા છે. વર્ષારાણીની વહેલી પધરામણીની આશાઓ વચ્ચે ખેડૂતોને વાવણી કરવાની તક સાપડી ચૂકી છે. સામાન્ય રીતે આ પ્રિ મોન્સુન એક્ટિવીટી નહીં પરંતુ વહેલો વરસાદ આવવાના સંકેતો હોવાનું પણ નિષ્ણાંતોનું માનવું છે. તાપીનાં વાલોદમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો તો ભાવનગર, ધારી, મહુવા અને લીલીયામાં એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. નિસર્ગ વાવાઝોડું આજે સાંજે સીવીયર સાયકલોનમાં પરીવર્તીત થશે જેની અસરનાં કારણે કાલથી બે દિવસ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપી જિલ્લાનાં વાલોદમાં ૬૦ મીમી, ભાવનગર, અમરેલીનાં ધારી અને લીલીયા, સુરતનાં મહુવા અને તાપીનાં વ્યારા એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત દેહગામ, કડાણા, ડાંગ, ખેડા, માંડવી, કપરાડા, માણસા, બગસરા, ઉમરપાડા, માતર, અહેમદાવાદ, માલપુર, પલાસણા, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, સંતરામપુર, ફતેહપુરા, સોનગઢ, નડીયાદ, બોટાદ, જમાલપુર અને સુબીરમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. બીજી તરફ ચક્રવાતના કારણે જો કોઈ નુકશાન થાય તો એનડીઆરએફની ટુકડીને પણ ખડેપગે રખાઈ છે. ભાવનગરમાં ૨ દિવસ અગાઉ વાવાજોડાની અસર જોવા મળી જેમાં અનેક નીચાણ વાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. તેમજ વૃક્ષો ધરાશયી થયા અને છાપરા પણ ઉડી ગયા ગયા અને ભાવનગર યુનિવર્સીટીની અગાસી ઊપરથી સોલાર પેનલ પડતા નુકસાન થયું હતું. જેમાં કોઈ જાનહાની થઈના હતી. તેમજ વાઘાવાડી રોડ ઉપર બિલ્ડીંગની કાચની ગ્રીલિંગ રોડ ઊપર પડી જેમાં ગાડીઓને નુકસાન થયેલ.તેમાં કોઈને ઇજા થયેલ નથી. ભરત નગર શિવનગર વિસ્તારમા વીજળી પડતા સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી.