૯૯,૯૯,૯૯,૯૯૯ મંત્ર જાપના બદલે ૧૧૨,૦૯,૫૩,૮૧૦ મંત્રજાપ પૂર્ણ થયા: આબાલ વૃદ્ધ સહુ કોઈએ સામુહિક આરાધનામાં જોડાઈને કોરોનાને હરાવવા જાણે કમરકસી
કોરોના મહામારીને નાથવામાં જ્યારે સાયન્સ અને મેડિકલ પણ હારી ગયું છે ત્યારે સમગ્ર વિશ્વ ધર્મ અને પરમાત્માના શરણે ગયું છે.કોરોનાથી માનવજાતિને મુક્ત કરવા વૈશ્વિક ફલક પર નવકાર ગ્રુપ અને જૈન વિઝન દ્વારા ૯૯,૯૯,૯૯,૯૯૯મહામંત્રના જાપનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા અને સમગ્ર ભારતના જૈન ધર્મના ચારેય ફિરકાના આચાર્ય ભગવંત,સાધુ-સાધ્વીજી તેમજ અન્ય સંપ્રદાયના સંતો,મહંતોના આશીર્વાદ અને પ્રેરણાથી યોજાયેલ નવકાર મંત્રની આ સામુહિક ઓન લાઇન આરાધનામાં ભારત સહિત અમેરિકા,કેનેડા, દુબઇ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સુદાન, કેન્યા વગેરે દેશના ૧૫લાખથી વધુ લોકો જોડાયા હતા.માનવતાના આ મહાકાર્યમાં સમગ્ર વિશ્વના લોકોએ ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક જોડાયા હતા.સતત ચાર કલાક ચાલેલા આ મંત્ર જાપમાં આબાલવૃદ્ધ દરેકે જોડાઈને જાણે કોરોનાને હરાવવા કમર કસી હતી. ૯૯,૯૯,૯૯,૯૯૯ મંત્ર જાપના બદલે ૧૧૨,૦૯,૫૩,૮૧૦ મંત્રજાપ કરી વિશ્વવિક્રમ બનાવ્યો હતો.
આરાધનાનો પ્રારંભ રાષ્ટ્ર સંત પદ્મસાગર સુરીશ્વરજી મહારાજના મંગલાચરણથી થયો હતો. દર ૩૦ મિનિટે સાધુ ભગવંતના આશીર્વચન સાથે મંત્ર જાપ આગળ વધતા હતા.જેમાં પદ્મભૂષણ પૂજ્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજા,આચાર્ય રાજ્યશસુરીશ્વરજી મહારાજા, આચાર્ય કુલચંદ્રસુરીશ્વરજી મહારાજા, અચલગાચ્છધિપતિ ગુણોદયસુરીશ્વરજી મહારાજા,પૂજ્ય નમ્રમુની મ.સા, પૂજ્ય હંસરત્નસુરીશ્વરજી મ.સા દરેકે આશીર્વચન સાથે નવકારની મહત્તા સમજાવી હતી. આરાધનામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના વિડિઓ બનાવીને પણ મોકલ્યા હતા જેનું પ્રસારણ જૈન વિઝન અને નવકાર ગ્રુપના પેજ પર થતું હતું.હજારો લોકોએ પોતે કારેલ મંત્ર જાપ માટે સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા. દરેક વ્યક્તિ પોત પોતાના ઘરે રહી મંત્રજાપ કરતા હતા. છતાં જાણે નવકારની મહા પ્રભાવી ઉર્જાથી એકબીજા સાથે જોડાયેલ હતા. કોરોનાનાં નિરાશાજનક વાતાવરણમાં મંત્રની સકારાત્મક અને ચૈતનયમય ઉર્જાનો લોકોએ અનુભવ કર્યો. મંત્રજાપ સાથે દરેકે કોરોનાની વિદાય માટે પરમાત્માને પ્રાર્થના કરી હતી.
માનવજાતિના રક્ષાર્થે યોજાયેલ આ મંત્ર આરાધનામાં આ મહોત્સવમાં જૈન ધર્મના ચારેય ફિરકાના ગચ્છા ધિપતિઓ, આચાર્ય ભગવંતો,અન્ય સંપ્રદાયના સંત મહાત્માઓ અનેક ગચ્છ નાયકો અને ૧,૦૦૦ થી પણ વધારે સાધુ સાધ્વીઓ જોડાયા હતા.આ ઉપરાંત ચારેય ફિરકાના સંઘ પ્રમુખ, જૈન અગ્રણીઓ તેમજ ભાગવત કથાકર રમેશભાઈ ઓઝા, સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ, બિલ્ડર એશોસયનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, કરણીસેના મહિલા પાંખના અધ્યક્ષ શ્રીમતી રિવાબા જાડેજા જે.પી જાડેજા, રાજસિંહ સેખવત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રઘુવંશી નીતિનભાઈ ભારદ્વાજ ધનસુખભાઈ ભંડેરી કમલેશભાઈ મીરાણી સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ વગેરે જોડાયા હતા.
સમગ્ર વિશ્વના જૈન જૈનેતરોએ ૧ અબજથી વધુ જાપ કરી એક અભુતપુર્વ રેકોર્ડ સ્થાપિત કરવા બદલ નવકાર ગ્રુપ તેમજ ટીમ જૈન વીઝન ગૌરવ અનુભવે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ની “રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ, જૈનોના ચારે ફીરકાના સાધુ સંતો, ભારતભરના સંતો મહંતો સહીતના અસંખ્ય લોકોની અપીલ રંગ લાવી એક અનોખો વિશ્વ રેકર્ડ પ્રસ્થાપિત થયો. ઠેર ઠેરથી નવકાર ગ્રુપ અને ટીમ જૈન વીઝન ઉપર અનુમોદના સાથે અભિનંદન વર્ષ થઈ રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝન ગ્રુપના મિલન કોઠારી, ભરત દોશી ટીમના સર્વ સભ્યો નવકાર ગ્રુપના ધર્મેશ શાહ, રાજુ સાવલા, જાગૃતિબેન શાહે જહેમત ઉઠાવી હતી.
અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પણ નવકાર મહામંત્રના જાપ કરાયા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે, વિશ્ર્વભરમાં જે કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ લડતમાં અખિલ હિંદ મહિલા પરિષદ પણ જોડાઈ છે. લોકોને અનેક રીતે મદદરૂપ થઈએ છીએ. ત્યારે આજે ગાયત્રી જયંતી નીમીતે ગાયત્રક્ષ યજ્ઞ અને નવકાર મહામંત્રના જાપ પણ યોજવામાં આવ્યાં હતા. રમણીક કુંવરબા આશ્રમ ખાતે અને અખિલ હિંદ પરિષદના હોસ્ટેલ બિલ્ડીંગ બંને જગ્યાએ કાર્યક્રમ યોજાયો હતો. અમે અનેકવિધ સેવાપ્રવૃતિઓ પણ કરી રહ્યાં છીએ. જેમાં માસ્ક બનાવી વિતરણ ભોજન વિતરણ સહિતના કાર્યો કરીએ છીએ.
વી.ડી.પારેખ અંધ મહિલા ગૃહના બહેનોએ નવકાર મંત્રના કર્યા જાપ
દિનાબેન મોદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી છે ત્યારે જૈન સમાજ દ્વારા ૯૯ કરોડ, ૯૯ લાખ, ૯૯ હજાર, નવસો નવાણું જાપનું આયોજન કરેલ છે. જેમાં વી.ડી.પારેખ અંધ મહિલા ગૃહના ૭૦ વર્ષથી ઉપરની બહેનોએ ભાગ લીધો છે. અહીં આજે ફક્ત મોટી ઉંમરના બહેનોએ નવકાર મંત્રના જાપમાં ભાગ લીધો છે કે જેનાથી કોરોનાની મહામારી શાંત થાય. નવકાર મંત્ર એ એવો મંત્ર છે કે જેમાં કોઈ વ્યક્તિ વિશેષનું મહત્વ નથી પરંતુ તેમાં સમસ્ત વિશ્ર્વનો સમાવેશ થાય છે. આ બહુજ મોટો મહામંત્ર છે. અહીં બધા અલગ અલગ જ્ઞાતિના લોકો હોય છે. પરંતુ બધા જૈન ધર્મમાં માનીએ છીએ