રાજકોટથી અમદાવાદની ૬ બસો રાણીપ અને નહેરૂનગર સુધીજ ચાલશે: આંતરરાજ્ય બસો નહીં દોડે
રાજ્ય સરકાર દ્વારા અનલોક-૧ની ગાઈડલાઇન પ્રમાણે રાજ્યમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં હવે અનેક સેવાઓ અને સરકારી કચેરીઓ પણ આજથી સંપૂર્ણપણે ધમધમતી થઈ છે. આજથી રાજકોટ એસટી ડિવિઝનની ૩૦૦થી વધુ બસો સમગ્ર રાજ્યમાં દોડવા લાગી છે અને હજુપણ આંતરરાજ્ય એસટી બસો દોડવા પર રોક કરવામાં આવી છે. રાજ્યભરમાં ૬૦ ટકા એસટી બસો શરૂ થઈ છે અને મુસાફરોએ પણ હાશકારો અનુભવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના લીધે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સવારે ૭થી રાત્રીના ૮ વાગ્યા સુધી એસટી બસો દોડશે. ત્યારે આજથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં પણ એસટી દોડાવાનું ચાલુ કરાયું છે. રાત્રીના નવ વાગ્યા બાદ સમગ્ર રાજ્યમાં કફર્યુની સ્થિતિ હોય, તેથી દરેક એસટી રાત્રીના ૮ સુધીમાં અંતિમ ડેપોએ પહોંચી જાય તેવું સુચારુ આયોજન કર્યુ છે.
એસટી પરિવહન ચાલુ થયું છે ત્યારે દરેક મુસાફરોએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. સેનેટાઇઝ પણ કરવું પડશે.
બસમાં મુસાફરોનું તાપમાન માપીને જ પ્રવેશ આપવામાં આવશે. અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જ મુસાફરો મુસાફરી કરી શકશે. મુસાફરો ઉભા ઉભા મુસાફરી કરી શકશે નહીં. ઉપરાંત પ્રત્યેક બસ ઉપડતા પહેલા સેનેટાઈઝ કરવાની રહેશે.
રાજકોટથી અમદાવાદ જવા કુલ ૬ બસો ચાલશે જે રાણીપ અને નેહરૂ નગર સુધી જશે જોકે હજુ ગીતાનગર સુધી બસ નહીં ચાલે. ૨૪ કલાક પુછપરછ માટે ના કોન્ટેકટ નંબર જાહેર જનતા માટે ૦૨૮૧-૨૨૩૫૦૨૫, ૬૩૫૯૯૧૮૭૩૮ જાહેર કરાયા છે.
જૂનાગઢ જિલ્લા ની વાત કરીએ તો, આજથી જૂનાગઢ ડિવિઝનમાં આવતા જૂનાગઢ ડેપો, બાટવા, જેતપુર, વેરાવળ, કેશોદ, માંગરોળ અને ધોરાજી ડેપોમાંથી કુલ ૨૫૦ બસો દ્વારા મુસાફરો પરિવહન કરી શકશે.
રાજકોટથી અમદાવાદ જતી બસોનો સમય
અમદાવાદ: સવારે ૭.૦૦, ૭.૩૦, ૮.૦૦, ૮.૩૦, ૯.૦૦, ૯.૩૦ કલાકે
સુરત: સવારે ૧૦.૦૦ કલાકે
સોમનાથ: સવારે ૭.૦૦ અને ૮.૦૦ કલાકે