દેશનાં ૧૫ લાખથી વધુ વીજકર્મીઓ કાળી પટ્ટી બાંધી વીજ ક્ષેત્રના ખાનગીકરણની હિલચાલ સામે નોંધાવશે વિરોધ
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બીહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સામાં ખાનગી વીજકંપનીઓની કામગીરી નિષ્ફળ નીવડી છે: જીબીઆ, એજીવીકેએસ
ભારત સરકારના ઉર્જા વિભાગ દ્વારા તા.૧૭ એપ્રિલના રોજ ઇલેકટ્રીસીટી એમેન્ડમેન્ટ બીલ-૨૦૨૦ નોટીફાય કરવામાં આવેલ છે. આ બાબતે જાહેર જનતા અને લાગતા વળગતા પાસેથી ત્રણ સપ્તાહની અંદર જરૂરી સૂચનો સરકાર દ્વારા માંગવામાં આવેલ. પરંતુ હાલમાં કોવીડ-૧૯ મહામારી સમગ્ર દેશભરમાં ફેલાયેલ હોય આ બાબતનો વિરોધ થવા પામેલ છે.
આ ઇલેકટ્રીસીટી એમેન્ડમેન્ટ બીલ-૨૦૨૦ના અનુસંધાને વીજ ક્ષેત્ર જનરેશન-ટ્રાન્સમીશન ડીસ્ટ્રીબ્યુશન વગેરે તમામ વિભાગોને ખાનગીકરણ તરફ સરકાર લઇ જવા માંગે છે.
સમગ્ર દેશના વીજ ક્ષેત્રના અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓ દ્વારા બનેલ નેશનલ કો-ઓડીનેશન કમીટી ઓફ ઇલેકટ્રીસીસી એમ્પ્લોયીક એન્ડ એન્જીનીયસ દ્વારા ૧લી જૂનના રોજ રાષ્ટ્રીય સ્તરે આ બીલથી ગ્રાહકોને તથા કર્મચારીઓને થનાર નુકશાનો અંગે જાગૃતતા લાવવા માટે તમામ દેશભરના વીજળી ક્ષેત્રના ૧૫ લાખથી વધુની સંખ્યામાં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી જાગૃતતા લાવશે.
ભારત દેશની આઝાદી બાદ આશરે ૭૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી સરકારના સહયોગથી અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખૂબ સખત મહેનત કરી લોહી રેડીને સમગ્ર દેશમાં વીજ નેટવર્ક ઉભું કરેલ છે જેથી કોઇ કિંમત આંકી શકાય તેમ નથી. આ વીજ નેટવર્કથી સમગ્ર દેશમાં ૨૫ કરોડથી વધુ રહેણાંક, વાણીજય, કારખાના, ખેતીવાડી વગેરે પ્રકારના વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
આ બીલના એમેન્ડમેન્ટથી ખાનગી કંપનીઓને ઉર્જા ક્ષેત્રમાં વિશાળ સતા ક્ષેત્ર પરું પાડવામાં આવનાર છે. એકટ ૨૦૦૩માં સુધારણા નામે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવશે. ઇલેકટ્રીસીટી એકટ-૨૦૦૩નો હેતુ ગ્રાહકોને સસ્તા દરે વીજળી પૂરી પાડવાનો હતો. પરંતુ શકય બનેલ નથી. ખાનગી વીજ કંપનીઓ દ્વારા અવાર નવાર વીજ ટેરીફમાં વધારો કરવામાં આવેલ છે.
આ બીલના એમેન્ડમેન્ટથી ગ્રાહકોને અપાતી સબસીડીઓ ધીમે ધીમે બંધ થઇ શકે છે. રાજય દ્વારા તેમની નાણાકીય સ્થિતિના અનુસંધાને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડીબીટી)હેઠળ ગ્રાહકોને સબસીડી આપવાની વાત છે. ખેતીવાડી, ઉત્પાદનો માટે વીજળીના ભાવો વધી શકે તેમ છે.
અતિવૃષ્ટી, અનાવૃષ્ટિ, ધરતીકંપની, વાવાઝોડા, કોવીડ મહામારી જેવા સમયે સરકારની વીજ કંપનીઓ તથા અધિકારી, કર્મચારીઓ દ્વારા સતત કામગીરીઓ કરી વીજળી ગ્રાહકોને સતત વીજળી પહોચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેલ છે. મોટા નુકશાનો સહન કરીને પણ સરકાર દ્વારા ગ્રાહકોને કપરા સમયે સતત વીજ પુરવઠો સેવાભાવથી પહોચાડવામાં આવે છે. જે ખાનગી કંપની દ્વારા શકય નથી.
ખાનગી કંપનીઓ દ્વારા નફાકારક શહેરોમાં જ વીજ વિતરણની કામગીરીઓ સંભાળવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારો કે જયાં આવક ઓછી હોય, તફલીફો વધુ હોય, લોલીસ વધુ હોય તેવા વિસ્તારોમાં ખાનગી કંપનીઓ કામગીરી કરતી નથી.
મહારાષ્ટ્રમાં ઓરંગાબાદ, નાગપુર, જલગાંવ, મધ્યપ્રદેશ, ઉજજૈન, ગ્વાલ્યર, સાગર, બિહારમાં ગયા, મુજજફપુર, ભાગાપુર, ઉતરપ્રદેશમાં આગ્રા તથા ઓરિસ્સામાં વીજ ક્ષેત્રે ખાનગી કંપની દ્વારા સંચાલન કરવામાં આવેલ છે જેમાં કંપનીઓની કામગીરી નિષ્ફળ રહેલ છે. મુંબઇમાં રિલાયન્સ એનર્જી લી. કંપની પાવર ડીસ્ટ્રીબ્યુશનમાં નિષ્ફળ ગયેલ છે.
તા.૧૪ મેં-૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીજળી ક્ષેત્રના ખાનગીકરણ માટે જરૂરી સુચના આપેલ છે. બે માસમાં પ્રક્યિા કરી ખાનગી કંપનીઓને વીજ ક્ષેત્ર સોંપવામાં આવશે. ત્યારબાદ ભવિષ્યમાં અન્ય રાજયોમાં વીજ ક્ષેત્રના ખાનગીકરણની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે.
આથી, તમામ પ્રકારના ગ્રાહકોએ સારા ભવિષ્ય માટે તથા નુકશાનથી બચવા જાગૃત થવાની જરૂરીયાત છે તથા વીજક્ષેત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓએ પણ સમાજને વીજ ક્ષેત્રના ખાનગીકરણથી બચાવવા માટે જાગૃત થવાની જરૂરીયાત છે.
આથી, સમાજમાં સૌને અને વીજ ક્ષેત્રના અધિકારીઓ, કર્મચારીઓને વીજ ક્ષેત્રના ખાનગીકરણથી થનારા ગેરફાયદાઓ અંગે જાગૃતી લાવવા માટે આજથી સમગ્ર દેશના ૧૫ લાખથી વધુ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવામાં આવશે. તેમનાં સિનિયર સેકેટરી જનરલ બળદેવભાઇ પટેલ અને જી.ઇ.બી.એન્જીનીયર્સ એસોસીએશનનાં સેક્રેટરી જનરલ બી.એમ.શાહની યાદીમાં જણાવાયું છે.