છેલ્લા ૬ દિવસમાં રાજકોટમાં ડ્રેનેજની ૧૭૮૧ ફરિયાદો નોંધાઈ: મેઈન હોલ ચોકઅપ હોવાના કારણે ફરિયાદો હલ થતી ન હોવાનું અપાતું કારણ
સ્માર્ટ સિટી બનવા તરફ આગળ ધપી રહેલા રાજકોટ શહેરમાં મહાપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ મેઘરાજાએ એક જ ઝાટકે ખોલી નાખી છે. ગત સપ્તાહે શહેરમાં પડેલા અનરાધાર વરસાદમાં શહેરભરમાં ડ્રેનેજ નેટવર્ક ચોકઅપ થઈ જતા છેલ્લા ૬ દિવસમાં ડ્રેનેજની લગતી ૧૭૮૧ ફરિયાદો નોંધાઈ છે. ૬-૬ દિવસથી ફરિયાદોનો નિકાલ ન થતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. દરમિયાન મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે આજે એવી ખાતરી આપી છે કે જો વરસાદ નહીં પડે તો આગામી ૪૮ કલાકમાં શહેરમાં ડ્રેનેજની તમામ ફરિયાદો ઉકેલી દેવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગત સપ્તાહે પડેલા ભારે વરસાદના કારણે રાજમાર્ગો પર પાણી ભરાવાના કારણે લોકોએ ડ્રેનેજના મેઈન હોલના ઢાંકણા ખોલી નાખતા તમામ પાણી થતા કચરો ડ્રેનેજની મેઈન લાઈનમાં ઠલવાઈ ગયો છે. છેલ્લા પાંચ દિવસથી શહેરભરમાં ડ્રેનેજની મેઈન લાઈન ચોકઅપ થઈ છે. ડી વોટરીંગ થતું ન હોવાના કારણે ડ્રેનેજ લાઈનમાં માણસ કે મશીનરી ઉતારી શકાતી નથી. જેના કારણે મેઈન લાઈન સાફ થતી નથી અને ડ્રેનેજની ફરિયાદોનો સમયસર નિકાલ આવતો નથી. આ સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા પાંચ જેટીંગ મશીન ભાડે લેવામાં આવ્યા છે. જયારે બે જેટીંગ મશીન વડોદરા મહાપાલિકા પાસેથી મંગાવવામાં આવ્યા છે. અમદાવાદ અને સુરત મહાપાલિકામાં પણ વરસાદી પાણી ભરાવાની તથા ડ્રેનેજની સમસ્યા હોવાના કારણે આ બંને મહાપાલિકાઓએ જેટીંગ મશીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.
છેલ્લા બે દિવસથી સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે. જો વરસાદ નહીં પડે તો આગામી બે દિવસમાં ડ્રેનેજને લગતી તમામ ફરિયાદો ઉકેલાય જશે.