સરકાર વીજબીલ માફ નહીં કરે તો જોયા જેવી થશે : ભટ્ટી, મકવાણા, અનડકટ અને મુંધવાની ચીમકી
છેલ્લા બે માસથી ચાલી રહેલા લોકડાઉનનાં કારણે સામાન્ય લોકોને જોરદાર આર્થિક ફટકો પડયો છે આવામાં વીજ કંપની દ્વારા એવી ચીમકી આપવામાં આવી છે કે, જો ૩૦મી મે સુધીમાં વીજબીલ નહીં ભરવામાં આવે તો કનેકશન કાપી નાખવામાં આવશે જેનાં વિરોધમાં કોંગ્રેસે આંદોલનનું રણશીગું ફુંકયું છે જો વીજબીલનાં ઉઘરાણા કરવામાં આવશે તો આગામી મંગળવારથી કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
લોકડાઉનને લીધે ગરીબ વધુને વધુ ગરીબાઈમાં ઘસી ગયો છે. રોજનું કમાઈને રોજનું ખાતા લોકો માટે ભાજપ સરકાર પડયા ઉપર પાટુ અને દાજયા ઉપર ડામ જેવો ઘાટ ઘડી રહી છે જેની સામે લોકોમાં ભયંકર રોષ ભભુકી ઉઠયો છે. ધંધા બંધ હોવાથી લોકો આર્થિક સંકળામણમાં સપડાઈ ગયા છે અને બીજી તરફ ભાજપ સરકારના ઈશારે પીજીવીસીએલ તંત્ર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાનું બીલ ૩૦ તારીખ સુધી નહીં ભરવામાં આવે તો વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તેવી તંત્ર દ્વારા ધમકી આપવામાં આવતા લોકો વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. વર્તમાન સમયમાં માય-બાપ બનીને સરકારે ઉદાર હાથે ગરીબોને રાહત આપવાને બદલે પઠાણી ઉઘરાણી સામે કોંગ્રેસનાં જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઈ અનડકટ અને રણજીતભાઈ મુંધવાએ વીજળીના બીલની જો પઠાણી ઉઘરાણી કરવામાં આવશે તો મંગળવારથી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજકોટ શહેર કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઈ અનડકટ અને રણજીતભાઈ મુંધવાએ જણાવ્યું છે કે, હાલ કોરોનાની મહામારી વચ્ચે આખો દેશ લડી રહ્યો છે પરંતુ લોકડાઉનને લીધે અનેક ગરીબ પરીવારોની ઝીંદગી દોજખ બની ગઈ છે. રોજમદાર તરીકે ધંધો કે નોકરી કરતા લોકો માટે આ માઠા દિવસો ખુબ કપરા સાબિત થઈ રહ્યા છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે ૨૦ લાખ કરોડની પેકેજની જાહેરાત અને રાજય સરકારની ૧-૧ લાખની લોન બંને ગરીબ પ્રજા માટે કોણીએ ગોળ ચોટાડવા સમાન સાબિત થઈ રહ્યા છે ત્યારે છુટછાટ મળ્યા પછી માંડ ગરીબોની ગાડી ધીમે-ધીમે પાટે ચડતી હતી ત્યાં જ ભાજપ સરકારના ઈશારે પીજીવીસીએલ તંત્ર સફાળુ જાગૃત થયું અને તેઓ દ્વારા વીજબીલની ઉઘરાણી શરૂ કરી દેવામાં આવી છે.
ગત માર્ચ અને એપ્રિલ એમ બે મહિનાના વીજ બીલ આગામી ૩૦ મે સુધીમાં જો ભરપાઈ નહીં કરવામાં આવે તો વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તેવી ધમકી આપવામાં આવતા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે એક તરફ રાજસ્થાનમાં રહેલી કોંગ્રેસ સરકારે બે મહિનાના વીજ બીલ અને પાણી વેરો બંને માફ કર્યા અને અહીંયાની ગુજરાતની સરકાર છે કે એક રૂપિયાની રાહત કરવાની તો દૂરની વાત છે ઉલ્ટાનું પઠાણી ઉઘરાણી કરી વીજ કનેકશન કાપી નાખવાની ગર્ભીત ધમકી આપી રહી છે જે હકિકતે નિંદનીય બાબત છે ત્યારે આગામી મંગળવારથી ચારેય કોંગી આગેવાનોની આગેવાનીમાં લોકોને સાથે રાખીને રણશીંગુ ફુંકવામાં આવશે જો પીજીવીસીએલ તંત્ર દ્વારા લોકો પાસે વીજ બીલની પઠાણી ઉઘરાણી કરવામાં આવશે તો કોંગી આગેવાનોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું ક, વીજ બીલ માફ નહીં કરવામાં આવે તો મંગળવારથી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અને જોયા જેવી થશે.