મુખ્ય દ્વાર પર ટેમ્પરેચર માપ્યા બાદ જ પ્રવેશ: મુલાકાતી, સ્વયં સેવકો અને સંતો પણ માસ્ક અને ગ્લોઝ પહેરશે ભકતો માટે ભોજન વ્યવસ્થા સ્થગિત
આવનારા દિવસોમાં રાજય સરકાર દ્વારા ધાર્મિક સ્થળો દર્શન માટે ખોલવામાં આવે ત્યારબાદ પણ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આવેલ રામકૃષ્ણ આશ્રમ ખાતે પ્રથમ પંદર દિવસ સુધી કોઈપણ વ્યકિત બહારથી આશ્રમના દર્શન માટે આવી શકશે નહીં.
આ બાબતે વિસ્તૃત માહિતી આપતા રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરજીએ જણાવ્યું હતુકે મંદિરો ખોલવા સરકાર છૂટ આપશે ત્યાર પછીના ૧૫ દિવસ સુધી રામકૃષ્ણ આશ્રમ દાર્શનિકો માટે બંધ રહેશે ત્યારબાદ દર્શનાર્થિઓ સવારના નવ વાગ્યાથી અગ્યાર વાગ્યા સુધી તેમજ સાંજે ચારથી છ દરમિયાન દર્શનનો લાભ લઈ શકશે.
આશ્રમમાં આવનાર તમામ માટે માસ્ક હેન્ડગ્લોઝ અને સેનેટાઈઝરનો ઉપયાગે ફરજીયાત રહેશે. આશ્રમના મુખ્ય પ્રવેશ દ્વાર પર થર્મલ કે ઈન્ફ્રારેડ થર્મોમીટર વડે દરેક વ્યકિતની ચકાસણી થશે. ૯૯ ડીગ્રીથી વધારે ટેમ્પરેચર વાળીને પ્રવેશ નહી અપાય ઉપરાંત મુખ્ય પ્રવેશ દ્વાર પગરખા ઘર તેમજ શૌચાલયમાં સેનેટાઈઝર સોલ્યુશન રાખવામાં આવશે. આશ્રમના પરિસરમાં કોઈપણ સામુહિક પ્રવૃત્તિઓ નહી યોજાય.
ભકતો દ્વારા ધરાવાતા ફળો અને વસ્ત્રો સેનેટાઈઝ કરાશે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભકતો માટે બપોરના ભોજનની વ્યવસ્થા સ્થગિત કરાઈ છે. ભકતો સન્યાસીના ચરણ સ્પર્શ નહી કરી શકે માત્ર દૂરથી જ વંદન કરવાનું રહેશે મુલાકાતીઓના સંપર્કમાં આવતા આશ્રમના તમામ લોકોની નિયમિત આરોગ્યની તપાસ કરવામાં આવશે.
બુક સ્ટોર, લાઈબ્રેરી પ્રદર્શનખંડ ધીમેધીમે ખૂલ્લા મૂકાશે ત્યારબાદ શાળા, કોલેજ, હોસ્ટેલ અને સંલગ્ન સંસ્થાઓ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના દિશા નિર્દેશ મુજબ શરૂ કરાશે. આ અંગેની તમામ માહિતી આશ્રમની વેબસાઈટ તથા પ્રચાર માધ્યમો દ્વારા જાહેર જનતાને આપવામાં આવશે ત્યાં સુધી દર્શનાર્થીઓ ઓનલાઈન દર્શન કરી શકશે તેમ સ્વામીએ અંતમા જણાવ્યું હતુ.