ચારેય કેસ જંગલેશવર વિસ્તારમાં જ મળી આવ્યા: શહેરનાં અન્ય તમામ વિસ્તારો સુરક્ષિત છતાં બેદરકારી પાલવે તેમ નથી
કોરોના વાયરસે વિશ્વભરમાં અજગરી ભરડો લીધો છે. ભારતમાં કોરોનાને વકરતો અટકાવવા માટે ગત ૨૫મી માર્ચથી અલગ-અલગ ૪ તબકકામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અમલમાં છે. ગુજરાતમાં ગત ૧૯મી મેથી ચોથા તબકકાનું લોકડાઉન અમલમાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજય સરકાર દ્વારા ભારે છુટછાટ આપવામાં આવી છે. ધંધા-રોજગાર શરૂ થઈ ગયા છે. રાજયભરમાં સવારે ૮ થી લઈ બપોરનાં ૪ વાગ્યા સુધી વેપારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને રાત્રીનાં ૭ થી લઈ સવારનાં ૭ સુધી કફર્યુ લાદી દેવામાં આવે છે. લોકડાઉન-૪માં ભારે છુટછાટ આપવામાં આવી હોવા છતાં રાજકોટ સંપૂર્ણપણે સલામત હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૯ દિવસ દરમિયાન શહેરમાં કોરોનાનાં માત્ર ૪ પોઝીટીવ કેસ જ નોંધાયા છે. આ ચારેય કેસ ક્ધટેન્ટમેન્ટ એરીયા ગણાતા જંગલેશ્ર્વરમાંથી મળી આવ્યા હોય આખું શહેર એકંદરે સંપૂર્ણ સુરક્ષિત છે તેવું કહેવામાં જરા પણ અતિસિયોકતી નથી છતાં કોરોનાનાં વિકટકાળમાં બેદરકારી પાલવે તેમ નથી.
આજે સવારે શહેરનાં ક્ધટેન્મેન્ટ એરીયા જંગલેશ્ર્વર વિસ્તારમાં ભવાની ચોકમાં અંકુર સોસાયટીમાંથી મુસ્તાકભાઈ એ.કાદરી નામના ૫૩ વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે શહેરમાં અત્યાર સુધી કોરોનાનાં ૮૦ દર્દીઓ થયા હોવાનું મહાપાલિકાનાં ચોપડે નોંધાયું છે જે પૈકી ૭૩ દર્દીઓ કોરોનાને મહાત કરી ચુકયા છે અને તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે જયારે એક વ્યકિતનું મોત નિપજયું છે. જયારે ૬ વ્યકિતઓ હાલ સારવાર લઈ રહ્યા છે. ચોથા તબકકાનાં લોકડાઉનમાં લોકોને એકમાંથી બીજા રાજયમાં જવાની પણ છુટછાટ આપવામાં આવી છે. દરમિયાન મુંબઇનાં માટુંગા વિસ્તારમાંથી આવેલા દિલીપભાઈ સંઘાણી અને વાસંતીબેન સંઘાણીને હાલ ફન હોટલમાં કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેઓને સારવાર માટે ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ખસેડાયા છે.
લોકડાઉન-૪માં વ્યાપક છુટછાટ આપ્યા બાદ જે રીતે બજારોમાં લોકોની ભીડ જોવા મળતી હતી તે ઉપરથી એવું લાગી રહ્યું હતું કે, શહેરમાં જોખમ જળુબી રહ્યું છે અને કોરોનાનાં કેસમાં તોતીંગ ઉછાળો આવશે પરંતુ છેલ્લા ૯ દિવસ દરમિયાન સંપૂર્ણપણે કોરોના કાબુમાં છે. ૧૯મી મેથી છુટછાટ સાથેનું લોકડાઉન-૪
અમલમાં આવ્યા પૂર્વે શહેરમાં કોરોનાનાં ૭૬ દર્દીઓ હતા જે પૈકી ૬૦ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા અને ૧૪ એકટીવ કેસ હતા. લોકડાઉનમાં છુટછાટ બાદ ૨૩મી મેએ કોરોનાનાં ૨ પોઝીટીવ કેસ, ૨૪મી મેએ કોરોનાનો એક પોઝીટીવ કેસ અને ૨૭મી મેએ કોરોનાનો ૧ પોઝીટીવ કેસ સહિત કુલ ૪ કેસ મળી આવ્યા છે આ સમયગાળા દરમિયાન ૧૨ દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં ટેસ્ટીંગનું પ્રમાણ ૫૦ ટકા કરી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
માર્ચ માસમાં જયારે પહેલું લોકડાઉન જાહેર કરાયું ત્યારે કોરોનાના પોઝીટીવ કેસ શોધી કાઢવા માટે દૈનિક ૮૦ જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા હાલ માત્ર ૪૦ થી ૪૫ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેમાં પણ દર્દીને સિવિયર સિમ્ટન્સ હોય તો તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. અગાઉ શહેરમાં બહારગામથી લોકોને અવર-જવર પર પ્રતિબંધ હતો. ત્રીજા લોકડાઉનમાં જો કોઈ બહાર ગામથી આવે તો તેને હોમ કવોરોન્ટાઈન કરવામાં આવતા હતા પરંતુ ચોથા તબકકામાં લોકડાઉનમાં હવે બહારગામથી આવતા લોકોને હોમ કવોરોન્ટાઈન કરવામાં આવતા નથી માત્ર બહારનાં રાજયમાંથી આવતા લોકોને જ હોમ કવોરોન્ટાઈન કરાઈ છે. એકંદરે લોકડાઉનમાં અપાયેલી છુટછાટમાં આજ સુધી રાજકોટ સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ જો કોરોના આપણા વચ્ચે છે જ નહીં તેવું માની લાઈફ સ્ટાઈલ સેટ કરવામાં આવશે તો કોરોનાના બ્લાસ્ટ થવાની પણ સંભાવના જણાઈ રહી છે. લોકડાઉનમાં ભલે છુટછાટ આપવામાં આવી હોય પરંતુ સંપૂર્ણ સાવચેતી રાખવી હિતાવહ છે.