આજે રોકડા; ઉધાર કાલે!!!
પેમેન્ટના ડખાની મથામણને લઇ ડિસ્ટ્રીબ્યુટરોએ ક્રેડિટ સિસ્ટમ ઉપર કાપ મુકયો
ગુજરાતી ફિલ્મનાં એક ગીતની કડી છે, આજે રોકડ કાલે ઉધાર જેનો મતલબ સ્પષ્ટ છે કે, આવતીકાલે શું થવાનું છે તે કોઈને ખ્યાલ નથી જેથી રોકડ વ્યવહાર ચલાવવામાં આવવો જોઈએ. કયાંકને કયાંક કોરોનાની મહામારી બાદ જે લોકડાઉન જોવા મળ્યું છે તેનાથી ઘણીખરી અસર ઉધોગોને પહોંચી છે ત્યારે નાના વેપારીઓને પડેલી નાણાકિય તંગીથી વિક્રેતાઓનો વિશ્ર્વાસ ડગમગયો છે. પહેલા જે કોઈ નાના વેપારીઓ વિક્રેતા પાસેથી માલ-સામાની ખરીદી કરતા તે સમયે તેઓને ૨૧ દિવસની ક્રેડિટ પણ આપવામાં આવતી તે ઘટી ૭ દિવસ કરવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિને જોતા નાણાકિય તંગીથી વિક્રેતાઓનો વિશ્વાસ હચમચી ગયો છે તેવું લાગી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં પેમેન્ટનાં ડખ્ખાની મથામણ ન થાય તે માટે ડિસ્ટ્રીબ્યુટરો ક્રેડિટ સિસ્ટમ ઉપર જાણે કાપ મુકી દીધો હોય તેવું પણ જાણવામાં આવી રહ્યું છે. જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ જેવી કે ક્ધઝયુમર ગુડઝ, ઈલેકટ્રોનિક આઈટમ, સ્માર્ટ ફોન આ તમામ ચીજવસ્તુઓમાં રીટેલરને ૭ થી ૨૧ દિવસની ક્રેડિટ આપવામાં આવતી હતી પરંતુ તેના ઉપર હવે કાપ મુકવામાં આવ્યો છે જે રીટેઇલર કેશ આપી શકે તેઓને જ હવે માલ આપવામાં આવશે. વિક્રેતાઓને પ્રશ્ર્ન એ ઉભો થયો છે કે કોરોનાની મહામારી બાદ નાના રીટેઈલરો શું નાણા ચુકવી શકશે કે કેમ ? તે પણ એક પ્રશ્ર્ન ઉભો થયો છે.
નાણાનાં અભાવે નાના રીટેઈલરોને જે ક્રેડિટ સિસ્ટમ મળતી હતી તે ન મળતા હવે તેઓ સ્ટોક પણ નથી કરી શકતા જેનાથી વેચાણમાં પણ અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે. ચીજ વસ્તુઓ પુરતા પ્રમાણમાં હોવા છતાં વિક્રેતાઓમાં પ્રસ્થાપિત થયેલા અવિશ્વાસથી નાના ઉધોગ ચલાવનાર રીટેઈલરોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નામાંકિત કંપની કે જે જીવનજરૂરી ચીજવસ્તુઓ બનાવે છે તેની પણ ચીજવસ્તુઓ હવે રીટેઈલરો પાસે માત્ર ૫૦ ટકા જેટલી પહોંચી શકે છે જેનું એકમાત્ર કારણ બજારમાં તરલતાનો અભાવ અને વિક્રેતાઓ દ્વારા ક્રેડિટ સિસ્ટમ પર મુકવામાં આવેલો કાપ. દેશની નામાંકિત ફુડ કંપની પારલેને લોકડાઉનમાં ઘણી ખરી મુશ્કેલી અને તકલીફનો સામનો કરવો પડયો છે. પારલેનાં ડિસ્ટ્રીબ્યુટરોને રીટેઈલરો પાસેથી મળવાપાત્ર નાણા ન મળતા અનેકવિધ પ્રશ્ર્ન ઉદભવિત થયા છે જેથી હવે કંપની રોકડ વ્યવહાર ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે જે રીટેઈલર કેશ વ્યવહાર કરે તેને જ માલ આપવા માટે જણાવાયું છે પરંતુ ઘણી ખરી કંપનીઓ તેમનાં પેમેન્ટ મોડને ચેન્જ કર્યો નથી અને જે રીતે રીટેઈલરોને ક્રેડિટ પર માલ આપવામાં આવતો હોય છે તે જ રીતે તેઓને હાલ માલ-સામાન આપવામાં આવે છે. સાથોસાથ હાલની પરિસ્થિતિને જોતા કંપની દ્વારા ક્રેડિટ લીમીટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.