“વિનાશક ધરતીકંપમાં ભીડબજાર વિસ્તારમાં ખૂબ નુકશાન થયુ, આથી અમુક સુંવાળા લોકોએ ત્યાંથી સ્થળાંતર કર્યું, પરંતુ અમુક કુટુંબો ત્યાં જ રહેતા અમુક લુખ્ખાઓએ તેમને પણ વિસ્થાપિત કરવા ઉંબાડીયા ચાલુ કર્યા!”
કચ્છનો આઝાદી પછીતો ઈતિહાસ
પીઆઈ જયદેવ ભૂજ શહેર પોલીસ મથકમાં મુકાયો તે અગાઉ ચોવીસ પચ્ચિસ વર્ષ પહેલા કચ્છ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબજ કથળી ગઈ હતી. તેનું કારણ આઝાદી પછી તૂર્ત જ પાકિસ્તાને ભારત દેશમાં જયાં પોતાનો મેળ પડયો ત્યાં ઉંબાડીયા શરૂ કરી દીધેલા કાશ્મિરમાં જેમ પાકિસ્તાન ભારતીય મવાળ નિતીને કારણે ફાવી ગયેલું તેમ કચ્છ જિલ્લામાં પણ પાકિસ્તાને આવા પ્રયત્નો શરૂ કરેલા, દાણચોરી, નશિલા પદાર્થોનું લેન્ડીંગ, ઘાતક હથીયારો ઘૂસાડવા અને આ પ્રવૃત્તિમાં અમુક તત્વો દુશ્મન દેશના પીઠુ બનીને બેફામ ગુંડાગીર્દી દાદાગીરી કરતા હતા. આથી ગુજરાત સરકારે એક નિષ્ઠાવાન, કડક અને બુધ્ધિજીવી આઈપીએસ અધિકારીની કચ્છ ભૂજ જીલ્લાના પોલીસ વડા તરીકે નિમણુંક કરેલી અને તેમણે તેમની ટીમ સાથે અસામાજીક તત્વોનો એવો સફાયો કરેલો કે આજે કચ્છ ગુજરાતની પ્રગતીનું એન્જીન બની ગયું છે. જો આ પોલીસ ટીમે આવું કામ ન કર્યું હોત તો કચ્છ પણ કાશ્મિરની માફક નર્ક સમાન બની ગયું હોત !
તે સમયના આ પોલીસ વડાના વખતમાં ભૂજ શહેરનો ભીડ નાકા અને ભીડ બજાર ખૂબ માથાભારે વિસ્તાર ગણાતો તે સમયે જૂની ઢબની સાંકડી બજારો અને લોકોની વસ્તી વધતા બજારો ખીચો ખીચ ભરાયેલી રહેતી આ ભીડમાં ગુંડા આવારા તત્વોને ખૂબ મજા પડતી. પરંતુ કડક પોલીસ વડાના ધ્યાનમાં આ બાબત આવતા તે વિસ્તારમાં યુવાન અને જાબાંઝ ફોજદાર ઓઢાની નિમણુંક કરેલી અને તેમણે આ વિસ્તારના ગુનેગારોનો બરાબર સફાયો ચાલુ કરેલો ગમે તેવા સંજોગો હોય પણ કુતરાની પુછડી જમીનમાંથી છ મહિને દાટેલી રાખી બહાર કાઢો તો પણ વાંકીને વાંકી જ રહે તેમ પાકિસ્તાનનો એંઠવાડ ખાઈ ગયેલા અમુક ગુનેગારો નહિ સુધરતા આ ફોજદાર ઓઢાએ બરાબર ઘોસ બોલાવેલી આથી પેધી ગયેલા આવા ગુનેગારો એ ફોજદાર ઓઢા ઉપર ઓચિંતો સશસ્ત્ર હુમલો કરેલો, પરંતુ ફોજદાર ઓઢાને ગંભીર ઈજા છતા જબ્બર મુકાબલો કર્યો ઓઢાની ગંભીર ઈજાની સારવાર પ્રથમ ભૂજ અને પછી અમદાવાદ ખાતે થઈ અને સદનસીબે તેઓ બચી ગયા. તે પછી આ વિસ્તારના ગુનેગારોનો પોલીસે વ્યવસ્થિત રીતે સફાયો કરેલો તે પછી તો કચ્છમાં વિનાશક ધરતીકંપ આવતા જુના ભૂજ શહેરના જુના મકાનો ખૂબ ખરાબ રીતે નુકશાન પામ્યા જેમાં આ ભીડ નાકા અને ભીડ બજાર વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું રાજય સરકારે ભૂજ શહેરનું નવેસરથી જ આયોજન (પ્લાનીંગ)ક કરી શહેરના જૂના રસ્તા પહોળા કરી દેતા ભીડબજારનું તો ફકત નામ જ ભીડ બજાર રહી ગયું અને રસ્તા પહોળાથતા લોકોની ભીડ ઓછી થઈ ગઈ !
ધરતીકંપે ભૂગોળ ફેરવી નાખી
ફરી પેલા કૂતરાની પુછડી માફક અનુકુળ વાતાવરણ મળતા અમુક આવારા તત્વો ભીડ નાકા પાસે આવારાગીરી અને ગુંડાગીર્દી કર્યા કરતા. ખાસ તો ધરતીકંપમાં અમુક વિસ્થાપન થવા છતા અમુક લોકો તો ત્યાંજ રહેલા તેમને પણ બળજબરી (હેરાન કરી)થી વિસ્થાપિત કરવાના હેતુથી ટાર્ગેટ બનાવી તે વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં જતા રહેવા આવા તત્વો પ્રયત્નો કરતા હતા એવું લોકોમાં ચર્ચાતું હતુ. આ વિસ્તારમાં ઘણા જુના સમયથી એક પહેલવાન પરિવાર રહેતો હતો અને તે કુટુંબનો એક યુવાન પોલીસદળમાં ભરતી થયેલો તે આવા કોઈ ગુનેગારોને મચક આપતો નહિ. તે હતો પણ પહેલવાન જેવો એક સાથે ચાર પાંચને ભરી પીવે તેવો. ગુનેગાર આવારા તત્વોના ઉંદરકામા તો પેલા કડક પોલીસ વડાની બદલી બાદ જ ચાલુ થઈ ગયા હતા. પરંતુ પહેલવાન પરિવાર પોલીસને ફરિયાદ અને અરજીઓ કર્યે રાખતા પરંતુ પોલીસમાં ભરતી થયેલો યુવાન ઉશ્કેરાઈને વળતી ઘાત મારવા કોશિષ કરતો તો ઘણા વડીલો તેને વારીને શાંત કરતા રહેતા પરંતુ ગમે તે કારણે કાંતો રાજકીય તૃષ્ટિગુણ સંતોષાવા કે પોલીસ પોતે બબાલમાં પડવા માગતી નહિ હોય કોઈ કડક પગલા લેવાતા નહિ.
આ પછી જયદેવની ભૂજ શહેર પોલીસ મથકમાં પીઆઈ તરીકે નિમણુંક થઈ જયદેવ અને તેની ટીમ ગમે તેવા ચમરબંધીઓ ને પીંખી રહ્યા હતા આવામાં એક દિવસ રાત્રીનાં નવેક વાગ્યે આ પહેલવાન પરિવારનો પોલીસ યુવાન પોતાના ઘેર જતા ગલીના નાકે અમુક આવારા તત્વો સાથે રકઝક થઈ અને યુવાન વિફર્યો અને ચારપાંચ આવારા તત્વોને ભરી પીવા બાથ ભીડી, જોગાનું જોગ આ ઝપાઝપી ચાલુ હતી ત્યારેજ બે ત્રણ રીક્રુટ પોલીસ જવાનો ત્યાંથી પસાર થતા હતા તેઓ આ એકલવીર યુવાનને ઓળખી ગયા કે આતો આપણો જ પોલીસ જવાન આથી રીક્રુટોએ પણ જીવનમાં સૌ પ્રથમ વખત હાથસફાઈ કરી બેચારને વીખી નાખ્યા પરંતુ ગુનેગારોનું તો કાગડા જેવું હોય છે. કાંઉ કાંઉ કરતા કરતા ધીરે ધીરે એકઠા થાય પેલા રીક્રુટો તો હાથ સફાઈ કરીને ચાલ્યા ગયા પરંતુ પાછળથી સામટા ગુનેગારો એકઠા થઈ જતા યુવાનને બરાબર લમધાર્યો પણ યુવાને પણ એવો સપાટો બોલાવ્યો કે ટોળાને નસાડી દીધું તેના કપડા ફાટી ગયા, નાની મોટી ઈજાઓ પણ થઈ અને આખરે પોલીસ વાળો ખરોને ! તેને થયું કે કોમી માહોલ બને તો ? તેથી તે સીધો જ નવા પોલીસ વડાની કચેરીએ પહોચી ગયો જોગાનું જોગ અતિ સક્રિય એવા પોલીસ વડા પણ પોતાની ચેમ્બરમાં એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાંચને અન્ય પોલીસ અધિકારીઓને બેસાડીને આવી જ ચર્ચા કરી રહ્યા હતા. પહેલવાન પોલીસ જવાને તેમની ચેમ્બરમાં જઈને વિગતે રાવ કરી જેમાં ભીડ નાકા વિસ્તારનો ગુંડાગર્દીનો ભૂતકાળ અને પોલીસ ઉપર પણ ઘાતકી હુમલા કરેલાની વાત કરી અને સન્નાટો થઈ ગયો જીલ્લાના જાબાંજ અનુભવી ઈન્સ્પેકટરોએ પણ આ યુવાનની રજુઆતને સમર્થન આપ્યું.
દાસ્તાને હકિકત
પરંતુ પોલીસ વડાને હજુ જયદેવની વધુ કસોટી કરવી હોય કે પછી તેને માનતાનો માન્યો હોય તેજે હોય તે પણ ચેમ્બરમાં ખેરખા પોલીસ ઈન્સ્પેકટરો હાજર હોવા છતા અને કોમી સંવેદનશીલ બનાવ હોવા છતાં પોલીસ વડાએ તેમને આવા કોમી સંવેદનશીલ બનાવ વાળી જગ્યાએ રવાના કરવાને બદલે તેમણે વાયરલેસ મારફતે જયદેવનું લોકેશન પુછાવ્યું. જયદેવ ઉમેદભવનમાં વાળુ પાણી કરી રહ્યો હતો, તેને તાત્કાલીક પોલીસ વડાની ચેમ્બરમાં આવી જવા કહેવરાવ્યું જયદેવને કાંઈ ખબર નહિ તેથી તેણે કહેવરાવ્યું કે તે વાળુ પુરૂ કરીને આવે છે. પોલીસ વડાએ કહેવરાવ્યું કે વાળુ પાણી અધૂરૂ છોડીને પણ તાત્કાલીક આવી જાવ. જયદેવ પણ અડધુ પડતુ મૂકી ને પોતાના બે જવાનો ફીરોઝ અને ધર્મેન્દ્ર સાથે પોલીસ વડાની ચેમ્બરમાં આવ્યો ત્યાં પહેલવાન પોલીસ જવાનને ફાટેલ તૂટેલ કપડા અને ઈજાગ્રસ્ત હાલતમાં જોયો. પોલીસ વડાએ જયદેવને કહ્યું આને સાંભળીને ન્યાય આપો. જયદેવે તે જવાનને જીપમાં બેસાડયો અને ચાલુ જીપે જ તેની વાત સાંભળી, પોલીસ સ્ટેશને આવી બીજા બે પોલીસ જવાનોને તેની જીપમાં બેસાડયા અને સેક્ધડ મોબાઈલને તાત્કાલીક ભીડ બજારમાં પહોચવા વર્ધી આપીને તે સડસડાટ ભીડ બજારમાં આવ્યો ગુનેગારોને પણ ભૂતકાળનાં જૂના અનુભવથી ખ્યાલ હતો કે પોલીસ તો નિરાંતે બીજે દિવસે ચકકર મારશે આથી નીરાંતે તેઓ પણ ગુન્હાવાળી જગ્યાએ એકઠા થયેલા હતા. જયદેવ તેની ટીમ સાથે ત્યાં વાવાઝોડાની જેમ ત્રાટકયો અને સાતેક જણાને પકડી લીધા દરમ્યાન સેક્ધડ મોબાઈલ આવી જતા તમામને પોલીસ મથકના લોકઅપમાં મૂકી દીધા. પકડાયેલા માથા મોટા હોય પછી શું શું થાય તે તમામ જાણતા જ હોય છે. પરંતુ હવે જયદેવને બાંધછોડ કરવાનું કહી શકે તેવી કોઈની સ્થિતિ ન હતી રાજકારણીઓને તો જયદેવ મચક આપતો જ નહિ. પહેલવાન યુવાનની રાયોટીંગની ફરિયાદ લઈ ગુન્હો દાખલ કરી દીધો, છૂટાછવાયા ટેલીફોનો આવ્યા કે એકાદને છોડો પણ જયદેવે કાગળ ઉપર તમામ પાકે પાયે કરી નાખ્યું. કોઈને આવા અને આટલી તીવ્રતાના એકશનો ખ્યાલ ન હતો. ભીડ બજારનો પ્રશ્ર્ન તો હલ થઈ ગયો પરંતુ આ બનાવ પછી નવ વર્ષ બાદ જયદેવ નિવૃત થઈ ગયા પછી પણ સમયાંતરે આ પહેલવાન પોલીસ જવાનનો ટેલીફોન આવતો રહેતો કે સાહેબ મહાભારતના વસ્ત્રાહરણ માફક તમે અમારી આબરૂ સાચવેલી ! હજુ પણ અહી શાંતી છે આ વિસ્તારમાં કાયમી સુખ કરી દીધું.
વાસ્તવિક ભારતનું રર્ત્ન !
આ દરમ્યાન ભૂજના મહારાવનાં ભાઈ કુમાર હિંમતસિંહજી જાડેજાનું અવસાન થયું આ હિંમતસિંહજી ભારતદેશની સીમાની તસુએ તસુ માહિતીથી વાકેફ હતા. તેમની પાસે દસ્તાવેજી પૂરાવા પણ હતા રાજવાડાનાં સમયે સિંઘ રાજય સાથેની ભૂજ સ્ટેટની સીમા તે જ પાકિસ્તાન સાથેની સીમા ગણાય, પરંતુ ના-પાક હરકત કરતા પાકિસ્તાને કચ્છની સરહદ અંગે પણ આઝાદી પછી ઉંબાડીયા ચાલુ કરેલા તેથી આંતર રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ જયારે સીમાની વીજીટ કરતા ત્યારે ભારતના ગૃહપ્રધાન પણ પોતાની સાથે આ સીમાના જાણકાર હનુમંતસિંહજીને તેમના દસ્તાવેજો સાથે અવશ્ય હાજર રાખતા અને તેઓ સરહદ પર ના એક એક પીલરની વાસ્તવિક ભૌગોલીક સ્થિતિથી જાણકારી હોય તે વિગતથી દેશનો દાવો રજૂ કરતા.
ભૂજ હમીરસર તળાવની દક્ષિણે જે કલાત્મક અને પૌરાણીક ઘૂમટીઓ (ફિલ્મલગાન ફેઈમ) છે તે ભૂતકાળના ભૂજ રાજ પરિવારના સભ્યોના અવસાન બાદ જયાં અગ્નિ સંસ્કાર કરેલા તેની રાજસ્થાન રાજયની માફક પારંપરીક સ્મારકો છે હનુમંતસિંહજીના નશ્ર્વર દેહને આ જગ્યાએ અગ્ની સંસ્કાર કરવા દેવાની વહીવટી તંત્રએ ના પાડતા કચ્છના જ્ઞાની સંસદ સભ્ય પુષ્પદાનભાઈએ રાજય સરકારને આ પરંપરાની હકિકતથી વાકેફ કરી સાંસ્કૃતિક હીતમાં મંજૂરી આપવા ભલામણ કરી અને રાજય સરકારે મજૂરી આપી દીધી. પોલીસદળ વતી જયદેવે તેની ટીમ સાથે પુષ્પાંજલી અર્પણ કરી તેમની સ્મશાન યાત્રામાં સાથે રહ્યો તેને પોતાનું સદનસીબ સમજતો.
નોકરીની જમીની વાસ્તવિકતા
કચ્છ સરહદી જીલ્લો હોઈ ભારતીય સશસ્ત્ર દળો આર્મી, એરફોર્સ, બોર્ડર સીકયોરીટી ફોર્સ વિગેરેના અનેક મથકો કચ્છમાં આવેલા છે. સમય, સંજોગો અને સ્થિતિ મુજબ આ તમામ દળોના અધિકારીઓની પોલીસ દળના અધિકારીઓ સાથે વારાફરતી મીટીંગો થતી હોય છે. આ રીતે એક વખત એરફોર્સ સ્ટેશન ભૂજ દ્વારા આવી મીટીંગનું આયોજન થયું તે સમયે એરફોર્સ સ્ટેશન ભૂજ તાલુકા મથકમાં આવતું ભૂજ તાલુકા પીઆઈ રજા ઉપર હોય તેનો વધારાનો ચાર્જ જયદેવ પાસે હતો. આથી એરફોર્સ સ્ટેશનની મીટીંગમાં જયદેવ ગયો. મીટીંગ શરૂ થતા પહેલા પરીચય અને ચા પાણી થયા એરફોર્સનું એક તાલીમી મીગ વિમાન થોડા સમય પહેલા જ ભૂજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામાં તૂટી પડેલું તેની ફોર્મલ ચર્ચા વિંગ કમાન્ડરે જયદેવ સાથે કરી. વિંગ કમાન્ડરે જયદેવને પૂછયું કે તમે તો આ એરફોર્સ સ્ટેશનમાં પ્રથમ વખત જ આવ્યા લાગો છો. જયદેવે કહ્યું ‘ના હુ આજથી બાવીસેક વર્ષ પહેલા રાજયનો પ્રથમ એર શો અને સ્ટેટીક ડીસ્પ્લેનો કાર્યક્રમ અહી ભૂજ આજ એરફોર્સ સ્ટેશનમાં યોજાયેલો ત્યારે ત્રણ દિવસ માટે આવેલો જુઓ પ્રકરણ ૨૧ ‘ધન્ય ધરા કચ્છ’ આ સાંભળીને વિંગ કમાન્ડર એકદમ આશ્ર્ચર્ય પામી ગયા અને પૂછયું કે તમારે કેટલા વર્ષની નોકરી થઈ ? જયદેવે કહ્યું ‘ત્રીસ વર્ષની’ તેમણે કહ્યુંં ઓ હો ! તો તમે અહી હાજર છે તે તમામ અધિકારીઓથી સીનીયર છો, શું વાત છે ? તમો ને પ્રમોશન બરાબર મળતા લાગતા નથી આથી જયદેવે કહ્યું મને તો સરકારી નિયમ મુજબ રાબેતા મુજબ જ પ્રમોશન મળેલ છે. પરંતુ રાજય સરકારમાં પ્રમોશન માટે ફકત સીનીયોરીટી કે લાયકાત નથી જોવાતી, જ્ઞાતિ પણ જોવાય છે, તેથી મને લાગે છે કે હું એક બે સ્ટેપ પ્રમોશપન પાછળ ચાલુ છું ‘તેઓ એ નવાઈ પામીને કહ્યું આતો ખૂબ કહેવાય આવી મુશ્કેલી વાળી ટફ નોકરી વાળા ખાતામાં પણ આવું ચાલે છે? જયદેવે કહ્યું અમે પણ લડાયક ખરા પણ ‘આંતરિક યુધ્ધ’ના તેથી અમે સશસ્ત્ર દળ કે પેરામીલ્ટ્રીફોર્સ ગણાઈએ નહિ અમે સીવીલ સર્વીસ વાળા જ ગણાઈએ, જોકે અમારી જીંદગી તો તમારા સશસ્ત્ર દળોના જવાનો કરતા પણ બદતર છે. આમ પોલીસ દળ માટે પરિસ્થિતિ ધોબીના ગદર્ભ જેવી છે. નહિ ઘરના કે નહિ ઘાટના એટલે કે ફરજ અતિ ટફ, જીંદગીમાં કોઈ નિયમિતતા નહિ જોકે હાલમાં તો રાજય સરકારે પોલીસ દળમાં જથ્થાબંધ ભરતી કરતા પ્રમોશનો મોડા મળવાનો પ્રશ્ર્ન હાલતો ઉકેલાઈ ગયો જણાય છે. પરંતુ તે પછી વિંગ કમાન્ડરે તો જયદેવને તેની આવી સીનીયોરીટીને હિસાબે ખૂબ માનપાન આપ્યું તે ઉપરાંત અન્ય અધિકારીઓ એ પણ એવું જ માન આપ્યું આમ યુનિફોર્મ ધારી સશસ્ત્રદળોમાં સીનીયોરીટી અને અનુભવને ખૂબજ માન આપવામાં આવે છે. જોકે પોલીસ દળમાં તો લગભગસૌને અનુભવ હશે જ કે ‘રાજા ને ગમી તે રાણી અને છાણા વિણતી આણી’ જેવું ચાલતુ હોય છે તે સમયે ખાતામાં સતાધારી રાજકીય ટેકાવાળા, વહીવટદારો તે સિવાયની લાયકાત વાળા પણ અગ્રતાક્રમે રહેતા અને છેલ્લે અનુભવી, કાર્યદક્ષ અને સ્પષ્ટ વકતા રહેતા હતા એવું અનુભવે જણાયેલું, જોકે નિષ્ઠાવાન કેટલાક ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ આ ક્રમને ઉલટાવી નાખતા તે જુદી વાત છે.
સાત મહિના ને અંતે પોલીસ વડાએ જયદેવની નિમણુંક ભૂજથી બદલીને કચ્છના સૌથી ઉંચા ક્રાઈમ રેટ વાળા તથા કાયદો અને વ્યવસ્થા માટે પડકાર રૂપ પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે કરી. જયદેવ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને ટુંક સમયમાં જ કચ્છ જિલ્લાના પોલીસ વડાની પણ બીજા જીલ્લામાં બદલી થઈ ગઈ !