વડિલો સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી સન્માન કરાશે: ૨૨મીએ વડિલ સન્માન અભિયાન
મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, ગુણવંતભાઈ શાહ સહિતના પ્રતિષ્ઠીતો પણ જોડાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તા.૨૧ થી ૨૭ દરમિયાન ‘હું પણ કોરોના વોરિયર’ સંકલ્પ લેવાની હાકલ કરી હતી. આ સંકલ્પમાં જોડાવા માટે રાજકોટ જિલ્લા ભાજપ (ગ્રામ્ય)માં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની જાહેરાતને આવકારતા રાજકોટ જીલ્લા ભાજપા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, કેબીનેટ મંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, સાંસદો મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, ધારાસભ્યો ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તા.૨૧ થી ૨૭ મે સુધીના અભિયાનમાં લોકજાગૃતિ લાવીને લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે જેનાથી કોરોનાનો વાયરસ વધુ ન ફેલાય તે અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં વડીલો બાળકોને ઘરમાં જ રાખીએ, માસ્ક વિના જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું, બે ગજનું અંતર જાળવવું એમ ત્રણ મુદા આવરી લેવાયા છે.
તા.૨૨મીએ વડીલ સન્માન અભિયાન રાખવામાં આવેલ છે. જેમાં ઘરમાં આપણા વડીલ દાદા-દાદી સાથે સેલ્ફી લઈ હું પણ કોરોના વોરિયર હેશટેગ સાથે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માતા-પિતા, દાદા-દાદીનું સન્માન કરવામાં આવશે.
વધુમાં, આ સંકલ્પ અભિયાન વેળાએ પૂજ્ય મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, ગુણવંતભાઈ શાહ, જય વસાવડા સહીતના નામાંકિત પ્રતિષ્ઠિત લોકો જોડાશે. ઉપરાંત સમાજના અગ્રણીઓ, ધાર્મિક વડાઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, મહિલાઓ તેમજ યુવા અગ્રણી સહીત અનેક નામી લોકો જોડાશે
‘હુું પણ કોરોના વોરીયર’માં સ્વયંભૂ જોડાવા અનુરોધ કરતા ભાજપ અગ્રણીઓ
નિતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી તથા કમલેશ મિરાણી દ્વારા લોકોને આહવાન
દેશમાં કોરોના વાઇરસની મહામારીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા કોરોના વાયરસના નિયંત્રણ કામગીરી માટે અનેકાએન અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ધંધા-રોજગારને વધુ નુકસાન ન થાય તે માટે લોકડાઉન-૪માં દુકાનો સવારે ૮થી ૪ વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટછાટ આપેલ છે ત્યારે રાજયનો નાગરિક સ્વયંશિસ્ત જાળવી કોરોના સામે ના આ જંગમાં સંપૂર્ણ સતર્કતા દાખવે અને પોતાની તથા સમાજની સ્વસ્થતા માટે કટિબધ્ધ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા એક સપ્તાહ સુધી ‘હુ પણ કોરોના વોરિયર’ અભિયાન નો પ્રારંભ કરવામાં આવેલ છે. ત્યારે આ અભિયાનને સાર્થક બનાવવા વડીલો તથા બાળકો ઘરમાં જ રહીને સ્વસ્થ રહે, કોઇપણ જરૂરી કામ વગર બહાર ન નીકળે અને બહાર નીકળવા સમયે માસ્ક અચુક પહેરે, બહાર નીકળીને ‘દો ગજ દુરી’ એટલે કે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરે, દરેક નાગરિક પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધે તેનું ધ્યાન રાખે અને એક જાગૃત નાગરીક તરીકેનું કર્તવ્ય નિભાવે. ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ઘનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે આ અભિયાને આવકારતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનમાં જોડાઇને ગુજરાતને સુરક્ષીત બનાવવા માટે દૃઢ સંકલ્પ લે અને કોરોના ના સામે ના આ જંગમાં જોડાઇને સહભાગી બને અને ‘હુ પણ કોરોના વોરીયર’ અભિયાનને સાર્થક કરે.