ગામોને સેનેટાઇઝ, રાશન વિતરણનું મોનીટરિંગ, ક્વોરન્ટાઇન ઘરોની દિવસમાં બે વખત મુલાકાત, શ્રમિકોની ડેટા એન્ટ્રી અને
તેઓને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા તેમજ મનરેગાના કામો શરૂ કરવા સહિતની કામગીરી કર્મચારીઓ નિષ્ઠાભેર કરી રહ્યા છે
૫૦૦થી વધુ કર્મચારીઓએ ગ્રામ્ય કક્ષાએ દિવસ-રાત વધારાની કામગીરી સાથે રૂટીન વર્ક પણ જુસ્સાભેર કર્યું: તમામ કર્મચારીઓને બિરદાવતા તલાટી-કમ-મંત્રી મંડળનાં પ્રમુખ ચિરાગ ગરૈયા
પંચાયત વિભાગનાં તલાટી સહિતનાં કર્મચારીઓએ કોરોનાનાં કહેર વચ્ચે કાબીલેદાદ કામગીરી કરી છે તેઓએ કોરોના સંદર્ભે મળેલી જવાબદારી હોંશભેર નિભાવવાની સાથોસાથ પોતાની રૂટીન કામગીરી પણ જુસ્સાભેર કરી છે. જેથી તલાટી-કમ-મંત્રી મંડળનાં પ્રમુખ ચિરાગભાઈ ગરૈયાએ તમામ કર્મચારીઓની મહેનત અને લગનને બિરદાવી છે.
પંચાયત વિભાગનાં તલાટી કમ મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ મળીને કુલ ૫૫૦ જેટલા કર્મચારીઓને કોરોના સંદર્ભેની ખાસ કામગીરી સોંપવામાં આવી હતી જે જવાબદારી તમામ કર્મચારીઓ સુપેરે નિભાવી રહ્યા હોય તેઓની કામગીરીને બિરદાવતા રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળનાં પ્રમુખ ચિરાગભાઈ ગરૈયાએ જણાવ્યું હતું કે, પંચાયત વિભાગનાં કર્મચારીઓને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ ફરજ સોંપવામાં આવી હતી. જે-તે ગામને સંપૂર્ણ સેનેટાઈઝ કરવું, રાશન વિતરણમાં મોનીટરીંગ કરવું, કવોરોન્ટાઈન કરાયેલા ઘરોની દિવસમાં બે વખત મુલાકાત લઈને તમામ માહિતી એકત્રિત કરવી, કવોરોન્ટાઈન કર્યા હોય તેવા લોકોનાં વાહનોની ચાવી કબજે લેવી, પરપ્રાંતિય શ્રમિકોની નોંધણી કરવી તેના આધારે ટ્રેનમાં મોકલવાની કામગીરી કરવી, ટ્રેનનાં ભાડાની રકમ ઉઘરાવવી, મનરેગાનાં કામો ચાલુ કરાવીને શ્રમિકોને રોજગારી મળી રહે તે કામગીરી કરવી આ સહિતની અનેકવિધ કામગીરી પંચાયત વિભાગનાં કર્મચારીઓને સોંપવામાં આવી હતી.
આ સાથે કર્મચારીઓની મુળ કામગીરી એવી વેરા વસુલાત, ધિરાણ, જન્મ-મરણનાં દાખલા, આવકનાં દાખલા કાઢી આપવાનું ચાલુ જ રાખવામાં આવ્યું હતું. આમ કોરોનાનાં કહેર વચ્ચે જે રાષ્ટ્ર સેવા બજાવવાનો મોકો મળ્યો હતો તેનો કર્મચારીઓએ લાભ લઈને પોતાનો દેશપ્રેમ દર્શાવ્યો છે. સાથોસાથ પોતાની રૂટીન કામગીરીને પણ ખલેલ પડવા દીધી નથી. વધુમાં ચિરાગભાઈ ગરૈયાએ ઉમેર્યું કે, તાજેતરમાં મહેસુલ મંડળે પંચાયત સેવાનાં કર્મચારીઓ વિશે જે નિવેદન આપ્યું તે ખોટું હતું. પંચાયત વિભાગનાં કર્મચારીઓએ કોરોનાની કપરી સ્થિતિમાં દિવસ-રાત કામગીરી કરી જ છે અને હજુ કરતા રહેશે. પંચાયત સેવાનાં તમામ કર્મચારીઓની ફરજ નિષ્ઠાને હું બિરદાવું છું.
અંતમાં તેઓએ જણાવ્યું કે, અન્ય કચેરીઓમાં જયારે ૩૩ ટકા કર્મચારીઓને બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે તલાટીઓ ૧૦૦ ટકા હાજરી આપીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રવિવારે પણ તેઓ અવિરતપણે પોતાની કામગીરી ચાલુ રાખીને દેશદાઝ દેખાડી રહ્યા છે.