જે પરીક્ષા યોજાઈ છે તેના પરિણામ મે માસનાં અંત સુધીમાં જાહેર કરવામાં આવશે: પીજી સેમેસ્ટર-૪ની ૧૫મી જુનથી અને પીજી સેમેસ્ટર-૨ની ૨૫મીથી પરીક્ષા યોજાશે: જુલાઈમાં પીએચડી વાયવા લેવાયા બાદ બીએડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીનો દૌર ચાલી રહ્યો છે ત્યારે આજથી રાજયમાં લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી છે ત્યારે તમામ સરકારી કચેરીઓમાં ૫૦ ટકા સ્ટાફની હાજરીથી કામકાજ ફરીથી ધમધમતું થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગામી તા.૧૫મી જુનથી પીજી સેમે.૪ની પરીક્ષા અને ૨૫મી જુનથી પીજી સેમે.૨ની પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે. પીજી સેમેસ્ટર-૪નાં વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ભરાઈ ગયા હોય તેમની પરીક્ષા આગામી તા.૧૫મી જુનથી યોજવા નિર્ણય કરાયો છે તેમજ પીજી સેમે.૨ની પરીક્ષાનાં ફોર્મ ભરવાના બાકી હોય તે ભરવા ૩૧ મેથી પ્રક્રિયા હાથ ધરાશે અને ૫ દિવસમાં વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવાનો સમય પણ આપી દેવામાં આવશે. બંને પરીક્ષાઓ જુનમાં યોજાયા બાદ ૫ થી ૧૦ જુલાઈ વચ્ચે પરીણામ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ પીએચડીનાં વાયવા લેવામાં આવશે અને બીએડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વહિવટી કામ ફરીથી શરૂ થયું છે. લોકડાઉનનાં કારણે તમામ પરીક્ષાઓ મોકુફ રખાઈ છે જોકે યુજીની સેમેસ્ટર-૬ની પરીક્ષાઓ લેવામાં આવી હતી જેમાં બીબીએ અને જર્નાલીઝમની બે-બે વિષયોની પરીક્ષાઓ લેવાની બાકી રહી ગઈ છે તે પરીક્ષા ૧૫મી જુન બાદ લેવામાં આવશે. આ ઉપરાંત ૧૫મી જુનથી પીજી સેમેસ્ટર-૨ અને સેમેસ્ટર-૪ની પરીક્ષા પણ લેવામાં આવશે અને આ તમામ પરીક્ષાનાં પરીણામ ૧૦ જુલાઈ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે ત્યારબાદ પીએચડીનાં વાયવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે પૂર્ણ થયા બાદ બીએડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે જે પરીક્ષાઓ લેવાઈ ગઈ છે એ પરીક્ષાનાં પરીણામ મે માસનાં અંત સુધીમાં જ જાહેર કરી દેવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, યુજી સેમ-૨ અને સેમ-૪ની પરીક્ષાઓ લેવાની બાકી છે જોકે હાલની પરિસ્થિતિ જોતા રાજય સરકાર દ્વારા આગામી થોડા દિવસોમાં જ પરીપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓને પ્રોરેટા મુજબ જ માર્ક આપીને આગળનાં વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવશે જોકે આ વાત હજુ પાકી થઈ નથી. આગામી થોડા દિવસોમાં તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે.
અભ્યાસક્રમોમાં કોરોનાનાં ચેપ્ટર ભણાવાશે
હવે કોરોના સાથે જીવવાની આદત લોકોએ પાડવી જ પડશે અને તેને લઈ માનવ સંશાધન વિકાસ મંત્રાલય તેમજ યુજીસીએ પણ અભ્યાસક્રમમાં કોરોનાનાં ચેપ્ટર ઉમેરવા માટેની સલાહ આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અધિકારીઓએ તેની તમામ ફેકલ્ટીમાં કોરોનાનાં ચેપ્ટર ઉમેરો કરવાની દિશામાં કવાયત હાથધરી છે જોકે હજુ યુજીસીની કોઈ ગાઈડલાઈન આવી નથી પરંતુ જે રીતે કોરોનાએ સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી છે તેને જોતા લાગે છે કે, નવા સત્રથી અભ્યાસની અંદર કોરોનાનાં ચેપ્ટર પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.