ખારચીયા ગામે વોચમાં રહી રાત્રે ૨ વાગ્યે પોલીસને સાથે રાખી ખેલ પાડયો
ઉપલેટા વિસ્તારનાં રોડ-રસ્તા ઉપરથી પસાર થવા ખનીજ માફીયાઓ માટે સ્વર્ગ સમાન મનાય છે પણ છેલ્લા ચાર માસ થયા હવે ખનીજ માફીયાના દિવસો પુરા થવા જઈ રહ્યા હોય તેવું ગતરાત્રીના મામલતદારે બોલાવેલા સપાટા ઉપરથી ઉપસી આવ્યું છે. ઉપલેટાના વિવિધ રસ્તાઓ ઉપરથી જિલ્લાના તમામ તાલુકાઓ વચ્ચે નજીવું અંતર હોવાથી અતિ ક્રિમ કહી શકાય તેવો ખનીજચોરીનો વ્યવસાય કરતા ભુમાફીયાઓ પોરબંદર, જામનગર, જુનાગઢ જીલ્લાનાં માણાવદર, ભાયાવદર, કોલકી, પાનેલીવાળા રસ્તાઓ ઉપરથી પસાર થવાથી આ રસ્તો મોડીરાત્રે સાવ સુમસામ હોવાથી તેનો ભરપુર લાભ ખનીજ માફીયાઓ ઉઠાવી રહ્યા છે.
આ વાત તાલુકા મામલતદાર જી.એમ.મહાવદીયાના ધ્યાન ઉપર આવતા છેલ્લા ઘણા દિવસોથી વોચમાં રહી ગતરાત્રે તાલુકાનાં ખારચીયા ગામની ગોલાઈમાંથી જામનગર તરફથી સફેદ લાઈમ સ્ટોન ભરી આવી રહેલા ટ્રક નં.જી.જે.૧૦ ટીટી ૯૨૬૧, જી.જે.૧૦ ટીટી ૮૧૬૫, જી.જે.૧૦ એકસ ૭૯૦૫ સાથે તમામ ટ્રકના કિલીનર, ડ્રાઈવર સાથે પકડી પાડયા હતા. પકડાયેલા ટ્રકના મુદામાલની કિં.૪૮.૩૦ લાખ જેવી થાય છે. રૂ.૪૮ લાખના મુદામાલ સાથે ઝડપી પાડેલા ત્રણેય ટ્રકોને ભાયાવદર પોલીસને સોંપી આપ્યા હતા. હાલ કોરોના જેવી મહામારીમાં અધિકારીઓ ઉંધા માથે કામગીરી કરી રહ્યા છે તેવા સમયની વચ્ચે પણ રાષ્ટ્રીય સંપતિનું જતન કરવું તે સરકારી અધિકારીની ફરજ છે અને સંપતિને કોરીખાન અને વેચી મારતા શખ્સોની શાન ઠેકાણે લાવવી તે એક અધિકારીની ફરજનો ભાગ છે. આમ ગઈકાલે મામલતદાર જી.એમ.મહાવદીયા પોલીસ પાર્ટી સાથે રાખી ૪૮ લાખથી વધુ ખનીજ ચોરી પકડી પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.