સીસીટીવી ફુટેજના આધારે કામાંધ શખ્સને ઝડપી લેવામાં એલસીબીને મળી સફળતા
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા જાહેર કરાયેલા લોકડાઉનમાં જેતપુરમાં ફસાયેલા રાજકોટના ફકીર પરિવારની ચાર વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા પરપ્રાંતિય નરાધમને ઝડપી લેવામાં એલસીબીને સફળતા મળી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગેબનશાહ પીરની દરગાહ પાસે ફુલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ફકીર યુવક પોતાની બે પુત્રી અને પત્ની સાથે જેતપુર ખાતે ભિક્ષાવૃતિ માટે આવ્યા હતા તે દરમિયાન લોક ડાઉન જાહેર થતા ફકીર પરિવાર જેતપુરમાં જ ફસાયો હતો.
જેતપુરના નવાગામ ચોકડી નજીક હાઇ-વે પર છેલ્લા દોઢ થી પોણા બે માસથી પડયા પાથર્યા રહેતા અને અન્નક્ષેત્રમાંથી જમવાનું મેળવી રહેતા પરિવારને જેતપુર પોલીસે લોક ડાઉન દરમિયાન અહીં જ રહેવાની સુચના આપી હતી. ફકીર પરિવારે પણ નજીકમાં પોલીસ ફરજ બજાવતા હોવાથી નિશ્ચિંત બની દરરોજ ફુટપાથ પર સુઇ જતા હતા. ગતરાતે માતા અને પિતાની વચ્ચે સુતેલી ચાર વર્ષની માસુમ બાળકીને અજાણ્યો શખ્સે બાળકીનું અપહરણ કરી શનિવારી બજાર ભરાય છે તે મેદાનમાં લઇ જઇ દુષ્કર્મ આચરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
બાળકી પર બળાત્કાર ગુજારી ભાગી રહેલા શખ્સના સીસીટીવી ફુટેજ મળી આવતા એલ. સી.બી. પી.આઇ. એમ.એન.રાણા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, બ્રિજરાજસિંહ જાડેજા, રહિમભાઇ દલ, મહેશભાઇ જાની, દિવ્યેશભાઇ સુવા, અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના સ્ટાફે જેતપુર નવાગઢ ગઢની રાંગ પાસે મુળ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના બસઇ ગામના વતની સોનુ જગદીશ ચૌહાણ નામના ૨૨ વર્ષના શખ્સને ઝડપી લીધો છે.
મુળ ઉત્તર પ્રદેશના વતની સોનુ ચૌહાણ લાંબા સમયથી જેતપુરમાં સ્થાયી થઇ મજુરી કામ કરતો હોવાની અને બે દિવસ પહેલાં નવાગઢ હાઇ-વે પર સુતેલા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની કબુલાત આપી છે.