સંક્રમણને રોકવા ૨૦૭૨ ઘરનો રોજ ૩૦ ટીમ દ્વારા આરોગ્ય સર્વે હાથ ધરાયો
ભેસાણમાં તા. ૫ મે ના કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાયા હતા.આથી ભેસાણ વિસ્તારમાં કોરોનાના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ પગલા લેવાયા છે. જેમાં દરરોજ ૩૦ ટીમ દ્વારા ભેંસાણના ૨૪૭૨ ઘરની મુલાકાત લઈ ૧૧૧૩૦ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. ઉપરાંત ભેસાણ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બે ક્લીનીક શરૂ કરાયા છે.જેથી લોકોને તાત્કાલિક આરોગ્ય વિષયક સારવાર મળી રહી હોવાનું ભેસાણના તાલુકા હેલ્થ ઓફિસર ડો.એસ.એે. સમાએ જણાવ્યું હતું.
દરમિયાન ભેસાણના કન્ટેન્મેન્ટ એરિયાની જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ વડા સૌરભ સીંઘે પણ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓની ફિલ્ડ કામગીરી, આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને સતત અપાતા માર્ગદર્શન લોકોને પૂછાતા પ્રશ્નો સહિતની વિગતો મેળવી હતી. અને કન્ટેન્મેન્ટ વિસ્તારના ઘરોની મુલાકાત લેવા સાથે આરોગ્ય કર્મચારીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું .