રાજકોટ જિલ્લાનું ૮૪.૬૯ ટકા, છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું ૩૨.૬૪ ટકા પરિણામ: વિદ્યાર્થીઓએ મેદાન માર્યું, વિદ્યાર્થીનીઓ કરતા વિદ્યાર્થીઓનું ૦.૮૪ ટકા વધુ પરિણામ: ૧૦૦ ટકા પરિણામ લાવનાર અને ૧૦ ટકા કરતા ઓછું પરિણામ લાવનાર શાળાઓની સંખ્યા વધી
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૧.૩૪ ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ૭૧.૩૪ ટકા પરિણામ જાહેર કરાયું છે. ગત વર્ષ કરતા આ વખતનું પરિણામ માત્ર અડધો ટકા જ ઓછું આવ્યું છે. ગત વર્ષે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૧.૯૦ ટકા આવ્યું હતું જયારે આ વર્ષે પરિણામમાં ૦.૫૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વખતે પણ સૌથી વધુ પરિણામ ધરાવતા રાજકોટ જિલ્લાનું ૮૪.૬૯ ટકા પરિણામ આવ્યું છે. જયારે સૌથી ઓછું પરિણામ પણ આ વખતે છોટા ઉદેપુર જિલ્લાનું ૩૨.૬૪ ટકા પરિણામ રહ્યું છે.
વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં વિદ્યાર્થીનીઓને પછાડતા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૬૯ ટકા આવ્યું છે જયારે વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૦.૮૫ ટકા રહ્યું છે.
આમ વિદ્યાર્થીનીઓ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ ૦.૮૪ ટકા વધુ આવ્યું છે.
માર્ચ-૨૦૨૦માં લેવામાં આવેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રાજયનાં ૧૩૯ કેન્દ્રો પરથી લેવામાં આવી હતી જેમાં ૧.૪૩ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ૧,૪૨,૧૭૭ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજયમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર આ વર્ષે પણ ધ્રોલ રહેવા પામ્યું છે. ધ્રોલ કેન્દ્રનું પરીણામ ૯૧.૪૨ ટકા આવ્યું છે જયારે સૌથી ઓછું પરીણામ લીમખેડા કેન્દ્રનું ૨૩.૦૨ ટકા રહેવા પામ્યું છે. રાજયમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે. ગત વર્ષે ૩૫ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું જયારે આ વખતે ૩૬ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જયારે ૧૦ ટકા કરતા ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે ૪૯ શાળાઓનું પરિણામ ૧૦ ટકા કરતા ઓછું હતું જયારે આ વર્ષે ૬૮ શાળાઓનું પરિણામ ૧૦ ટકા કરતા ઓછું આવ્યું છે.
ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ ૩.૨૫ ટકા વધુ આવ્યું છે. એ ગ્રુપનાં વિદ્યાર્થીઓનું પરિણામ ૭૬.૬૨ ટકા, બી ગ્રુપનાં વિદ્યાર્થીઓનું પરિણામ ૬૮.૨૧ ટકા આવ્યું છે. આ વખતે ગેરરીતીની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ગત વર્ષે ૩૬૫ કોપી કેસની સામે ચાલુ વર્ષે ૧૨૭ કોપી કેસ નોંધાયા છે.
સર્વોદય સાયન્સ સ્કૂલનું ઝળહળતું પરીણામ
અત્રેના પી.ડી. માલવીયા કોલેજ કેમ્પસ પાસે, રાજકોટમાં આવેલ સર્વોદય સાયન્સ સ્કૂલમાં બોર્ડના ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માર્ચ-૨૦૨૦ના પરિણામમાં આ શાળાના વિદ્યાર્થીઓ ધામેલિયા દિગ્ના-૯૮.૯૦ પીઆર, વસાણી કશ્યપ ૯૮.૮૯ પીઆર, ટીંબડિયા કશ્યપ ૯૮.૬૫ પીઆર સાથે સુંદર પરિણામ મેળવેલ છે. આ તકે સંસ્થાના સંસ્થાપક ભરતભાઇ ગાજીપરાએ શાળાના સુંદર પરિણામ માટે સાયન્સની સમગ્ર ટીમની કામગીરીને બીરદાવેલ છે. સાથો સાથ વિદ્યાર્થીઓએ માત્ર પરિણામલક્ષી જ નહી પરંતુ જીવન ઉપયોગી બાબતો પણ પ્રાપ્ત કરી છે. આ સુંદર પરિણામ માટે વિદ્યાર્થીઓને શાળાનું ઉતમ માર્ગદર્શન, વાલીઓનો મોરલ સપોર્ટ અને વિદ્યાર્થીઓની મહેનતમનો સમન્વય છે. આ તકે ભરતભાઇ ગાજીપરાએ સમગ્ર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અભિનંદન આપેલ છે.
ધોરણ ૧ર સાયન્સમાં ૯૮ થી વધુ ઙછ મેળવતા મોદી સ્કૂલના ર૭ વિદ્યાર્થીઓ
બુચ કવન અને સૌરભ સાંગાણી ૯૯.૯૯ પી.આર. સાથે બોર્ડમાં ફર્સ્ટ
ધોરણ ૧ર સાયન્સ ૨૦૨૦ના પરિણામમાં મોદી સ્કુલનું નામ દીપાવ્યું છે. મોદી સ્કુલના તેજસ્વી વિદ્યાર્થી બુચ કવન અને સૌરભ સંગાણીએ ૯૯.૯૯ પી.આર. મેળવી બોર્ડમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત પલ પટેલે ૯૯.૯૧ પી.આર. મેળવી બોર્ડમાં નવમું સ્થાન હાંસલ કર્યુ છે. મોદી સ્કુલના ર૬ વિદ્યાર્થીઓએ ૯૯ થી વધુ પી.આર. ૧૦૯ વિદ્યાર્થીઓએ ૯૫ થી વધુ પી.આર. તેમજ ર૧૭ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પી.આર. પ્રાપ્ત કરી શાળા-પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
૧૩ કલાકના વાંચનથી ૯૯.૯૯ પીઆર મેળવવામાં સફળ રહ્યો: બુચ કવન
આ તકે કવન બુચ જણાવે છે કે મારે ધોરણ ૧૦ માં ૯૯.૯૦ પી.આર. હતા. આજે મારે ધોરણ ૧ર સાયન્સમ)ં ૯૯.૯૯ પી.આર છે. સૌથી શ્રેષ્ઠ સ્કુલ મોદી બોડિંગ સ્કુલ સાથે જોડાયા પછી મારું રીઝલ્ટ ઘણું ઇમ્પ્રુવ થયું. કારણ કે અહિં અમો સવારે ૫.૩૦ વાગ્યે ઉઠી જતાં અડધો કલાક યોગા-પ્રાણાયમ કરતા, રોજ સરેરાશ પ કલાકના કલાસ રહેતા ઉપરાંત રોજનું સરેરાશ ૮ કલાક જેટલું સુપરવાઇઝરની દેખરેખ હેઠળ રીડીંગ રહેતું. આજે આ રીઝલ્ટ માટે હું મોદી સ્કુલનો આભારી છું. હોસ્ટેલમાં અમારા શેડયુલ પ્રમાણે વાંચવા માટે દિવસમાં મળી જતા હતા.
લાઇબ્રેરીના સાહિત્ય અને વૈજ્ઞાનિક ઢબે લેવાતી પરીક્ષાથી મારું પરિણામ ઉજ્જવળ આવ્યુ: સાંગાણી સૌરવ
સાંગાણી સૌરવ આ તકે જણાવે વે કે મારે ધો. ૧૦ માં ૯૯.૯૮ પી.આર આવેલા ત્યારે મેં એમબીબીએસ બનવાનું સ્વપ્ન જોયું તે સાકાર કરવા માટે સાયન્સની નામાંકિત મોદી સ્કુલમાં ધો. ૧૧ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો. મારા પિતા નાના ઉઘોગમાં કામ કરે છે. સાધારણ પરિસ્થિતિ હોવા છતાં પણ સાયન્સમાં સારી સ્કુલમાં અભ્યાસ કરવા પ્રેરણા આપી તે બદલ તેમનો આભારી છું. હું સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી સ્કુલ પર જ મહેનત કરતો, પછી સાંજે ઘરે જઇને ર થી ૩ કલાક મહેનત કરતો. આચાર્ય મોદીનું સતત માર્ગદર્શન, ટીચર્સ દ્વારા સતત ડાઉટ સોલ્વ થતા: પુષ્કળ સાહિત્ય ધરાવતી શાળાની લાઇબ્રેરી, વૈજ્ઞાનિક ઢબે સમયાંતરે લેવાતી પરીક્ષાઓના કારણે મારું આ પરિણામ શકય બન્યું છે.
મારી સફળતાનો શ્રેય માતા-પિતા તથા મોદી સ્કૂલને: ઓડેદરા કાંધલ
ઓડેદરા કાંધલ આ અંગે જણાવ્યું હતું કે હું પોરબંદરના નાના એવા આદિપરા ગામમાંથી આવું છું ધો. ૧૦ માં ૮૬ ટકા મેળવ્યા હતા. બાદમાં સાયન્સ રાખવાનું નકકી કરતા મારા માતા-પિતા એ તપાસ કરતા રાજકોટની ઘણી બધી સ્કુલો જોઇને અંતે મોદી સ્કુલ પસંદ કરી, આજે મને ધોરણ ૧ર સાયન્સમાં ૯૯.૭૧ પી.આર. આવેલ તે માટેનું શ્રેય મારા માતા-પિતા તથા મોદી સ્કુલને આપું છું.
ઓસમ પાઠક સ્કૂલ ધોરણ-૧૨ સાયન્સના વિદ્યાથીઓનો ઉતકૃષ્ટ દેખાવ
ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-૧૨ સાયન્સ, માર્ચ-૨૦૨૦ની પરીક્ષામાં શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ઓએસએમએમ પાઠક સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજયોત્તર વિજયી પરિણામ પ્રાપ્ત કરેલ છે. શાળાનું પરિણામ ૯૩.૦૬% આવેલ છે તથા શાળાના ૨ વિદ્યાર્થીઓએ એ૨ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. શાળમાં પ્રથમ ક્રમાંકે પાદરીયા ઋત્વી એચ. આવેલ છે તેઓએ ૯૮.૯૭ પીઆર મેળવેલ છે, બીજા ક્રમે વેકરીયા યશ્વી જે. આવેલ છે. તેમણે ૯૮.૬૬ પીઆર મેળવેલ છે તથા ૯૭.૩૩ પીઆર સાથે ગામી મિસરી એમ. ત્રીજા ક્રમે આવેલ છે. તેમજ ૮ વિદ્યાર્થીઓ ૭૦ યુપી પીઆર મેળવી શાળા તથા પરિવારનું નામ રોશન કરેલ છે. આ શ્રેષ્ઠ પરિણામ બદલ શાળાના મે.ટ્રસ્ટી ભવ્યદિપસિંહ જેઠવા, ટ્રસ્ટી દિલપભાઇ પાઠક તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શુભેચ્છાઓ પાઠવે છે તથા શાળાના શિક્ષકગણનો પણ આભાર વ્યકત કરે છે, કે જે સફળતાના ભાવી શીખરો સર કરી મુકત વિહંગની જેમ અંબરમાં પોતાના સ્વપ્નોને સાકાર રહે.
ધોરણ-૧૨ સાયન્સના પરિણામમાં ધોળકિયા સ્કૂલની વણથંભી વિજયકુચ
બોર્ડ ટોપ-ટેનમાં ૩ વિદ્યાર્થી, ૯૯ પીઆર કે તેથી વધુ ૨૩ વિદ્યાર્થી
માર્ચ-૨૦૨૦માં લેવાયેલી બોર્ડ પરીક્ષાના પરિણામો માટે વિદ્યાર્થી અને વાલીજગત કાગડોળે રાહ જોઇ રહ્યા હોય છે તેવા સમયે ધો.૧૨ સાયન્સનું બોર્ડનું પરિણામ જાહેર થયું. ઓનલાઇન જાહેર થયેલા ધો.૧૨ સાયન્સના આ પરિણામમાં ધોળકિયા સ્કૂલનું ધમાકેદાર પરિણામ આવ્યું છે.
ધોળકિયા શાળા પરિણામોના વિજયપર્વની ઉજવણીમાં મોખરે રહેતી હોય છે. પરંતુ હાલ ચાલી રહેલા કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે ઉજવણી શકય ન બનતા શાળાના ટ્રસ્ટી જીતુભાઇ ધોળકિયા તથા કૃષ્ણકાંતભાઇ ધોળકિયા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શુભેચ્છા સાથે આર્શીવાદ આપ્યા હતો સમગ્ર રાજકોટ શહેરમાં સ્ટાર રેન્કર્સ સાથે ધોળકિયા સ્કૂલે શિક્ષણ જગતમાં સર્વોપરીતા જાળવી રાખી છે.
તાજેતરમાં જાહેર થયેલ ધો.૧૨ સાયન્સના બોર્ડ પરિણામાં ૭૭.૯૭ પીઆર સાથે તેજવાણી સંવેદના બોર્ડ માં ત્રીજા સ્થાને ૯૯.૯૫ પીઆર સાથે ભૂત હેત બોર્ડમાં પાંચમાં સ્થાને તથા ૯૯.૯૨ પીઆર સાથે વઘાસીયા નિખિલ બોર્ડમાં આઠમું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધાયું હતું.
આ તકે મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણાકાંતભાઇ ધોળકિયા તથા જીતુભાઇ ધોળકિયાએ વાલીઓનો આભાર માનતા જણાવ્યુ કે અમારા પાંચ દાયકાના શિક્ષણક્ષેત્રના અનુભવ પર વિશ્ર્વાસ રાખી પોતાના બાળકોનો હાથ અમોને સોંપનાર વાલીઓના વિશ્ર્વાસને કારર્કિદી ઘડતરને સાકાર કરવા ધોળકિયા સ્કૂલ હરહંમેશ કટિબધ્ધ રહેશે તેવી પ્રતિબધ્ધતા વ્યકત કરી વિદ્યાર્થી તથા વાલીગણને શુભેચ્છા સાથે આભાર વ્યકત કર્યો હતો.
ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં ઝળહળતું પરિણામ
ટ્રક ડ્રાઈવરના સંતાને ૯૯.૨૩ પીઆર પ્રાપ્ત કરી ક્રિસ્ટલ સ્કૂલ્સનું ગૌરવ વધાર્યું
ટ્રક ડ્રાઈવરના સંતાને ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૨૩ પીઆર પ્રાપ્ત કરી ક્રિસ્ટલ સ્કુલનું ગૌરવ વધાર્યું છે. પિતા જગદીશભાઈ અંબુજા ફેકટરીમાં ડ્રાઈવરનું કામ કરે છે. પુત્ર વાજા હરદીપ ૧૧-૧૨ સાયન્સમાં રાજકોટની નામાંકિત સ્કૂલ્સ ક્રિસ્ટલમાં અભ્યાસ કરી ૯૯.૨૩ પીઆર પ્રાપ્ત કરી તેના માતા-પિતા અને શાળા પરીવારનું ગૌરવ વધાર્યું છે. મારા દિકરાએ અમારો થાક ઉતારી દીધો એમ જણાવી ક્રિસ્ટલ સ્કૂલ્સનો આભાર વિદ્યાર્થીનાં પિતાએ માન્યો છે. એન્જીનીયરીંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવનાર હાર્દિક સારો ગાયક પણ છે. હાર્દિકે તેમની સફળતાનો શ્રેય હોસ્ટેલમાં રહેલા શેડયુલ્ડને, શાળાની તજજ્ઞ શિક્ષક ટીમ અને કોટાથી આવતી જેઈઈ-નીટ માટેનાં અભ્યાસ કરાવતી શિક્ષક ટીમને આપ્યો હતો તેમને શાળાનાં ચેરમેન દ્વારા લેવામાં આવતા ઉત્સાહપૂર્વક સેમીનારથી પોતાનું મોરલ વઘ્યું અને શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કરી શકયો તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સરસ્વતી વિદ્યામંદિરનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૩૫ ટકા શ્રેષ્ઠ પરિણામ
રાજકોટમાં એ-વન ગ્રેડ મેળવનાર ૭ વિદ્યાર્થીઓમાંથી ૧ વિદ્યાર્થીની સરસ્વતી શિશુમંદિરની હોવાનું ગૌરવ: અપૂર્વભાઇ મણીઆર
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વિક્રમજનક દેખાવ કરતા ઐતિહાસિક પરિણામ હાંસલ કરી ઘર, પરિવાર, સંસ્થા સહિત શહેરનું સમગ્ર રાજ્યમાં નામ રોશન કર્યું છે. આ વર્ષે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માત્ર ૭૧.૩૪ ટકા આવ્યું છે ત્યારે રાજકોટનાં મારૂતિનગર, એરોડ્રામ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર સંકુલનું ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૩૫ ટકા આવ્યું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં જાહેર થયેલા પરિણામોમાં રાજકોટની સરસ્વતી વિદ્યામંદિર સંકુલની વિદ્યાર્થીની કારિયા ઉર્વીએ ૯૯.૯૬ સાયન્સ પીઆર સાથે બોર્ડમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે તેમજ શાળાની અન્ય વિદ્યાર્થીનીઓ રામ પ્રિયા ૯૯.૭૪ પીઆર, વાઘેલા પૂર્વી ૯૫.૦૮ પીઆર મેળવ્યા છે.
સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં પરિણામ વિશે જણાવ્યું હતું કે, રાજકોટનાં મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા વિસ્તારમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં ધોરણ ૧થી ૧૨ કોમર્સનો અભ્યાસક્રમ વર્ષોથી ચાલે છે. દર વર્ષે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામોમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં છાત્રો બોર્ડનાં ટોપ ટેનમાં સ્થાન મેળવતા હોય છે. અલબત્ત શાળાનું પરિણામ પણ ૧૦૦ ટકા આવતું હોય છે. આ દરમિયાન આજથી બે વર્ષ અગાઉ સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારૂતિનગર ખાતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેની પ્રથમ બેંચનું પરિણામ આજે આપણી સમક્ષ છે કે, ગુજરાતનાં કુલ ૪૪ એવન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી ૭ એવન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ રાજકોટનાં છે અને રાજકોટનાં એવન ગ્રેડ મેળવનારા ૭ વિદ્યાર્થીઓમાંથી ૧ વિદ્યાર્થીની સરસ્વતી શિશુમંદિરની છાત્ર છે.
દસકોથી સરકાર માન્ય વ્યાજબી ફી લઈ કુદરતી-નૈસર્ગિક વાતાવરણમાં સંપૂર્ણ શાળાકીય સુખ સગવડતા સાથે ચાલતા સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં વિશાળ મેદાનથી લઈ અદ્યતન પુસ્તકાલય અને પ્રયોગશાળા છે. અહી માતૃભાષામાં મૂલ્યનિષ્ઠ – સંસ્કારયુક્ત શિક્ષણ આપી બાળકોનો સર્વાંગી વિકાસ કરવા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. સ્વ. પ્રવીણકાકા અને સ્વ. પી.વી. દોશીજીનાં મહેનત – માર્ગદર્શનમાં શાળાની પ્રતિષ્ઠા – વિદ્યાર્થીઓનું પરિણામ જ અમારો પૂર્ણ પરિચય છે. શિશુમંદિરથી ધોરણ ૧૨ સુધી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ પ્રક્રિયા ફોન નંબર ૯૪૨૯૫૬૭૧૦૭ પર સીધી જ શરૂ થઈ ગઈ છે. સરકાર માન્ય વ્યાજબી ફીમાં શ્રેષ્ઠ સુવિધાઓ સાથે સર્વશ્રેષ્ઠ શિક્ષણ પોતાના બાળકોને આપવા ઈચ્છતા વાલીઓ આજે જ સંપર્ક કરે એવું જણાવતા અપૂર્વભાઈ મણીઆરે સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનાં ટોપ ટેનમાં સ્થાન હાંસલ કર્યું છે એ બદલ ગૌરવની લાગણી અનુભવી હતી.
આ સાથે જ સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, ટ્રસ્ટીશ્રીઓ પલ્લવીબેન દોશી, કેતનભાઈ ઠક્કર, રમેશભાઈ ઠાકર, અનીલભાઈ કિંગર, રણછોડભાઈ ચાવડા, હસુભાઈ ખાખીએ પણ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વિક્રમજનક પરિણામ મેળવવા બદલ શાળાનાં વિજ્ઞાન પ્રવાહનાં પ્રધાનચાર્ય મયુરભાઈ અને તેમના સમગ્ર સ્ટાફ, સર્વે આચાર્યો તેમજ સૌ વિદ્યાર્થીઓ, વાલીઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ખેડુતના પુત્રએ ૯૯.૮૩ પીઆર મેળવી ક્રિસ્ટલ સ્કૂલ પરિવારનું નામ રોશન કર્યું
ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા બોડા નરોતમભાઈનાં દીકરા આરજુએ ૧૨ સાયન્સમાં ૯૯.૮૩ પીઆર લાવી માતા-પિતાની મહેનતને યશ આપ્યો છે અને ક્રિસ્ટલ સ્કુલનું ગૌરવ વધાર્યું છે. ક્રિસ્ટલ સ્કુલનાં ચેરમેન રણજીતભાઈએ બાળકનો બે વર્ષ સુધી રહેવા-જમવા અને ભણવાનો ખર્ચ ઉપાડયો. વિદ્યાર્થીઓ પણ સંચાલકની આ ભાવનાને સમજી શ્રેષ્ઠ પરીણામ લાવી શાળાનું ગૌરવ વધાર્યું છે. બે વર્ષ પહેલા વિદ્યાર્થીએ સંચાલકને કહ્યું કે સર આપે મને આટલી મદદ કરી તો તેને બદલો હું પરીણામથી આપીશ. જે આજે તેમણે કરી બતાવ્યું છે. ક્રિસ્ટલ સ્કૂલસમાં ફ્રી માં ભણાવી મારા દિકરાનું ભવિષ્ય બનાવ્યું તે માટે ક્રિસ્ટલ સ્કૂલ્સનાં ચેરમેન રણજીતભાઈનો વિદ્યાર્થીના પિતા નરોતમભાઈએ આભાર માન્યો છે.