૪ હજાર એકમોને પાસ તથા મંજુરી મળી રહે તે માટે કલેકટર તંત્ર સાથે લોઠડા ઈન્ડસ્ટ્રીઝ એસો.નાં સભ્યો દ્વારા અપાઈ રહી છે નિ:શુલ્ક સેવા
કોરોનાને લઈ જે લોકડાઉન જોવા મળી રહ્યું છે ત્યારે આ લોકડાઉનમાં સરકાર ઉધોગોને ફરી શરૂ કરવા માટે પણ સુચન કર્યું છે. હાલનાં તબકકે રાજકોટ ખાતે આવેલા શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ, લોઠડા-પડવલા તથા પીપલાણા ઈન્ડસ્ટ્રીઝ, મેટોડા, જીઆઈડીસી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ કોઠારીયા વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોને પાસ તથા મંજુરી મળી રહે તે માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ પહેલા ૧ હજાર રૂપિયા લઈ કોઠારીયાના ઔધોગિક એકમોને મંજુરી આપવાની વાત સામે આવી હતી પરંતુ તે પ્રકારનું એકપણ કામ ન થતા તંત્ર સામે એ પ્રશ્ર્ન ઉદભવિત થયો હતો કે આ ઔધોગિક એકમોને ફરી કેવી રીતે ચાલુ કરી શકાય. આ મુદાને ધ્યાને લઈ કલેકટર તંત્ર દ્વારા લોઠડા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને હાર્ડવેર એસોસીએશનનાં સેક્રેટરી જયંતીભાઈ સરધારાને માહિતગાર કરવામાં આવ્યા જે અન્વયે તેઓએ અને તેમના એસોસીએશને નિ:શુલ્ક સેવા આપવાનો પ્રણ લઈ કોઠારીયાનાં આશરે ૪ હજાર ઔધોગિક એકમોને જરૂરીયાત મુજબની મંજુરી અને તેઓને પાસ મળી રહે તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ અંગેની જાણ થતાં અબતક મીડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાનો અહેવાલ પ્રાપ્ત કર્યો હતો. આ તકે જયંતીભાઈ સરધારાએ અબતક મીડિયા સાથે સવિશેષ વાતચીત કરી હતી અને કામગીરી વિશે માહિતગાર પણ કર્યા હતા. તેમની સાથે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓએ આ કામગીરીને બિરદાવી હતી.
લોઠડા એસોસિએશન દ્વારા કરવામાં આવતી કામગીરી પ્રશંસનીય: ગોવિંદભાઈ પટેલ
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા કોઠારીયા વિસ્તારનાં ઔધોગિક એકમોને જરૂરીયાત મુજબની પુરતી મંજુરી અને પાસ મળી રહે તે માટે જે બીડુ લોઠડા એસોસીએશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેને બિરદાવવામાં આવ્યું હતું. તેમનાં દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કલેકટર તંત્ર પણ અસમંજસની સ્થિતિમાં મુકાયું હતું કે આ એકમોને કેવી રીતે શરૂ કરી શકાય પરંતુ જયંતીભાઈ સરધારા દ્વારા જે આગેવાની લેવામાં આવી છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, આવનારા સમયમાં જયંતીભાઈ કોઠારીયા વિસ્તારમાં આવેલા ઉધોગોને ધમધમતા કરશે અને એસોસીએશન બનાવવા માટે પણ કારગત નિવડશે. અંતમાં તેઓએ લોઠડા-પડવલા અને પીપલાણા કે જે સંયુકત ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન તરીકે કાર્યરત છે તેઓની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.
ઔધોગિક એકમોનાં વિકાસ માટે ખડેપગે રહેવાની તૈયારી: જેન્તી સરધારા
લોઠડા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં પ્રમુખ જેન્તીભાઈ સરધારાએ અબતક સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ ઔધોગિક એકમોનાં વિકાસ માટે હરહંમેશ ખડેપગે રહેશે અને કોઈપણ પ્રકારની જરૂરીયાત એસોસીએશન બનાવવા માટેની હોય તેને યથાયોગ્ય રીતે પૂર્ણ કરી તેમની મદદ પણ કરવામાં આવશે. વધુમાં તેમનાં દ્વારા જણાવ્યા મુજબ હાલ લોઠડા ખાતે જોડાયેલા નામાંકિત ઉધોગપતિઓ કોઠારીયા વિસ્તારમાં આવેલી ઔધોગિક એકમોને ધમધમતા કરવા અને તેઓને લોકડાઉન દરમિયાન ફરી શરૂ કરવા માટે જરૂરીયાત મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેન્તીભાઈ સરધારાએ આશાવાદ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, લોઠડા એસોસીએશન ત્યાં સુધી કાર્યરત રહેશે જયાં સુધી કોઠારીયા રોડ વિસ્તારમાં આવતા તમામ ઔધોગિક એકમોને કલેકટરની મંજુરી ન મળી જાય. તેઓએ કલેકટર તંત્રનો પણ આભાર વ્યકત કર્યો હતો અને તેમનાં પર મુકવામાં આવેલા વિશ્ર્વાસને પણ તેઓએ વ્યકત કર્યો હતો. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, કોઠારીયા વિસ્તારમાં જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે તમામ નિ:શુલ્ક ધોરણે જ કરવામાં આવશે અને આ કામગીરીનો ખર્ચ લોઠડા એસોસીએશનનાં ગણતરીનાં જ હોદેદારો દ્વારા ઉઠાવવામાં આવશે.