રાજકોટ જિલ્લાનું સૌથી વધુ ૮૪.૬૯ ટકા અને અમરેલીનું સૌથી ઓછું ૬૫.૧૬ ટકા પરિણામ
રાજકોટમાં સૌથી વધુ ૭ છાત્રોએ મેળવ્યો એ-વન ગ્રેડ: બોટાદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલીમાં એ-વન ગ્રેડમાં એકપણ નહીં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રવિવારે જાહેર કરેલા ધો.૧૨ સાયન્સનાં પરિણામમાં જિલ્લા વાઈઝ રાજકોટ તો કેન્દ્ર વાઈઝ જામનગરનું ધ્રોલ રાજયમાં મોખરે રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ જિલ્લાનું પરીણામ રાજયમાં સૌથી વધુ ૮૪.૬૯ ટકા જયારે સૌથી ઓછું પરીણામ અમરેલી જિલ્લાનું સૌથી ઓછું ૬૫.૧૬ ટકા રહ્યું હતું. જયારે જામનગર જિલ્લાનું ધ્રોલ કેન્દ્ર ૯૧.૬૦ ટકા પરિણામ સાથે રાજયમાં પ્રથમ કેન્દ્ર રહ્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ રાજકોટનાં ૭ વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ મેળવ્યો હતો. મોરબીમાં ૩ અને જામનગર તથા સુરેન્દ્રનગરમાં ૨-૨ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો હતો. જયારે ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં એ-એક છાત્રએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. બોટાદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં એક પણ છાત્રએ એ-વન ગ્રેડ મેળવ્યો નથી. દરમિયાન જામનગરમાં ૧૪૫૮ વિદ્યાર્થીઓ નોંધાયા બાદ તે પૈકી ૧૪૫૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તે પૈકી ૧૧૧૫ પાસ થયા છે. જયારે ૩૪૩ નાપાસ થયા છે. કુલ પરીણામ ૭૬.૭૩ ટકા આવ્યું છે. સૌથી વધુ પરીણામ ધ્રોલમાં ૯૧.૪૨ ટકા અને સૌથી ઓછું ખંભાળીયામાં ૨૩.૦૨ ટકા નોંધાયું છે. જામનગરમાં એ-વન ગ્રેડમાં ૨, એ-૨ ગ્રેડમાં ૬૯, બી.૧ ગ્રેડમાં ૨૫૦, બી-૨ ગ્રેડમાં ૪૧૪, સી-૧ ગ્રેડમાં ૫૧૭, સી-૨ ગ્રેડમાં ૪૦૦, ડી ગ્રેડમાં ૫૬ તેમજ ઈ-૧માં ૧ વિદ્યાર્થી ઉતિર્ણ થયેલ છે. જયારે એન-૧ ગ્રેડ ૪૦૭ વિદ્યાર્થીઓએ મેળવ્યો છે.
પાલિતાણાનાં ગુંજ ચુડાસમાએ ૯૩.૪૮ પીઆર મેળવ્યા
પાલિતાણાનાં ચુડાસમા પરિવારનાં ગુંજ દિપક ચુડાસમાએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનાં બી ગ્રુપમાં ૯૩.૪૮ પીઆર મેળવી પાલિતાણા અને અનુ.જાતિનું ગૌરવ વધાર્યું છે. ભાવનગરની સેન્ટ મેરી સ્કુલમાંથી તેઓએ અભ્યાસ મેળવ્યો છે. બી ગ્રુપમાં ૯૩.૪૮ પીઆર મેળવી પાલિતાણાનું અને પોતાની જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. ગુંજ ચુડાસમાને સોશિયલ મીડિયાથી અને ફોનથી અનેક લોકોએ શુભેચ્છા પાઠવી છે.
હિંશુ દિપકે ૯૯.૯૯ પીઆર મેળવી ધ્રોલનું ગૌરવ વધાર્યું
ધો.૧૨ સાયન્સનું ગઈકાલે પરીણામ જાહેર થયું છે જયારે ધ્રોલ કેન્દ્ર રાજયનું સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે ત્યારે ધ્રોલનાં બી.એમ.પટેલ સ્કુલનાં વિદ્યાર્થી હિંશુ દિપકકુમાર શૈલેષભાઈએ એ ગ્રેડ મેળવી ૯૯.૯૯ પીઆર સાથે ધ્રોલનું ગૌરવ વધાર્યું છે. મુળ જોડિયા તાલુકાનાં લીંબુડા ગામના વતની અને હાલ ધ્રોલનાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા દિપકકુમારનાં પિતા ખેતીનો ધંધો કરે છે અને તેમનાં દિપકને ડોકટર બનવાનું સ્વપ્ન છે. ધ્રોલનાં બી.એમ.પટેલ સ્કુલમાં તેઓએ અભ્યાસ મેળવ્યો છે અને ધો.૧૦માં પણ ૯૯.૯૯ પીઆર સાથે પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે જ તેમના પરીવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મહુવાની બેલુર વિદ્યાલયનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું શ્રેષ્ઠ પરિણામ
તાજેતરમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મહુવાની બેલુર વિદ્યાલય ઝળકી છે. વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં બાયોલોજી વિષયનું ૧૦૦ ટકા, ગણિતનું ૧૦૦ ટકા, ફિઝીકસનું ૯૫.૨૯ ટકા, કેમેસ્ટ્રીનું ૯૫.૨૯ ટકા તથા સંસ્કૃતનું ૧૦૦ ટકા અને કોમ્પ્યુટરનું પણ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યું છે. ૯૫ પીઆરથી વધારે પીઆર મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫ છે જયારે ૨૬ વિદ્યાથીઓએ ૯૦ કરતા વધુ પીઆર મેળવ્યા છે. ૩૬ વિદ્યાર્થીઓએ ૮૫ કરતા પણ વધુ પીઆર હાંસલ કર્યા છે જયારે ૪૪ વિદ્યાર્થીઓએ ૮૦થી વધુ પીઆર મેળવ્યા છે.
બેલુર બર્ડઝમાં પંડયા ઓમ ૯૯.૨૩ પીઆર, બાંભણીયા હવન ૯૯.૦૬ પીઆર, પંડયા સાગર ૯૮.૮૬ પીઆર, મકવાણા યુવરાજ ૯૮.૮૬ પીઆર, ગુર્જર વિજય ૯૮.૭૬ પીઆર, પદશાળા દિપ ૯૮.૨૪ પીઆર, કવાડ રમેશ ૯૭.૩૩ ટકા, નકુમ આક્ષ ૯૭.૯૦ પીઆર, યાદવ હિતાંક્ષી ૯૭ પીઆર, ડોડીયા સાક્ષી ૯૬.૨૮ પીઆર, સોલંકી અવધ ૯૬.૧૦ પીઆર, હડિયા જયદિપ ૯૫.૯૩ પીઆર, મકવાણા મયુર ૯૫.૫૮ પીઆર, સાવલીયા ધ્રુવી ૯૫.૧૬ પીઆર અને વાઘમશી પરેશે ૯૫.૧૨ પીઆર સાથે બેલુર બર્ડઝનાં વિદ્યાર્થીઓ ઝળકયા છે.
શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ વિદ્યાર્થીઓને સંસ્થાનાં ડિરેકટર બાલુભાઈ મકવાણા, ડો.ડી.સી.લાડુમોર, મનુ મકવાણા, આર.એચ.ડોડીયા, મંગળ લાડુમોર, સંચાલક મંડળવતી એમ.ડી. વી.સી.લાડુમોર, સેક્રેટરી પી.એમ.નકુમ, નિલેશ મકવાણા, દેવેન મકવાણા, અંકુર હડિયા તથા બેલુર વિદ્યાલય પરીવાર દ્વારા ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
પોરબંદરનાં પાર્થ ઠકરારે એ-વન ગ્રેડ મેળવ્યો
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ગઈકાલે પરિણામ જાહેર થયું હતું જેમાં પોરબંદર જિલ્લાનું પરિણામ ગઈ વખત કરતા ૪ ટકાનાં વધારા સાથે ૬૯.૮૯ ટકા આવ્યું છે. સમગ્ર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં ૪૪૫ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૩૧૧ વિદ્યાર્થીઓ પાસ થયા હતા જયારે ૧૩૪ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા. પોરબંદર જિલ્લાનાં એકમાત્ર વિદ્યાર્થી પાર્થ ઠકરારે એ-વન ગ્રેડ મેળવ્યો હતો અને પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પાર્થ પોરબંદરની સેન્ટ મેરી સ્કુલમાં અભ્યાસ કરે છે તેના પિતા નીતિનભાઈ લારીમાં જુના કપડાનો વ્યવસાય કરે છે. સાવ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા વિદ્યાર્થી પાર્થ ઠકરારે એ-વનમાં સ્થાન મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ધો.૧૦માં પણ તે સારું પરિણામ લાવ્યો હતો અને હવે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ એ-વન ગ્રેડ મેળવી પરિવાર, સ્કુલ અને પોરબંદરનું ગૌરવ વધાર્યું છે અને આગામી તે કોમ્પ્યુટર એન્જીનીયર ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નકકી કર્યું છે.
મહર્ષિ ગુરૂકુલ ઝાલાવાડનાં શિક્ષણ જગતમાં છવાયું
શાળાનું ૯૭ ટકા પરિણામ: એ અને બી બંને ગ્રુપનાં વિદ્યાર્થીઓ હળવદ-ધ્રાંગધ્રામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર આવ્યા
વર્ષ ૨૦૦૦ની સાલથી શરૂ થયેલ મહર્ષિ ગુરૂકુલ તેનાં બોર્ડનાં પરિણામથી હળવદ જ નહીં પરંતુ ઝાલાવાડનાં શિક્ષણ જગતમાં છવાઈ ગયું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા હળવદ કેન્દ્રનું ૯૦.૬ ટકા પરિણામ આવ્યું છે. હળવદ કેન્દ્રમાં કુલ ૪૭૩ પરીક્ષાઓ પૈકી ૪૨૬ પરીક્ષાઓ પાસ અને ૪૭ પરીક્ષાઓ નાપાસ થયા છે જેમાંથી મહર્ષિ ગુરૂકુલનાં ૧૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૧૮૩ વિદ્યાર્થીઓ પાસ અને ૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ મહર્ષિ ગુરૂકુલનું ૯૭ ટકા પરિણામ આવ્યું છે. મહર્ષિ ગુરૂકુલનાં એ અને બી બંને ગ્રુપનાં વિદ્યાર્થીઓ હળવદ-ધ્રાંગધ્રામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર આવી ગુરૂકુલનું ગૌરવ વધાર્યું છે. જેમાં બી ગ્રુપમાં પટેલ ટિવકલ ૯૯.૯૧ પીઆર, સોલંકી ક્રિપાલ ૯૯.૮૧ પીઆર, ઝાલા ક્રિપાલ ૯૯.૭૭ પીઆર જયારે એ ગ્રુપમાં પટેલ ખુશ ૯૯.૭૬ પીઆર, પટેલ તીર્થ ૯૯.૭૪ પીઆર, કટોસણા રાજુ ૯૯.૭૪ પીઆર મેળવી શ્રેષ્ઠતા સિઘ્ધ કરી છે.
જૂનાગઢનાં મોહિત પોપટાણીએ ૯૯.૯૯ પીઆર મેળવ્યા
મુળ બાંટવાનાં અને હાલ જૂનાગઢમાં રહેતા પોપટાણી ચંદ્રકાંતભાઈનો પુત્ર મોહિત પોપટાણીએ ૯૯.૯૯ પીઆર મેળવી જુનાગઢનું ગૌરવ વધાર્યું છે. જિલ્લાનો એકમાત્ર એ-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી બન્યો છે. મોહિતે જણાવ્યું હતું કે, તે સ્કુલ બાદ ૯ થી ૧૦ કલાક મહેનત કરતો હતો. તેમના પિતા જૂનાગઢમાં ફળ વહેંચે છે. આ જવલંત સિદ્ધિ અંગે મોહિતે જણાવ્યું હતું કે, તેમની સફળતા પાછળ તેમના માતા-પિતાની પ્રેરણા અને તેની શાળાનાં ટ્રસ્ટી મંડળ અને શિક્ષકોનો મોટો ફાળો રહેલો છે તથા સોરઠનો આ હિરો ભવિષ્યમાં એમબીબીએસની ડિગ્રી હાંસલ કરી ડોકટર બનીને લોકોની સેવા કરવાની મહેચ્છા ધરાવે છે.