ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે ચાર્જ સંભાળી રહેલા હિમાંશુ પંડયાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આજે પુરો થયો છે ત્યારે રાજયનાં શિક્ષણ વિભાગ ગુજરાત યુનિવર્સિટીના પ્રો.વાઈસ ચાન્સેલર જગદિશ ભાવસારને ઈન્ચાર્જ તરીકે મુકયા છે. આ અગાઉ તેને પાછલા વર્ષે પ્રો.વાઈસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા જયાં સુધી નવા ચાન્સેલરની નિમણુક નહીં થાય ત્યાં સુધી જગદિશ ભાવસાર જ કાર્યકાળ સંભાળશે.
જગદિશ ભાવસારની વાત કરવામાં આવે તો તેઓ શિક્ષણ ક્ષેત્રે ઘણા વર્ષોથી જોડાયેલા છે. કેજીથી લઈ પીજી સુધીનાં શિક્ષણ સાથે તેઓ સંકળાયેલા છે. છેલ્લા ૨૫ વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે પણ સંકળાયેલા છે. અમદાવાદ શહેર નગર પ્રાથમિક સમિતિ એટલે કે સ્કુલ બોર્ડથી માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ હોદાઓ ઉપર રહી ચુકયા છે. ડો.જગદિશ ભાવસારે એમ.એ, બી.એડ અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે.તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પણ ૨૦ વર્ષ સુધી કામગીરી કરી ચુકયા છે. આજે જયારે ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે ચાર્જ સંભાળી રહેલા હિમાંશુ પંડયાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પુરો થતો હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીનાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે તેનાં જ ઉપકુલપતિ ડો.જગદિશ ભાવસારની નિમણુક કરી છે.