મેરે દેશ કી ધરતી સોના ઉગલે….
ખેડૂતોની આવક ૩૦ ટકા સુધી વધી જવાનો આશાવાદ
ભારત કૃષિપ્રધાન દેશ છે ત્યારે ઘણાખરા ગીતો દેશનાં કૃષિ ક્ષેત્ર ઉપર બનાવવામાં આવ્યા છે જેવા કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે-મોતી આ ગીતની કડી ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો કડીનું કહેવું છે કે, ભારત દેશની ધરતી માત્ર ખેત ઉપજો નહીં પરંતુ તેનાં રૂ પમાં સોનું પણ ઉગાડે છે અને આ કરવા પાછળ સૌથી મોટો શ્રેય જો કોઈના શીરે જતો હોય તો તે દેશનો ખેડુત છે. પરંતુ અન્ય દેશોની સરખામણીમાં ભારતનાં ખેડુતની હાલત અત્યંત કફોડી જોવા મળતી હોય છે. કયાંકને કયાંક માળખાગત સુવિધાનો અભાવ, ખેત ઉપજોની સમસ્યા ખેતીમાં પડતી હાલાકી આ તમામ મુદાઓને લઈ દેશનો ખેડુત આગળ આવી શકયો નથી. જો ખેતી ક્ષેત્રને વધુ વિકસિત કરવામાં આવે તો દેશની આવકમાં અનેકગણો વધારો થઈ શકે છે અને ખેડુતોની સ્થિતિમાં પણ ઘણો ખરો સુધારો જોઈ શકાશે. આ તકે ત્રીજા તબકકા માટે નાણામંત્રી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, હવે ખેડુતોને સીધા ગ્રાહક સાથે જ જોડી દેવામાં આવશે જેથી વચ્ચમાં જે માર્કેટીંગ યાર્ડ પોતાનો હિસ્સો લેતુ હતું અને જે તકલીફો ઉદભવિત થતી હતી તેનાથી ખેડુતોને પૂર્ણત: બાકાત કરાશે. હાલ આ અંગે માર્કેટીંગ યાર્ડોને વિખેરી નાખવા માટે સરકારે હિમાયત પણ કરી છે અને ફાર્મ ગેટ પઘ્ધતિને અમલી બનાવવાનું પણ જણાવ્યું છે.
સરકાર દ્વારા જે પગલા લેવામાં આવ્યા છે ખેતી અને ખેડુતોને વિકસિત કરવા માટે તેનાથી આવનારા સમયમાં ખેડુતોની આવક ૩૦ ટકા સુધી વધી જવાનો આશાવાદ પણ વ્યકત થયો છે. કલસ્ટર સિસ્ટમ નાશવંત ચીજોની સાર-સંભાળ રાખવા માટે વેર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ, ખેતી ક્ષેત્રે માળખાગત સુવિધામાં વધારો, એસેન્શીયલ કોમોડીટી એકટમાં ફેરબદલ સહિત અનેકવિધ મુદાને સરકાર ગંભીરતાથી લઈ રહ્યું છે અને તે દિશામાં કામગીરી પણ હાથધરી છે. સરકાર આ કાર્ય કરવામાં સફળ થાય તો ખેડુતોને જે તકલીફનો સામનો કરવો પડે છે તેમાંથી તેઓ બહાર આવશે અને દેશનાં વિકાસમાં સહભાગી પણ બનશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજના ત્રીજા બ્રેકઅપ વિશે માહિતી આપી હતી. આજે ખેતી અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો અંગે જાહેરાતો કરવામાં આવી હતી. નાણાં મંત્રીએ કહ્યું કે ખેડૂતોએ મુશ્કેલ પરિસ્થિતિઓનો હમેશાં હિંમતથી સામનો કર્યો છે. લોકડાઉન દરમિયાન પણ ખેડૂતો કામ કરતા રહ્યાં છે. આમાં કેન્દ્રે અનાજ, તેલ-તેલીબિયાં, દાળો, ડુંગળી, બટાકા વગેરે આવશ્યક વસ્તુઓને કાયદાથી બહાર ખસેડવા એસેન્શિઅલ કોમોડિટીઝ એક્ટમાં સુધારો કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત એપીએમસી સિવાય અન્ય કોઈપણ સ્થળે પોતાના ઉત્પાદોને વેચી યોગ્ય મૂલ્ય મેળવવા માટે કાયદો ઘડવાની પણ કેન્દ્રે મહત્વની જાહેરાત કરી હતી. ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ તેમજ પાક લણ્યા બાદ સ્ટોરેજ ગેટ સમસ્યાને નિવારવા અને વધુ ઉત્પાદન મૂલ્ય માટે એક લાખ કરોડનું ફાર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ રચવાની પણ જાહેરાત નાણાં મંત્રીએ કરી હતી.
કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા ૧૧ મહત્વના પગલાંની જાહેરાત આજરોજ કરવામાં આવી હતી જે પૈકી આઠ પગલાં કૃષિ સંલગ્ન માળખાના નિર્માણ, લોજિસ્ટિક્સ, ક્ષમતા વિકાસ અને કૃષિ ઉત્પાદન સંગ્રહ તેમજ તેના માર્કેટિંગને લગતા હતા જ્યારે બાકીની ત્રણ જાહેરાત વહિવટી પાસાંને લગતી હતી.
તેમણે કહ્યું કે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૧ લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. નાણાં મંત્રીએ કહ્યું કે કૃષિમાં રોકાણને વધારવા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવશે. ખેડૂતોને પાક વેચવામાં સગવડતા રહે તે માટે ઈ-ટ્રેડિંગની સુવિધા આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતોની આવક વધશે. કૃષિ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા અને રોકાણ વધારવા માટે ૧૯૫૫ જરૂરી કમોડિટી એક્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેનાથી ખેડૂતોની આવક વધવાની શકયતા છે.ખેડૂતો તેના પાકને યોગ્ય કિંમતે વેચી શકે તેના માટે રાજ્યોની વચ્ચે આવતી ખરીદી-વેચાણ સાથે જોડાયેલી મુશ્કેલીઓને દૂર કરવામાં આવશે. ઈ-ટ્રેડિંગની સુવિધા આપવામાં આવશે. ખેડૂતોની પાસે સ્ટાન્ડર્ડ મિકેનિઝમ હોતી નથી. દરેક સિઝનમાં વાવણી પહેલા ખેડૂત પાકના મુલ્યનું અનુમાન લગાવી શકે તેની વ્યવસ્થા કરવામાં આવશે. તે રિટેલ વેપારીઓ, એક્સપોર્ટરની સાથે પારદર્શકતાથી કામ કરી શકે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.
- કલસ્ટર બેઇઝ સુવિધા ઉભી કરી ખેતીને વિકસીત કરાશે
ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ત્યારે દેશની મુખ્ય આવક ખેતીમાંથી જ થતી હોય તેવું હરહંમેશ ચિત્ર સામે આવ્યું છે પરંતુ કડવી વાસ્તવિકતા તો એ છે કે અન્ય તમામ ક્ષેત્ર વિકસિત તો થયા છે પણ ખેતી ક્ષેત્ર જે રીતે વિકસિત થવું જોઈએ અથવા તો ઓર્ગેનાઇઝડ થવું જોઈએ તે થઈ શકયું નથી જેને લઈ દેશની સૌથી મોટી તાકાત ખેતી પૂર્ણત: વિકસિત થઈ શકી નથી. કોરોનાનાં કારણે અનેકવિધ ચીજવસ્તુઓમાં ઘણો ફેરફાર પણ આવ્યો છે ત્યારે સરકાર ખેતી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા અને ખેડુતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ પગલાઓ લઈ રહી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામને ત્રીજા તબકકામાં ખેતી અને તેના સંલગ્ન ક્ષેત્રોને વિકસિત કરવા માટે ૧.૬૩ લાખ કરોડ રૂ પિયાનું પેકેજ જાહેર કર્યું છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં દેશમાં ૧૦ કલસ્ટર વિકસિત કરવામાં આવશે જેમાંથી બે કલસ્ટર ગુજરાતમાંના હોવાનું પણ સામે આવ્યું છે જો ખેતી ક્ષેત્રે કલસ્ટરને વિકસિત કરવામાં આવે તો જે-તે વિસ્તારમાં તે કલસ્ટરનું મહત્વ પણ વધે સાથો સાથ ખેત ઉપજોને તેનો મહતમ લાભ પણ મળતો રહે.
આ પગલાથી ખેત ઉપજોને તો પ્રોત્સાહન મળશે જ સાથો સાથ ખેડુતોની આવકમાં પણ અનેકગણો વધારો થશે. સરકારનું માનવું છે કે, આ તમામ હકારાત્મક પગલાઓ થકી ખેડુતોની આવક રાબેતા મુજબ કરતા વધુ કરવામાં આવે જેથી દેશનો ખેડુત સમૃદ્ધ થઈ શકે.
- ૩૩ ટકા નાશવંત થતાં શાકભાજી, ફ્રુટ માટે લોજીસ્ટીક સુવિધા વધુ સુદ્રઢ બનાવાશે
દેશમાં ઘણીખરી ખેત ઉપજોનું ઉત્પાદન થતું હોય છે તેમાંથી ઘણી ચીજવસ્તુઓ નાશવંત થતી નજરે પડે છે જે ઉપજ નાશવંત થાય છે તેનાથી ખેડુત અને દેશને ઘણીખરી આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડે છે બીજી તરફ દેશમાં હાલ લોજિસ્ટીકને લઈ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી જોઈએ તે આવી શકતી નથી જેથી નિકાસમાં પણ ખેડુતોને ઘણીખરી તકલીફનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા ખેતી ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટે જે પગલા લેવામાં આવ્યા છે તેમાંથી વેર હાઉસ અને કોલ સ્ટોરેજ વ્યવસ્થાને વધુ વિકસિત કરવા માટે સરકાર પ્રયત્ન હાથધરી રહી છે. સરકાર દ્વારા માઈક્રો ફુડ એન્ટરપ્રાઈઝને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે જો સરકાર કોલ સ્ટોરેજ અને વેર હાઉસની સુવિધાને સુદ્રઢ બનાવે તો ૩૩ ટકા જે નાશવંત ચીજવસ્તુઓ થતી હોય તે પણ નહીં થાય અને દેશનાં જીડીપીમાં પણ અનેકગણો વધારો થતો જોવા મળશે અને સાથો સાથ ખેડુતોની આવકમાં પણ બમણો વધારો થશે.
લોજીસ્ટીક સુવિધાનાં અભાવે ખેતીને અનેકવિધ વખત વિપરીત અસરનો સામનો કરવો પડયો છે જે અંગેની સરકારને જાણ થતા જ કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને તે અંગેનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. કોરોના બાદ ખેતી ક્ષેત્રે એક આશાવાદ પણ સર્જાયો છે કે પહેલાની સરખામણીમાં ખેતીની વ્યવસ્થા અનેકઅંશે સુધરશે અને તેનો મહતમ લાભ ખેડુતોને મળશે.
- સરકારે ખેતી અને ખેડૂતોને વધુ વિકસીત બનાવવા ૧.૬૩ લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કયુર્ં
દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને ખેતી અને તેના સંલગ્ન ક્ષેત્રને વિકસિત કરવા ૧.૬૩ લાખ કરોડ રૂ પિયાનું પેકેજ જાહેર કર્યું છે જેમાં ખેતીમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનું મહત્વ અને લોજીસ્ટીક કેપેસીટીને વધારવાનું પણ જણાવ્યું હતું. તેમનાં જણાવ્યા મુજબ ખેડુતો પાસેથી ગત બે માસમાં કુલ ૭૩,૩૦૦ કરોડ રૂ પિયાનાં એમએસપીનાં દરે ખેત ઉપજોની ખરીદી કરવામાં આવી છે. તેમનાં જણાવ્યા મુજબ સરકાર એક લાખ કરોડ રૂ પિયાની સાથે ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રકચર માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સરકારે ઔષધ ઉત્પાદન માટે ૪ હજાર કરોડ રૂ પિયાની સહાય કરવામાં આવી છે સાથો સાથ એમએફઈ એટલે કે માઈક્રોફૂડ એન્ટરપ્રાઈઝ માટે ૧૦ હજાર કરોડ રૂ પિયા સાથોસાથ પ્રધાનમંત્રી મત્સય સંપદા યોજના માટે ૨૦ હજાર કરોડ રૂ પિયા, પશુપાલન ક્ષેત્રનાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે ૧૫ હજાર કરોડ રૂ પિયા, મધમાખી ઉછેર કેન્દ્રની માળખાગત સુવિધા માટે ૫૦૦ કરોડ રૂ પિયા સહિત અનેકવિધ યોજનાઓ થકી દેશનાં ખેતી ક્ષેત્રને વિકસિત કરવામાં આવશે અને ખેડુતોને પણ વધુ મજબુત બનાવાશે.
- માળખાગત સુવિધાથી ખેતી ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા સરકાર સજજ
કોઈપણ ક્ષેત્ર માટે ઈન્ફ્રાસ્ટ્રકચર હરહંમેશ મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે. ઈન્ફ્રાસ્ટ્રકચર એટલે માળખાગત સુવિધા જે ક્ષેત્રમાં માળખાગત સુવિધાનો અભાવ જોવા મળતો હોય તે ક્ષેત્રનો વિકાસ શકય બનતો નથી જેથી સરકાર તમામ ક્ષેત્ર કે જે દેશની આવકમાં સીધી રીતે કે આડકતરી રીતે યોગદાન આપતું હોય તે તમામ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓને વિકસિત કરવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે. આ તકે નાણામંત્રી દ્વારા ત્રીજા તબકકામાં જે પેકેજ ખેડુતો માટે જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખેતી માટે ઈન્ફ્રાસ્ટ્રકચરનાં ડેવલોપમેન્ટ વિશે પણ નાણાકિય જોગવાઈઓ કરવામાં આવી છે. ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધામાં વધારો થતાની સાથે જ ખેતી ક્ષેત્રને જે તકલીફનો સામનો કરવો પડે છે તે હવે નહીં કરવો પડે અને યોગ્ય રીતે ખેડુતોને તેનો લાભ પણ મળી શકશે. ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ થકી સરકાર દ્વારા ૧ હજાર મંડીઓને ઓનલાઈન કરી દેવામાં આવી છે જેથી હવે ખેડુતોએ માર્કેટીંગ યાર્ડોમાં જવાની જરૂ રીયાત ઉભી નહીં થાય અને ડિજિટલ માધ્યમ થકી જ તેઓ તેમની ઉપજોને વહેંચી શકશે. આ કાર્ય થવાથી જે બગાડ થતો હોય તેમાં પણ રોક મુકાશે અને ખેડુતોની આવકમાં ૨૫ થી ૩૦ ટકા જેટલો વધારો પણ થશે. સરકાર દ્વારા ગત અઠવાડિયામાં નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ માટેનું ઈ-નેમ નામનું પ્લેટફોર્મ ઉભુ કર્યું છે જેમાં નવી ૩૮ મંડીઓ એટલે કે માર્કેટીંગ યાર્ડનો સમાવેશ કરી ૧ હજાર એપીએમસીનાં લક્ષ્યાંકને સિઘ્ધ પણ કર્યો છે જે ખેતી અને ખેડુતો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
- સરકાર જીવન જરૂરિયાતવાળી ચીજવસ્તુનાં કાયદામાં ફેરફાર કરશે
કેન્દ્ર સરકાર દ્વારા જીવનજરૂ રીયાત ચીજવસ્તુ એકટમાં ફેરફાર કરે તેવી શકયતા સેવાઈ રહી છે જેમાં હવે સ્ટોક લીમીટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ એકટ હેઠળ સરકાર હવે જીવનજરૂ રીયાત ચીજવસ્તુઓનાં ભાવ અને તેના સ્ટોક વિશે પણ માહિતી એકત્રિત કરશે અને સ્ટોક કેટલો રાખવો તે અંગે પણ જણાવશે. સુત્રોનાં જણાવ્યા મુજબ સરકાર જીવનજરૂ રીયાતની ચીજવસ્તુઓનો પ્રર્વતીત ભાવની સરખામણી દર વર્ષનાં સરેરાશ ભાવ તથા ગત પાંચ વર્ષનાં સરેરાશ ભાવ સાથે તેની તુલના કરશે અને જો નાશવંત ચીજવસ્તુઓનાં ભાવમાં વધારો પ્રવર્તીત સમયમાં જોવા મળશે તો સ્ટોક લીમીટને અમલી બનાવાશે. હાલ આ કાયદા હેઠળ ૧૦૦ ટકા જેટલા ભાવમાં ફેરબદલ નાશવંત ચીજવસ્તુઓમાં થાય તેવું પણ સામે આવી રહ્યું છે. નાશવંત ચીજવસ્તુઓમાં ભાવ બાંધણું ન હોવાથી ખેડુતોને ઘણી આર્થિક અસરનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે નવા કાયદા હેઠળ ખેડુતોને પુરતો લાભ મળી રહે તે દિશામાં જ હાલ તમામ પગલાઓ લેવામાં આવશે.