એલએલબીનો અભ્યાસ કરતા યુવાને એસપીને કરી ધગધગતી કરી અરજી કોરોનાગ્રસ્ત ડો. વેકરીયા પણ પાર્ટીમાં સામેલ હોવાનો અરજીમાં ઉલ્લેખ
જૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકના જ ધારાશાસ્ત્રીનો અભ્યાસ કરતા યુવકે જિલ્લાના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી જાહેર થયેલ ડો. વેકરીયા, તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, જંગલખાતાના અધિકારી તથા કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને લાગતા વળગતા ૨૧ થી વધુ સામે સરકારી જાહેરનામાના ભંગ કરીને કોરોના કટોકટી દરમિયાન રાત્રે ભોજન પાર્ટી અને ગેરકાયદેસર સિંહ દર્શનના આક્ષેપો સાથે ડો. વેકરીયા પોતે સરકારી તબીબ અને જવાબદાર અધિકારી હોવા છતાં જવાબદારી સમજતા પ્રારંભિક તબક્કે તેમણે પોતાની રાત્રિની મહેફિલો અને ખાણીપીણીની પાર્ટીઓ તથા સિંહ દર્શન જેવી પ્રવૃત્તિઓ અને પોતાને મળેલા અને સંપર્કમાં આવેલા લોકો અને પોતાના પ્રવાસ અંગેની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવીને સમગ્ર તંત્રને ગેરમાર્ગે દોરી અને આખા પંથકને જોખમી મહામારીમાં ધકેલી દીધાનો આક્ષેપ કરી ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે.
ભેસાણ ના તડકા પીપડીયા ગામના વતની અને એલ.એલ.બી. નો અભ્યાસ કરી રહેલા સંજયભાઈ ભીખુભાઈ કાપડિયાએ જુનાગઢ એસપીને અરજી કરી ડો. પ્રતીક વેકરીયા, મામલતદાર કનકસિંહ પરમાર, તાલુકા પંચાયત કચેરીના ઓફિસ સુપ્રિ. પ્રતિક ભાયા, ભાજપ અગ્રણી શશીભાઈ વ્યાસ, પૂર્વ સરપંચ હરસુખ ભેસાણીયા, ઉદ્યોગપતિ દિપક સાવલિયા, નિકુંજ મેઘજી કાછડીયા, સરકારી કોન્ટ્રાક્ટર નિલેશ સાવલિયા, રસોઈયા હિતેશભાઈ ભાખરો, હકાભાઇ મોચી, વિપુલભાઈ ભુવા, ધીરુભાઈ પટોળીયા, જીઆરડીના જવાન, પોલીસ મથકના કેટલાક કર્મચારીઓ, તાલુકા પંચાયતના કેટલાક કર્મચારીઓ, મામલતદાર કચેરીના કેટલાક કર્મચારીઓ, પ્રેમવતી ઢોસા વાળો આશિષ ભેસાણીયા, તથા વરિષ્ઠ અધિકારી સહિતના કેટલાક વન કર્મચારીઓ અને અન્ય તપાસમાં ખુલે તે તમામ સામે તપાસની માંગ સાથે એસ.પી.ને આવેદનપત્ર પાઠવીને ફરિયાદ કરી છે કે, ડો. વેકરીયાને પોઝિટિવ રિપોર્ટ આવ્યો તે પહેલા કોરોના કટોકટી અંગે જિલ્લા ભરમાં કલેક્ટરના જાહેરનામાનાથી પ્રતિબંધાત્મક આદેશોના સમયગાળા દરમિયાન ડો. વેકરીયા અને તેમની ટોળકીએ ભેસાણની સીમમા વાડીએ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, ભજીયાને ચૂરમાના લાડવા જમ્યા હતા અને આ પાર્ટીમાં ડો. પ્રતીક વેકરીયા, નાયબ મામલતદાર કનકસિંહ પરમાર, પ્રતીક ભાયાણી, જીઆરડી જવાનો, પોલીસ કર્મચારીઓ, તાલુકા કચેરીના કર્મચારીઓ, મામલતદાર કચેરીનો સ્ટાફ અને તપાસમાં ખૂલે તે લોકો આ પાર્ટીમાં જોડાયા હતા.
આજ રીતે ડો. વેકરીયા એ સામતપરા ગામની સીમમાં મંદિરે ઊંધિયા પાર્ટી અને સિંહ દર્શન પણ કર્યું હતું જેમાં પણ બે વન કર્મચારીઓ અને ઉધીયા પાર્ટી માં જોડાનારા ગામના લોકો સામેલ થયા હતા, તો ડો. વેકરીયા ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પહેલા તેણે કલેકટરનું જાહેરનામું હોવા છતાં રાત્રેની ભોજન પાર્ટીના આયોજનોમાં ભાગ લીધો હતો. ત્યારે ડો. વેકરીયા સરકારી કર્મચારી અને ડોક્ટર દરજ્જાના વ્યક્તિ હોવા છતાં કલેકટરના જાહેરનામાનો ઉલાળિયો કરીને આવા આયોજનોમાં હાજર રહ્યા હોવાની ફરિયાદ સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે,
ડો. વેકરીયાના કારણે સમગ્ર ભેસાણ અને આસપાસના ગામોમાં પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને ફરજિયાત ઘરમાં રહેવાની ફરજ પડી છે, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ કરનાર સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ સાથે ફરિયાદમાં જણાવ્યું છે કે, ડો. વેકરીયાના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ ટૂંકી સારવાર બાદ તેનો રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયો, તે પણ તપાસનો વિષય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મહામારીમાંથી લોકોને બચાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે, ત્યારે ડોક્ટર અને સરકારી અધિકારીઓએ, કર્મચારી દરજ્જાની વ્યક્તિઓ જો સરકારી જાહેર નામાઓનું ઉલંઘન કરે અને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવીને સમગ્ર સમાજને જોખમમાં મૂકી દે તે ખરેખર અક્ષમ્ય બેદરકારી ગણાય, અને તેની સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ.