રેલ વ્યવહાર પછી હવાઈ મુસાફરી ૧૯ મેથી શરૂ થઈ જશે

ડોમેસ્ટીક ફલાઈટ મુખ્યત્વે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોરથી ઉપડશે

કોરોનાને લઈ જે રીતે લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે તેનાથી દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને મજબુત બનાવવા સરકારે સૌપ્રથમ રેલ વ્યવહાર શરૂ કરી વિસ્થાપિતોને તેમના વતન પરત મોકલવા માટેની કામગીરી હાથધરી હતી ત્યારે હવે રેલ વ્યવહાર પછી હવાઈ મુસાફરીને શરૂ કરવા માટે સરકાર મહેનત કરી રહી છે અને સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આગામી ૧૯ મેથી એર ઈન્ડિયા તેની સ્પેશિયલ ડોમેસ્ટીક ફલાઈટો દોડાવશે તેવું પણ માનવામાં આવે છે. ૧૯ મેથી ૨ જુન દરમિયાન એર ઈન્ડિયા તેની ઘણીખરી ડોમેસ્ટીક સ્પેશિયલ ફલાઈટોને દોડાવશે જેમાં મુખ્યત્વે ફલાઈટો દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે ફલાઈટ દોડાવવામાં આવશે.

ચેન્નઈથી ૧૯ મેના રોજ કોચી-ચેન્નઈ વચ્ચે એક જ ફલાઈટ ઉડાડવામાં આવશે જયારે દિલ્હીથી ૧૭૩ ફલાઈટ, મુંબઈથી ૪૦ ફલાઈટ, હૈદરાબાદથી ૨૫ ફલાઈટ અને કોચીથી ૧૨ ફલાઈટ ઉડાડાશે. દિલ્હીથી ઉડતી ફલાઈટો જયપુર, બેંગલોર, હૈદરાબાદ, અમૃતસર, કોચી, અમદાવાદ, વિજયવાડા, ગયા, લખનઉ અને અન્ય શહેરોમાં ઉડશે જયારે એર ઈન્ડિયા મુંબઈથી વિશાખાપટ્ટનમ, કોચી, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ અને વિજયવાડા પણ ઉડાડવામાં આવશે. એર ઈન્ડિયાનાં વરિષ્ઠ અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તેઓએ જણાવ્યું હતું કે, આ તમામ સ્પેશિયલ ફલાઈટો માટેનું શેડયુલ નિર્ધારીત કરી દેવામાં આવ્યું છે ત્યારે માત્ર સિવિલ એવીએશન વિભાગની મંજુરીની જ રાહ જોવામાં આવી રહી છે. આ તમામ શિડયુલ એર ઈન્ડિયા દ્વારા બીજા તબકકા માટેનાં બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ ફલાઈટો ૧૫ મેથી શરૂ થવાની વાત સામે આવી હતી પરંતુ તે ૧૭ મે સુધી મોકુફ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી ફલાઈટો ૧૯ મેથી શરૂ થાય તેવી આશા પણ વ્યકત કરવામાં આવી છે પરંતુ આ તમામ મુદાઓ ઉડ્ડયન મંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ તમામ યાત્રિકો એરલાઈનની ટીકીટો ઓનલાઈન બુક કરાવવી શકશે ત્યારે જ જયારે ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી પ્રસિઘ્ધ કરવામાં આવે.

ડોમેસ્ટીક ફલાઈટો શરૂ થવાથી જ જે લોકો તેમનાં વતન એટલે કે ગામ નથી પહોંચી શકયા તે તમામ ત્યાં પહોંચી શકે તે માટે એર ઈન્ડિયા દ્વારા આ વિશેષ ફલાઈટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.