લીકર કિંગ માટે કાનુની રીતે બચવાનાં તમામ દરવાજા બંધ: પ્રત્યાર્પણનાં કાગળો માટેની કામગીરી શરૂ
ભારતમાં અબજો રૂપિયાનું બેન્ક ફ્રોડ કરનાર ભાગેડુ આરોપી વિજય માલ્યા પર કાનુની સકંજો વધુ મજબુત બન્યો છે તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈંગ્લેન્ડમાં શરણાગતીની અપીલ માલ્યાની ફગાવી હતી. ૬૪ વર્ષીય વિજય માલ્યા પાસે હવે ભારતની જેલમાં જેલવાસ ભોગવવા માટે બચવાનો કોઈ જ વિકલ્પ કે રસ્તો બાકી રહ્યો નથી. માલ્યા યુરોપની માનવ અધિકાર કોર્ટમાં જેલવાસનાં બચાવ માટે રીતસરનાં ફાફા મારી રહ્યા છે. ગુરૂવારનાં રોજ ૧૦:૩૦ વાગ્યાનાં સુમારે માલ્યાનાં બચાવ પક્ષનાં વકિલે નિરવ મોદીનાં પ્રત્યાર્પણનાં કેસમાં વ્યસ્ત છે ત્યારે ન્યાયમૂર્તિ ઈરવીન અને એલીઝા બેથે હાઈકોર્ટની ખંડપીઠમાં માલ્યાનાં પ્રત્યાર્પણ સામે ૨૦ એપ્રિલ ૨૦૨૦નાં રોજ કરેલી અપીલને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, આ મામલે કોર્ટની દરમિયાનગીરીનો કોઈ મુદ્દો બાકી રહેતો જ નથી.
ઈંગ્લેન્ડની વડી અદાલતે વિજય માલ્યાનાં મામલામાં હાથ નાખવાનો ઈન્કાર કરી દીધો છે. ૯ હજાર કરોડથી વધુનાં બેન્કિંગ ગોટાળામાં કાયદાનાં સકંજામાં ફસાયેલા માલ્યાનું આ કૌભાંડ બહાર આવતા તે ઈંગ્લેન્ડ નાસી છુટયો હતો. બ્રિટનની હાઈકોર્ટ અને લીકરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વિજય માલ્યાની અપીલ ઈંગ્લેન્ડની વડી અદાલતે ફગાવી દીધી છે ત્યારે વિજય માલ્યાને ટુંક સમયમાં જ ભારતને સોંપી દેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. માલ્યા ઉપર ૯ હજાર કરોડનાં બેંક ફ્રોડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. માલ્યાને બ્રિટેન હાઈકોર્ટમાં મોટી પીછેહઠ પણ કરવી પડી છે. માલ્યાનાં ભારતમાં પ્રત્યાર્પણ વિરુઘ્ધ સ્પેશિયલ કોર્ટમાં અપીલ કરવાની અરજીને રદ કરી દેવાઈ છે જેથી ભારત પ્રત્યાર્પણ માટે માલ્યા પાસે હવે બીજો કોઈ જ વિકલ્પ રહ્યો નથી ત્યારે એવું પણ માનવામાં આવે છે કે, ૨૮ દિવસનાં સમયગાળામાં ભારતને સોંપી દેવાશે.
ઈંગ્લેન્ડનાં ગૃહસચિવે માલ્યાનાં પ્રત્યાર્પણનાં કાગળો ૨૮ દિવસમાં સાઈન કરવાના રહેશે ત્યારબાદ બ્રિટનનાં સંબંધિત વિભાગો ભારતનાં અધિકારીઓ સાથે માલ્યાનાં પ્રત્યાર્પણ માટે મસલત ચલાવશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વિજય માલ્યાએ ભારતમાં જેલવાસથી બચવા માટે કાયદાકિય વિકલ્પનો દોર ચલાવ્યો હતો અને યુરોપની હ્યુમન રાઈટસ અદાલતમાંથી પણ છુટકારો મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ અરજીઓનો નિકાલ સામાન્ય રીતે ૪૮ કલાકમાં જ આવતો હોય છે ત્યારે માલ્યાનાં આ પ્રયત્ન સામે અનેકવિધ ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પ્રત્યાર્પણ સામે રાહતની આ પ્રક્રિયા ભારતની કારાવાસની પરિસ્થિતિનાં પુરાવા ઉપર આધારીત છે તેને રાહત મેળવવા માટે કોવિડ-૧૯નાં રોગચાળાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને જો તેને ભારત મોકલવામાં આવશે તો તેની જિંદગી અને આરોગ્ય પણ જોખમાય તેવી વાત પણ સામે આવી હતી. અંતે વિજય માલ્યા તમામ પ્રકારે કાનુની રીતે બચાવની પોતાની કવાયતમાં નિષ્ફળ પુરવાર થતા આગામી ૨૮ દિવસમાં જ તેને ભારતમાં સોંપી દેવાશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ તે ૧૮ એપ્રિલ ૨૦૧૭થી લંડનમાં ૬૫ હજાર ડોલરનાં જામીન પર મુકત છે તેને સ્કવોટલેન્ડ યાર્ડમાં પાસપોર્ટ જમા કરાવીને ઈંગ્લેન્ડ ન છોડવાની શરતે જામીન મેળવ્યા હતા.