સિઝનના પ્રારંભે ૧૫ હજાર બોકસની આવક: સાડા દસ કિલોના ૪૦૦ થી ૮૦૦ સુધીનો ભાવ: યોગ્ય કિંમત ન મળતા ખેડૂતોમાં ચિંતા
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણાં દિવસોથી મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કરીનું આગમન થવા પામ્યું છે.એક બાજુ કોરોનાના કહેરને લઈને ત્રીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે.તો બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની અઢળક આવક સાથે માર્કેટ યાર્ડ કેરીથી ઉભરાય જવાં પામ્યું છે.
વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીના આગમનની તો કેસર કેરીની સિઝનનો પ્રારંભ થાય ત્યારે સૌ પ્રથમ કેસર કેરીની પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં દર વર્ષે હાફુસ કેરીની આવક થતી હોય છે.પરંતું આ વર્ષે કેસર કેરીના આગમન પહેલા હાફુસ કેરીનું આગમન હવામાન અનુકુળ ન હોવાથી ૨૫ થી ૩૦ દિવસ મોડું થવાં પામ્યું છે.જેમને કારણે યાર્ડમાં હાફુસ કેરીની સાથે કેસર કેરીનું આગમન એકી સાથે જોવા મળ્યું છે.ત્યારે ગોંડલ માર્કેટ હાફુસ કેરીની આવક ૨૦૦૦ કેરેટ અને રત્નાગીરી હાફુસની આવક ૩૦૦ પેટીની જોવાં મળી છે.અને હાફુસ કેરીના ૨૦ કિલોના કેરેટના ભાવ હરરાજીમાં રૂપિયા ૧૪૦૦/-થી લઈને ૧૫૦૦/- સુધીના બોલાયા હતાં.
આ વર્ષે કેરીના પાકને અનુકુળ હવામાન ન હોવાથી હાફુસ અને કેસર કેરીનું આગમન મોડું થવાંની સાથે બંને કેરીનું આગમન એકી સાથે જોવા મળ્યું છે.ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ કેસર કેરીની રોજીંદી ૧૪ થી૧૫ હજાર કેરીના બોક્સની આવક થવા પામી છે.આ સાથે જ હરરાજીમાં કેસર કેરીના સાડા દસ કિલોના બોકસના ભાવ રૂપિયા ૪૦૦/-થી લઈને ૮૦૦/- સુધીના બોલાયા હતાં તેમ છતાં ઉના સાસણગીર પંથકમાં આ વર્ષે કેસર કેરી પકવતા ખેડૂતોને માવઠાનો માર,લોકડાઉન અને મજૂરોની અછત વચ્ચે વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કેરીની ખેતી કરતા ખેડૂતોને ઉત્પાદનમાં વધતા જતાં ખેતી ખર્ચો વચ્ચે કેસર કેરીના યોગ્ય ભાવ ન મળતાં હોવાનું દુ:ખ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે..
ગોંડલ માર્કેટ યાર્ડ ભલે લોકડાઉન વચ્ચે મીઠી મધુર કેસર કેરીથી ઉભરાય રહ્યું હોય પરંતું સ્વાદપ્રેમીઓ માટે કેસર કેરીની સિઝન કેટલી લાંબી ચાલશે અને ફળોની રાણી પોતાનો મીઠો મધુર સ્વાદ કેટલો સમય ચખાડશે એ જોવાનું રહ્યું…