પાન, બીડી, તમાકુ, સીગારેટ, માવાના બંધાણીઓ વસ્તુઓ મેળવવા જમીન આકાશ એક કરે છે: ગુટકા, તમાકુ, માવાના વેપારીઓ બંધાણીઓની ગરજનો લાભ ઉઠાવે છે
સૌરાષ્ટ્રમાં હાલ લોકડાઉનના પગલે તમાકુ પર અલિપિત પ્રતિબંધ હોવાથી તમાકુ, સીગારેટ, પાન, માવાની વસ્તુઓ વેચનારા વેપારીઓ કાળાબજાર કરતા હોવાની રાવ ઉઠી છે. વહીવટી તંત્ર અને પોલીસની મીઠી નજર અથવા હાથ (સાથ) વગર શકય બને નહીં તેમ જાણકારો કહે છે.
તા.ર૩ માર્ચથી ગુજરાતમાં લોકડાઉન આવવાની સાથે જ કાગળ ઉપર અપ્રતિબંધિત પાન, સોપારી, તમાકુ, ચુનો જેવી તમાકુની વસ્તુઓના વેચાણ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેને કારણે લાખો વ્યસનીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બીડી, તમાકુ સમયસર ન મળવાના કારણે સૌરાષ્ટ્રના અમુક સેન્ટરોમાં તો વ્યસનીઓ મોતને વ્હાલું કરવા માંડયાના બનાવો બન્યા છે. સરકાર અને તંત્ર દ્વારા ગમા અણગમાને ઘ્યાને લઇ આવું કર્યાનું સૌ કોઇનું માનવું છે. પાન, બીડી, તમાકુ, સોપારીનુ વ્યસન ધરાવતા લોકો આવી વસ્તુઓ મેળવવા જમીન આકાશ એક કરી રહ્યા છે. સરકાર કે તંત્રે જે આદેશ સાથે આવી વસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ ઠેરવ્યો છે તે આ તમામ વસ્તુઓનું શું વહેંચાણ બંધ છે? ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં તમાકુના વેપારીઓ સોના જેવા ભાવે વહીવટી તંત્ર સાથે ના કહેવાતા વ્યવહારિક સંબંધોને કારણે વહેચી રહ્યા છે. તે હકીકત છે. તમાકુના કેટલાક જથ્થાબંધ વેપારીઓએ માવા, તમાકુ, સોપારી, ચુનાનું વહેંચાણ ખાનગી રાહે શરુ કયુૃ છે. જો કે હવે આ વાત ખાનગી રહી નથી આજે ૧૩૮ નંબરની તમાકુના નાના ડબ્બાનો ભાવ વર્ક વાળાનો ર૦૫/- નો પ્રિન્ટ ભાવ છે તેની જગ્યાએ રૂ. ૧૨૦૦/- વસુલવામાં આવે છે. ૧૩૦ નંબર ર૦૦ ગ્રામના ૩૮૦૦/- વસુલાઇ રહ્યા છે. એજ રીતે સોપારીનો ભાવ ૪૦૦ થી પ૦૦ વચ્ચેનો છે. તેના કિલોના ૧૪૦૦ થી ૧૬૦૦ કિલો લેવાઇ રહ્યા છે. સુરેશ તમાકુ અને ગુટકાના ભાવો પ્રિન્ટ ભાવો કરતા ૪૦ ગણા વધારે વસુલીને ગ્રાહકને અપાય છે.
સરકારી પ્રતિબંધ આવા વેચાણ ઉપર હોવા છતાં રાત્રે અને દિવસે રખેવાળી કરવાની જવાબદારી જેમના શિરે છે તેમાં પોલીસ, રેવન્યુ અધિકારી પણ આવા ભાવો સાંભળીને માત્ર હાસ્ય વેરીને સંતોષ મેળવતા હોવાનું સૌ કોઇ કહી રહ્યા છે. આ પ્રશ્ર્ને જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા જરૂરી તપાસ કરાવી જેમ વ્યાજખોરોને અને ખનીજ ચારોને આવી પ્રવૃતિઓ કરતા ડામી દીધા તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં તમાકુની આઇટમોના વ્યસની મજબુર માણસો પાસેથી લોકડાઉનનો ફાયદો ઉઠાવી જે રીતે લુંટવામાં આવી રહ્યા છે તેવા કાળા બજારીયા વેપારીઓ સામે કડક પગલાઓ લેવામાં આવે તે જરૂરી છે. લોકડાઉન પહેલા કયા જથ્થાબંધ તમાકુના વેપારી પાસે કેટલો માલ આવ્યો હતો અને લોકડાઉનમાં હાલ તેમની પાસે પડતર જથ્થામાંથી કેટલો માલ વઘ્યો છે તે અંગેની તપાસ વેપારીઓના સ્ટોક પત્રક મોબાઇલ નંબર વોટસઅપથી તપાસ કરી આવા તત્વો દ્વારા કરાયેલ કાળા બજારની વિગતો સીસી ટીવી કેમેરામાં તપાસ કરાવી કરવી જોઇએ. જો તે માંથી કાળા બજારની હકીકત મળે તો તેમની સામે પણ પાસાનો કાયદો લગાવવો જોઇએ તેવી માંગ પણ ઉઠી રહી છે.
પ્રતિબંધ છતાં મોટા જથ્થામાં આવી વસ્તુઓ આવે છે કયાંથી?
હોલસેલરો, આગેવાનો ને વચેટીયાની સાંઠગાઠથી ચાલતું નેટવર્ક
માંગરોળમાં સોપારી, તમાકુની બનાવટોના ધૂમ કાળાબજાર વચ્ચે વ્યસનીઓની હાલત કફોડી થઈ છે. મોં માંગ્યા ભાવ ચૂકવવા બંધાણીઓ મજબૂર બન્યા છે. બીજી તરફ પોલીસે હોલસેલની દુકાનોમાં સ્ટોકની ગણતરી કરી હોવા છતાં તેમજ આ વસ્તુઓના વેચાણ અને પરિવહન પર પ્રતિબંધ હોવા છતાં મોટા જથ્થામાં આવી વસ્તુઓ કયાંથી આવી રહી છે તે પણ એક સવાલ છે. છેલ્લા દોઢ માસથી લોકડાઉન વધવાની સાથે બેફામ નફાખોરીથી તમાકુ, બીડીના ભાવમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. સોપારીની એક ગુણ જે ૨૪ થી ૨૫ હજારમાં મળતી હતી, તેના ૮૦ હજારથી એક લાખ થઈ ગયા છે. જે પાન, માવાના રિટેઈલરોને પરવડે તેમ નથી. તમાકુના પાઉચ કે ડબ્બાની દસ ગણી કિંમત વસુલાઈ રહી છે. જેથી માવામાં ડુપ્લીકેટ તમાકુ ધાબડવામાં આવી રહી છે. ૨૦ રૂ.ની એક જુડી બીડીના ૨૦૦ થી ૩૦૦ રૂ. પડાવાઈ રહ્યા છે. વર્ષોના બંધાણીઓને તેના વગર ચેન ન પડતું હોય, આ કિંમતે પણ વ્યસનીઓ તે ખરીદવા મજબૂર બન્યા છે. અમુક હોલસેલરો, રાજકીય વ્યક્તિઓ અને વચેટીયાઓની સાંઠગાંઠથી ચોક્કસ ઢબે નેટવર્ક ચાલી રહ્યું છે. તદુપરાંત જિલ્લા મથકેથી આદેશ બાદ પોલીસે હોલસેલરોની દુકાનોમાં રહેલા તમાકુના પાઉચ તથા ડબ્બા, બીડીના પેકેટો, બજર સહિતની વસ્તુઓની ગણતરી કરી ચોપડે નોંધી છે. પરંતુ તેમાં પણ પોલીસને ઊંધા ચશ્મા પહેરાવવામાં નફાખોરી કરતા વેપારીઓ સફળ થયા છે. આ કાર્યવાહી બાદ પણ વહેલી સવારે પીપરીચોરા નજીક જેઈલ રોડ, ગાંધીચોક નજીક આવેલા એક હોલસેલરના દુકાન અને ગોડાઉન સહિતની જગ્યાએ તમાકુની બનાવટોના મોટા જથ્થાની અનેક વખત બિન અધિકૃત હેરફેર અને વેચાણ કરવામાં આવ્યું છે. ત્યારે મોટા પ્રમાણમાં થઈ રહેલા ગફલાથી પોલીસ અજાણ હોય તેવું માનવાને પણ કોઈ કારણ નથી. લોકોમાં અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.
અલગ અલગ બ્રાન્ડની સીગારેટના રેગ્યુલર ભાવ ૮૦ થી ૧૨૦ સુધીના એક પેકેટના છે. જેના હાલ ૨૦૦ થી ૩૦૦ રૂપિયા સુધી લેવાતા હોવાની લોકોમાં ચર્ચા થઇ રહ્યા છે.