મોરબીમાં કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિને ક્વોરેન્ટાઇન ફેસેલીટીમાં મુકવામાં આવે છે. જે લોકોની ઇમ્યુનીટી સિસ્ટમ વીક હોય તેવા લોકોને કોરોના સંક્રમણનું જોખમ વધુ રહે છે. ખાસ કરીને બીમાર, વૃદ્ધ કે અશક્ત લોકોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વિશ્વભરમાં વધુ જોવા મળ્યું છે ત્યારે મોરબીમાં ગવર્મેન્ટ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં નિયત સમય મર્યાદા માટે રાખવામાં આવેલા નાગરિકોને યોગ ટ્રેનર વાલજીભાઇ ડાભીએ યોગ કરાવ્યા હતા અને આગળ ઉપર જાતે કઈ રીતે યોગ કરી શકાય તેની તાલીમ પણ આપી હતી.
અધિક મુખ્ય સચિવ મહેસૂલની વિડિઓ કોન્ફ્રન્સની ચર્ચા અન્વયે અને કલેક્ટરના આદેશથી ક્વોરેન્ટાઇન ફેસેલીટીમાં યોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘુંટુ પાસે આવેલ પોલિટેક્નિક કોલેજમાં મોરબી તાલુકા હેલ્થ ઓફિસરના સહયોગથી વાલજીભાઇ ડાભી દ્વારા યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વાલજીભાઇ ડાભી નિર્મળ વિદ્યાલય મોરબી ખાતે યોગ શિક્ષક તરીકે ફરજ બજાવે છે, ત્યારે ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકોને યોગ કરાવી તેઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સરકારી સ્તરે આ પ્રયાસો ચાલુ થયા છે.