ગ્રેટર રાજકોટ ચેમ્બરે જિલ્લા કલેકટરને કરેલી રજૂઆત સફળ નિવડી: બે દિવસની છુટ બાદ હજુ પણ વધુ મુદત મળે તેવી શકયતા
આજી જીઆઈડીસીના ઉદ્યોગો પાસે પડેલા માલના જથ્થાનો નિકાલ થાય તેવા હેતુથી ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા જિલ્લા કલેકટર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સામે
તંત્રએ હકારાત્મક વલણ અપનાવીને આ ઈન્ડસ્ટ્રીઝને એકસ્પોર્ટ માટે ડિસ્પેચીંગની છુટ આપી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ છુટ બે દિવસ માટે અપાઈ હોય હજુ પણ મુદત વધવાની શકયતા સેવાઈ રહી છે.
રાજકોટ શહેરની હદમાં તેમાં પણ ખાસ કરીને આજી વિસાહતમાં આવેલા નિકાસ કરતા એકમોનો માલ શીપમેન્ટ અંગે કલેકટરને ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તે સફળ નિવડતા નિકાસકારો તથા આજી જીઆઈડીસી એસો.એ રાહત અનુભવી છે. જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી નિકાસકારોને ઓર્ડરોના શિપમેન્ટ કરવા મુશ્કેલ બન્યા હતા. જેથી નિકાસકારો અને જીઆઈડીસી એસો.ના પદાધિકારીઓએ વિવિધ સંસ્થાઓ સાથે રહીને જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી પરંતુ તેના કોઈ પરિણામ મળ્યા ન હતા.
ત્યારબાદ આ બાબતે ગ્રેટર રાજકોટ ચેમ્બરના પદાધિકારીઓના નેતૃત્વમાં આજી જીઆઈડીસી એસો. દ્વારા જિલ્લા કલેકટરને સમજાવટપૂર્વક રજૂઆત કરવામાં આવતા તેઓએ એકમોને રાહત આપતા નિર્ણય લઈને ડિસ્પેચીંગને છુટ આપી દીધી છે. આ છુટ બે દિવસ માટે આપવામાં આવી હોય. હાલ ૧૫ જેટલા નિકાસકારોએ પોતાના માલને પોર્ટ સુધી લઈ જવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. જો કે, મળતી માહિતી પ્રમાણે આ છુટની મુદતમાં વધારો થાય તેવી શકયતા સેવાઈ રહી છે.
નિકાસકર્તાની રજૂઆતને ધ્યાને લઈ રાહતરૂપ નિર્ણય લેવા બદલ આજી જીઆઈડીસી એસો.ના પ્રમુખ જીવણલાલ પટેલ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, સેક્રેટરી રાજેશભાઈ તંતી, જોઈન્ટ સક્રેટરી સુરેશભાઈ સંતોકી અને ટ્રેઝરર હર્ષદરાય કણસાગરાએ જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ અધિક કલેકટર પરિમલ પંડ્યા અને ગ્રેટર રાજકોટ ચેમ્બરના પદાધિકારીઓનો આભાર વ્યકત કર્યો છે.